પત્ર : ૨૨

કારખાનામાં કામ કરનારા મિસ્ત્રીઓને પણ સમજાવવું છે કે સહજાનંદ સ્વામી ભગવાન છે અને છેલ્લી વખતે એ એક જ કામમાં આવે છે. આ લોકમાં પણ ક્ષણે ક્ષણે તેમનું કામ પડે છે, અને એથી જ એ આપણું સર્વે સુખ છે, તેથી શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિને સંભારવાનો ખટકો રાખવો.

શ્રીજીમહારાજ નિજાશ્રિતની રક્ષામાં છે. એમનું પ્રગટપણું અનંતજીવના કલ્યાણે અર્થે છે, તે માટે આપણે દરેક ક્રિયામાં એમને સાથે રાખવા. એ મૂર્તિનો સંબંધ રાખતા મોટા મુક્તો પણ સહેજે રાજી થાય છે. મોટા મુક્તને શ્રીજીમહારાજના દિવ્ય સુખનો આનંદ વર્તતો હોય એટલે આ લોક ને લોકનાં ભોગ-સુખ સામી નજર ન હોય : ‘‘મુક્તાનંદ કહે હરિ-હરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.’’ દેહભાવવાળાને મોટા મુક્તનો જેમ છે તેમ મહિમા જાણવામાં આવતો નથી, તેથી બાપાશ્રીએ વાતોમાં મોટા મુક્તની સ્થિતિનું વર્ણન ઘણું કર્યું છે. સત્સંગમાં ચાલો ચાલ અને એકાંતિક ભાવવાળા પણ હોય એટલે તેમની ગતિ પ્રમાણે તે મહારાજને વર્ણવે, પણ જે સિદ્ધમુક્ત છે, પરમ એકાંતિક અને અનાદિ મુક્ત છે તેમને તો મૂર્તિ વિના બીજું નજરમાં જ નથી. આપણાં દરેક શાસ્ત્રમાં મોટા મુક્તોના સામર્થ્ય, સ્થિતિનાં લખાણ છે તે વિચારીએ તો ખબર પડે કે તેમની દૃષ્ટિમાં એક શ્રીજીમહારાજ જ છે. બાપાશ્રીના કૃપાવચનમાં આ બધું છે. ‘‘આપણે એક છોગલાવાળા સ્વામિનારાયણ ભગવાનનું કામ છે. એ એક રહે એટલે હય્યો : શ્રીજીમહારાજ આજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે, આજ્ઞા લોપે તેને ચાબૂક મારે છે; આપણને શ્રીજીમહારાજ ન્યાલકરણ મળ્યા છે; અક્ષરધામના ધામી શ્રી પ્રગટ પુરુષોત્તમનો ચાંદલો આવ્યો એ કેવડી વાત ! આપણે એક શ્રીજીમહારાજનો રસ લેવો; શ્રીજીમહારાજે આ સમયે મોક્ષનું સદાવ્રત ચલાવ્યું છે; મોક્ષની દૃષ્ટિમાં ને રાજીપામાં આવ્યા હોય તે મૂર્તિ વિના રહી શકે નહીં; મોટા ભાગના જોગથી મહારાજનો સાક્ષાત્કાર થાય છે; જંઈનો વેપાર ને લાખનો લાભ એવું મહારાજના મુક્તનું છે; તેમના જોગે શ્રીજીમહારાજની પ્રસન્નતા સહેજે થઈ જાય છે; સત્સંગમાં બધા શ્રીજીમહારાજની કૃપાએ સુખિયા છે; મુંબઈ જેવા પ્રવૃત્તિવાળા શહેરમાં પણ અક્ષરધામ જેવું મંદિર એ કેવડી દયા કહેવાય ? માટે સદાય આનંદમાં રહી મૂર્તિનો સંબંધ રાખવો; આપણે એ મૂર્તિના આધારે છીએ; આપણને મહારાજે ન્યાલ કર્યા છે; આપણા ચૈતન્યને આકર્ષણ કરીને મૂર્તિમાં રાખેલ છે; આપણા ચૈતન્યને એક મૂર્તિનો જ આધાર છે; અનંત કોટિ મુક્તના સ્વામી, અનંત અવતારના અવતારી, અનંત આત્માના આત્મા, અનંત પ્રાણના પ્રાણ, સર્વોપરી સર્વકારણ શ્રીહરિ સહજાનંદ સ્વામી ભગવાન - એમને આશરે આપણે છીએ; એ એક જ આધાર છે; આટલી દૃઢતામાં બધુંય આવી ગયું; કથા-વાર્તા, ધ્યાન-ભજન-ભક્તિ બને તેટલાં કાર્ય કરવાં, કામકાજ કરતાં પણ મૂર્તિનું અનુસંધાન રહે એવો ખટકો રાખવો.