વાર્તા : ૫૧
શ્રીજીમહારાજનો દરજ્જો સૌથી પહેલો છે અને અનાદિમુક્તનો દરજ્જો બીજો છે; મહારાજ પૂજાય તે ભેગા એ મુક્ત પણ પૂજાય છે. જો આ દરજ્જાની ખબર રાખે તો તેમની પાસે પોતાને કાંઈ માન ન રહે, કારણ કે એ સર્વ મહારાજને લઈને છે. તેથી બધી પૂજા, પ્રતિષ્ઠા, સત્કાર, સન્માન મહારાજને જ થાય છે; એમ જાણે તો એમની મોટપ જણાય. પછી એમની પાસે પોતાના ડહાપણનો સંકલ્પ કેમ રહે? ન જ રહે.
બાપાશ્રી કહેતા કે જેને લાખો માણસો માનતા હોય તો જાણવું જે એ જરૂર મોટા હશે. એટલા માણસો માને અને જેમ છે તેમ સ્થિતિ રહે તો મહારાજ પૂજાય છે, એમ જાણવું. જો પોતે પૂજાતા-મનાતા હોય તો તે સન્માન જીરવી શકાય નહિ અને સ્થિતિ પણ રહે નહિ.
બીજાને સમજાવવાનું તાન રહે પણ પોતાના જીવને ન સમજાવાય તે કેટલી ખોટ? માટે પહેલો તો પોતાના જીવાત્માને બરાબર સમજાવવો; પછી બીજાનું કરવું અને કહેતા રહેવું જે ભાઈઓ! જો જો! સત્તાવનનું ટોળું છે તે ગાફેલ રહેશો તો લૂંટી લેશે. ॥ ૫૧ ॥