વાર્તા : ૪૦
મંદિરમાં મૂર્તિ પધરાવવી હોય ત્યારે પ્રથમ સિંહાસન સામી મૂર્તિ હોય, પછી પધરાવીએ એટલે સિંહાસનના મુખેમુખ થઈ જાય. તેમ મૂર્તિ વિશે આપોપું થાય એટલે દેહભાવ ટળી જાય, પછી કામ ક્રોધાદિક દોષ રહે જ નહિ; ત્યારે જાણવું જે મૂર્તિના સુખરૂપ રસનો ભોક્તા થયો તેને અનાદિ કહેવાય. જ્યાં સુધી મહારાજ સન્મુખ હોય ત્યાં સુધી વિધિ કરવાનો બાકી જાણવો, પણ પ્રતિલોમપણે હસ્તેહસ્ત, મુખેમુખ, ચરણેચરણ થયાં એટલે વિધિ પૂરો થયો જાણવો. જ્યાં સુધી એવું ન થયુ હોય ત્યાં સુધી સત્સંગ અધૂરો જાણવો. માટે મોટાના જોગે કરીને સત્સંગ પૂરો કરી લેવો. મૂર્તિ દેખાય એટલે સુખિયા થયા એમ નહિ. એમ તો ચિતારા મૂર્તિને દેખે છે, પણ તેણે કરીને સુખિયા થતા નથી; એ તો જ્યારે મૂર્તિરૂપ થઈ મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે સુખિયા થાય. એક ચકલી મેરૂ પર્વત ઉપર બેઠી હતી, તેને પાણી પાવા સારુ ભગવાને બધું બ્રહ્માંડ બોળી નાખ્યું; તેમ જે મૂર્તિમાં જોડાણો તેને અનંતકોટી બ્રહ્માંડ બોળાઈ ગયાં અને મહારાજની મૂર્તિના સુખરૂપ પાણી પીધું. માટે ભગવદ્ભાવ આવ્યો એટલે મૂર્તિના સુખમાં જોડાઈ ગયો જાણવો. ॥ ૪૦ ॥