પત્ર : ૭૧

મહારાજ કહે : અમે કાંકરીએ ચોરાસી કરી ને શ્રી નરનારાયણ દેવની શ્રીનગરમાં પ્રતિષ્ઠા કરી તેમાં લાખો માણસોનો મેળો થયેલો. તે પ્રવૃત્તિ વિસારી દેવા ગણેશ ધોળકાની રાણ્યમાં ગયા ને અંતઃવૃત્તિ રાખવા માંડી, પછી એમ થયું કે અમે તો કાંઈ કર્યું જ નથી. અમે દિવ્ય મૂર્તિ - અનંત અનાદિ મુક્તે સહિત સદાય અક્ષરધામમાં જ છીએ. માટે પ્રવૃત્તિ વિસારવા અંતઃવૃત્તિએ મહારાજ સભાસહિત જોવા. પરમકૃપાળુ બાપાશ્રી કહે છે કે, ‘એક છોગલાવાળા સ્વામિનારાયણ રહે તો હય્યો.’ મૂર્તિ એ મુદ્દો છે, તે મુદ્દો રાખવો. મૂર્તિ વિના રોગી વાની છે. મૂર્તિ પરમ ચિંતામણિ, કલ્પતરુ અને મહામોંઘી વસ્તુ છે. તે મૂર્તિ અનેક બ્રહ્માંડમાં કોઈને ન મળે તે આપણને ‘‘સહેજે મળ્યા સહજાનંદ પુરુષોત્તમ પ્રગટી રે’’ એવું સુગમ થયું છે. શ્રીહરિ અનેક પ્રકારે નિજાશ્રિતને સુખિયા રાખે છે. આ લોકનું સરખું હોય તો આપણને સાનુકૂળ થાય, જેથી મહારાજ ઠીક થાય તેમ રાખે છે. અ. મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા શ્રીજીમહારાજના સંકલ્પથી જીવોને દૃષ્ટિગોચર થયેલા. એ મહાઅનાદિ સ્વરૂપોએ જીવોને દૃષ્ટિમાત્રે સુખિયા કર્યા. શ્રીજીમહારાજનું સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવ્યું. પરમ કૃપાળુ બાપાશ્રીએ પણ સૌને મૂર્તિરૂપી અભયદાન આપ્યું. મહારાજ અને મહારાજના મુક્ત એ બંને દિવ્યરૂપો સૌના આત્યંતિક મોક્ષ કરવા આ બ્રહ્માંડમાં પધાર્યા. એમનાં દિવ્ય ચરિત્રોના ગ્રંથો લખાયા છે. તેમનાં વૃત્તાંતો બહુ જ ચમત્કારી, કોઈ તેમની સરખામણી કરી ન શકે. જેમ સહજાનંદજી સૂર્ય એક જ, તેમ અનાદિ મહામુક્તોની સભાની જોડમાં કોઈ ધામની સભા આવી ન શકે. સૂર્યની પેઠે ચંદ્ર પણ આકાશમાં સર્વોત્તમ, તેની તુલ્ય બીજા તારાથી ન થવાય, એવા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અને એમના લાડીલા મુક્તોની આપણને પ્રાપ્તિ થઈ. એમણે આપણને પોતાના કર્યા, તેથી વધુ શું છે ? કાંઈ નથી. આપણા કુટુંબમાં સૌને આ શ્રીહરિની એક સરખી ઓળખાણ છે. બધાને એમ જ છે કે વહેલા મહારાજનું દિવ્ય સુખ કેમ આવે ! નાના-મોટા પર મહારાજ તથા મોટા મુક્ત રાજી થયા છે તેમનું આ ફળ છે. બાપાશ્રી કહે છે કે આપણે ધુણી-પાણી ભેળા કર્યા હશે. અનંત જન્મના સુકૃત ઉદય થયા હોય તેને આ પ્રાપ્તિ થાય છે. ક્યાં મહારાજ ! ક્યાં જીવ ! એ ન બનવાનું બની ગયું. જીવમાંથી શિવ એટલે મુક્ત કર્યા. મૂર્તિમાં રાખી અખંડ સોહાગી કર્યા. હવે તો એવું જ મનન કરવું કે, ‘‘શ્રીજીમહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, હું અનાદિમુક્ત છું.’’ બાપાશ્રીનો આ રહસ્ય અભિપ્રાય છે. શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રીનું પ્રગટપણું થયું. તેમાં ચોરાશી વર્ષ સુધી નરનાટકમાં અનેક ચરિત્રો બતાવ્યાં. સત્સંગમાં ગામેગામ ફરી અનેકને શ્રીહરિનો સંદેશો પહોંચાડ્યો. આઠ તો મોટા યજ્ઞો કર્યા, જેમાં હજારો સંત હરિભક્તો આવતા, સૌના આત્યંતિક મોક્ષનો જ સંકલ્પ કે આ યજ્ઞમાં જે કોઈ જમશે તેમનો આત્યંતિક મોક્ષ થશે. આવા મહાન કાર્યથી અનેક જીવોને શ્રીજીમહારાજના દિવ્ય સુખમાં પહોંચાડ્યા. આ બધાં કાર્ય થતાં જાય તે સાથે મૂર્તિના દિવ્ય સુખની, મૂર્તિમાં રહેલા અનાદિ મુક્તની વાતો પણ થતી જાય, જેથી સમાગમ કરનારા સંત-હરિભક્ત તથા બાઈઓમાં ઘણાં જાણી ગયાં કે બાપાશ્રીનું પ્રગટપણું અનાદિમુક્તની સ્થિતિ સમજાવવા, એ સ્થિતિ પમાડવા અર્થે છે. જે જાણી ગયા તે માણી ગયાં. જેમ મહારાજ દિવ્ય તેજોમય છે, સત્ય સંકલ્પ છે. આવી વાતોનું જાણપણું એમના રાજીપાથી જ થાય છે. દિન-પ્રતિદિન શ્રીહરિના ઐશ્વર્ય-ચમત્કાર-પરચા-પ્રતાપ વધુ ને વધુ સમજાતા જાય છે. અ. મુ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે મૂર્તિ ભૂલીએ તો તાળવું ફાટી જાય. એવા અખંડ સ્થિતિવાળા સદગુરુએ જીવોને ન્યાલ કરવા, અભય કરવા પોતાનાં કલ્યાણકારી ચરિત્રો કરવા ઉપરાંત મહારાજના સર્વોપરીપણાની અનંત વાતો કરી. એવી જ રીતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા બીજા અનેક મુક્તોએ એ એક જ કાર્ય કર્યું છે. પોતે તો મૂર્તિના સુખે સુખિયા હતા છતાં મહારાજના સંકલ્પથી અનેકને ચરિત્ર-પ્રતાપ ને સર્વોપરીપણાની, આજ્ઞા-ઉપાસનાની વાતોથી પૂર્ણકામ કર્યા. કૃપામાં આવનારને મનાવી દીધું કે જેને દેહ મૂક્યા પછી પામવા હતા તે તો દેહ છતાં મળ્યા. આ કાર્ય બીજાથી બને નહિ. એટલા માટે મહારાજ અને મહારાજના મળેલા - બે જ મોક્ષના દાતા ગણાય છે.

