પત્ર : ૮૧
પણ શાસ્ત્રમાં ઘણા શબ્દો સાધનકાળના છે તે જીવોને સમજાવવા લખ્યા છે, અને આજ સુધી તેનું જ મનન કર્યું છે તેથી એવાં દૃષ્ટાંતો તથા એવું સમજાવનારા સાધનદશાવાળાના જોગથી ઉત્તમ સ્થિતિ અનાદિની તેનું મનન થતું નથી, તેથી એ સ્થિતિ ક્યાંથી પમાય ? શ્રીજીમહારાજને અક્ષરધામના પતિ જાણવાથી અક્ષરધામમાં જવાય પણ ગોલોકના પતિ, વૈકુંઠના પતિ જાણવાથી ન જવાય, એની મોટા સદગુરુઓનાં વચનથી ઘણા વખતે હા પડી છે, તેમ પૂર્વના મુક્તોને અનાદિ ન માનીએ ત્યાં સુધી આપણે અનાદિની સ્થિતિ પામી શકીએ નહિ. બાપાશ્રી કહે છે કે વાચ્યાર્થમાં પડ્યું રહેવું નહિ, એટલે એવી સ્થિતિવાળાને જાણવા ને ઓળખવા. મોટાને એવા જાણતા એવી સ્થિતિ પમાય છે. મહારાજે અનાદિ દ્વારે બધું કર્યું છે. મુક્તોને તો મૂર્તિ વિના કાંઈ હતું જ નહિ. એ વાતની ઘેડ્ય ક્યારે બેસે ? આપણને મૂર્તિનો સંબંધ અખંડ રહે તો. એટલા માટે શ્રીજીમહારાજે રૂમાલ દેખાડી તલવાર કહેવરાવી. જો તલવાર મનાય તો બેસો નહિતર ઊઠી જાઓ. આમાં શું જાણવાનું છે તો શ્રીજીમહારાજના વચનથી જ બદ્ધ-મુક્તપણું છે.
‘‘વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ, વચને બદ્ધ-મુક્ત કરીએ;
તે વચન શ્રીહરિ મુખના સુખદાય સર્વે લઈએ.’’
શ્રીજીમહારાજ ગઢડામાં વાત કરે અને કહે : ‘‘આ ગઢડું શહેર કે ઓશરી કાંઈ નથી, તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો, એમ હું દેખું છું.’ એ વખતે એમ વર્તે કે આપણે ગઢડામાં છીએ અને મહારાજ કહે છે કે અક્ષરધામમાં બેઠા છે તે કેમ મનાય ? તો ગઢડા વિના આઘે ગતિ થાય નહિ, અને અંતઃવૃત્તિ કરે તો તેજમાં પોતે બિરાજે છે તેવાં દર્શન થાય. એ વખતે મોટાના જોગવાળા આવું રહસ્યજ્ઞાન અધ્ધરથી ઝીલતા તો મહાફળ મળતું. તે ઉપર બાપાશ્રીની વાત સમજવા જેવી છે કે ‘‘શ્વાંત નક્ષત્રમાં છીપ તે જળ અધ્ધરથી ઝીલે તો લાખ લાખના મોતી પાકે અને પડી પડી ઝીલે તો ફટકિયા મોતી થાય છે તેમજ થાય.’’ પછી એમ કહ્યું કે, ‘‘આ અમારાં વચન અધ્ધરથી ઝીલે તો કાંઈનાં કાંઈ ફળ થાય. અમે તો એવો સંકલ્પ કરીએ છીએ કે બધોય સત્સંગ આબાદ અક્ષરધામમાં ચાલ્યો આવે, બધાય અનાદિની સ્થિતિ ભોગવે.’’ આવા વચનનો મર્મ સમજાય તો પોતાને અનાદિની સ્થિતિની દૃઢતા થાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે શ્રીજીમહારાજે સોરઠવાસીને પોતાનું સુખ આપવા અમને રાખ્યા છે, તે અમારે મહારાજનું સુખ આપવું છે. એ રીત બાપાશ્રીએ પોતાના કાર્યમાં ઘણી વાર જણાવી છે, પણ કેટલાકને સુખ લેતાં ન આવડ્યું ને રહી ગયા તેને શ્રીજીમહારાજ ફરી વાર જોગમાં લાવ્યા છે. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની વાતમાં છે કે ‘વિવાહના ધોળ ગવાય ત્યારે રાજાના ઘેર વિવાહ હોય તોય એ જ ગવાય, ને ગરીબના ઘેર હોય તોય એ જ ગવાય, પણ સૌ સૌના નિશાનમાં ફેર.’ તેમ ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિક એ બધાં આવા ગહન શબ્દોના અર્થ પોતાની સ્થિતિ પર સમજે અને એ રીત જ છે, જેથી કોઈ સમજે - ન સમજે તેનો ધોખો સ્થિતિવાળાને ન રાખવો, એમ લખ્યું છે.