૧૦. અખંડ પૂજા

સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ પૂછ્યું કે આપણે સુખ લેવા આવ્યા છીએ કે દેવા ? સોમચંદભાઈને સ્વામીશ્રી કહે : આપણે તો મહારાજની ઇચ્છાથી સુખ દેવા આવ્યા છીએ !

સ્વામીશ્રીની આ આજ્ઞાને શિરસાવંદ્ય ગણીને સોમચંદભાઈએ અનેક મુમુક્ષુઓને શ્રીહરિસુખની હેલીમાં ડૂબાડી દીધા હતા, તે છતાં પોતાનું સામર્થ્ય છુપાવીને જ વર્તતા.

‘‘બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ;

હીરા મુખસે નવ કહે લાખ અમારા મોલ.’’

પણ હવે સોમચંદભાઈના શરીરને અવસ્થા વરતાય છે. સીત્તેર વર્ષની ઉંમર થઈ છે. સતત ફરતું રાખ્યું છે આ શરીર; નથી જોયો થાક, નથી જોઈ ઊંઘ ! શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના દિવ્ય યજ્ઞમાં આહૂતિરૂપે સમગ્ર અસ્તિત્વ સમર્પી દીધેલું છે.

શરીરમાં મંદવાડ બતાવે છે. તાવ આવ્યો, પાચનશક્તિ ક્ષીણ થઈ, ઝાડા રહ્યા, શરીર ક્ષીણ થવા લાગ્યું, અશક્તિ આવતી ગઈ. વૈદ્યની દવા સાધારણ લે. શ્રીજીમહારાજને તપ કરાવવું છે એમ કહે !

પોતાની જોડ સમા અ. મુ. ચતુરભાઈ માલણિયાદમાં ધામમાં પધાર્યા ત્યારે તેમના તેરમા નિમિત્તે અશક્ત તબિયતે પણ માલણિયાદ પધાર્યા. ભેગા થયેલા સૌ હરિભક્તોને હરહંમેશની જેમ શ્રીહરિસુખની વાતોના પ્રસાદથી રીઝવી દીધા. વાતો કરે તો કોઈને એમ લાગે જ નહીં કે આમને નખમાં ય કોઈ મંદવાડ છે ! રમૂજમાં આવીને હિન્દીમાં વાતો કરતા જાય ! હળવદ આવી સૌ હરિભક્તોને વિદાય આપી ત્યારે કોઈને ય એવો ભાવ ન થવા દીધો કે આ છેલ્લાં દર્શન છે.

વડોદરા જિલ્લાના સાંઢાસાલ ગામે રહેતા એક પરમ ભગવદીય, સેવાભાવી ડૉક્ટરને ત્યાં જાત દેખરેખની વૈદ્યકીય સંભાળ, ભાવભર્યું સેવાનું અંગ અને પોતાની રુચિ મુજબનું એકાંત સ્થળ જાણી સોમચંદભાઈ સાંઢાસાલ પધાર્યા. કોઈને ય પણ કોઈ જાતનું દુઃખ હોય તો પોતે તે દૂર કરવા - મટાડવા સતત પ્રયત્નશીલ રહેતા, પણ પોતાના મંદવાડને શ્રીજીપ્રેરિત તપનો યોગ કહી તેને મટાડવાનો સંકલ્પ પણ ન કર્યો ! કોઈ ભાવિક હરિભક્ત મંદવાડ મટાડવા પ્રાર્થના કરે તો તેને અળસાવે. કહે : આપણે તો શ્રીહરિના સેવક, સેવકનો ધર્મ તો ધણીના ગમતામાં રહેવાનું. ‘‘ચાકરડી મોટપ કહાં, સબ લાજ ધણીકો.’’

ક્યારેક શરીરે સારું દેખાડે, ક્યારેક હેતવાળા હરિભક્ત તેમની ના છતાં દર્શને આવે તો શ્રીહરિસુખની વાતોથી રીઝવી દે, તો ક્યારેક હિંમત દેતા પત્રો લખાવે. આમ માસ-બે માસ મંદવાડ દેખાડ્યો.

સં. ૨૦૨૦ના માગશર સુદ ચોથ ને બુધવાર, તા. ૨૦મી નવેમ્બર, ૧૯૬૩. પરોઢિયે ચાર વાગ્યે જાગી, નાહ્યા, ધાબળી પહેરી, અને પાંચ વાગ્યે પૂજા કરવા માટે પોતાનાં બહેન પાસે કોથળો પથરાવ્યો, ને તેના પર શ્રીહરિજીને દંડવત્‌ કરતા શ્રીહરિજીની મૂર્તિમાં - જ્યાં તેઓશ્રી સદેવ નિવાસ કરીને રહ્યા હતા ત્યાં - રસબસભાવે લીન થઈ ગયા, ને તે જ ક્ષણે આ લોકની લીલા સંકેલી લીધી.

મુક્તરાજ સોમચંદભાઈનું સમગ્ર જીવન શ્રીહરિજીની પૂજા રૂપે જ હતું, પૂજા કરતા જ જીવન સંકેલી લીધુંને શ્રીહરિજીની અખંડ પૂજા કરવા મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા.

શ્રીહરિજીએ પોતાના સંકલ્પથી જે લીલા અનંત જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે વિસ્તારી હતી તે, શ્રીહરિ-ઇચ્છાથી સંકેલાઈ ગઈ ! મોક્ષનું સદાવ્રત, હરતો ફરતો સમૈયો, આનંદનો મહેરામણ, મુમુક્ષુઓનું માતૃવત્‌ શિરછત્ર, નમ્રતાનો આદર્શ, હાલતી-ચાલતી દેરી, જંગમ તીર્થસ્થાન કે હરિગીત ગાતી જ્ઞાનગંગા - શ્રીહરિમાં સમાયા !!