‘શોભે અખંડ એવા તન જોડ,

માથે બત્રીસ ભમરીનો મોડ.’

બત્રીસ ભમરી એટલે કલ્યાણકારી સંતનાં બત્રીસ લક્ષણ. શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના પ્રતાપે આપણે પણ ન્યાલ છીએઃ

‘જાઉં ધર્મકુંવરને વારણે રે લોલ,

ભવ બૂડતાં ઝાલી મારી બાંય.’

એવું આપણને થયું છે. બાપાશ્રી કહે છે કે, ‘‘તમને સ્વામિનારાયણ ઢુકડા થયા છે, તમને ન્યાલકરણ મળ્યા છે, તમારા ખોટનાં ખાતાં વાળી નાખ્યા છે, તમને પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે, તમારે જીતનો ડંકો વાગી ગયો છે, તમારા કાળ, કર્મ ને માયા નાશ કરી નાખ્યા છે, તમને મૂર્તિમાં રાખ્યા છે, અક્ષરધામના ધામી શ્રી પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો એ કેવડી વાત ! આજ એ મહાપ્રભુ અઢળક ઢળ્યા છે.’’ આવાં અનેક કૃપાનાં વચનોથી બે ભાગ લખાણા એટલી વાતો છપાણી તો પણ જેને ગાયનો વાઘ થઈ ગયો છે તે લાભ લઈ શકતા નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત દૃષ્ટાંત આપી સમજાવી છે કે બ્રાહ્મણને કોઈએ ગાય આપેલી તે ત્રણ-ચાર માણસે વાઘ છે, વાઘ છે કીધું તેથી ગાય મૂકી દીધી. પણ બુદ્ધિ નહિ, નહિ તો વિચાર કરે કે શિંગડાં-પૂંછડું ને આંચળ વાઘને ન હોય ! પણ જેના પર મહારાજ અને મોટા મુક્ત રાજી થયા હોય તેમને જ આવી દિવ્ય પ્રાપ્તિ મળે છે. આપણે અનેક જન્મ ધર્યા પણ ટાણું આવી ગયું. શ્રીજીમહારાજ અને સદગુરુઓના સમયમાં હોઈશું, પણ પોતાપણું કાંઈક રાખ્યું હશે, તો પણ કૃપામાં આવેલા બીજી વાર આવે તો ય બળિયા હોય, કેમ કે શ્રીજીમહારાજનું વચન છે કે આ જ્ઞાન વૃત્રાસુરની પેઠે જાય નહિ. એવું આ જ્ઞાનનું માહાત્મ્ય છે. નારદ, સનકાદિક ને બ્રહ્માદિકની સભામાં નિરંતર આ જ વાત થાય છે, તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રગટ ભગવાન ને પ્રગટ સંતને જ કલ્યાણના દાતા બતાવે છે. અનેક આજ્ઞાઓ પળાવીને, શુદ્ધ ઉપાસના સમજાવીને, મોટા અનાદિનો જોગ-સમાગમ કરાવી ને મહારાજના દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવવી છે. આવો લાભ આપણને મળ્યો એટલે કૃતાર્થ થયા :

‘‘ભવબ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી,

પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો.’’

તે લાભ આપણને મળ્યો. એ આનંદમાં રહેવું. બહારવૃત્તિમાં પ્રદેશ ગમે તેવો ભલે હોય, પણ અંતઃવૃત્તિએ તો ચિદધન તેજનો રાશિ જે પુરુષોત્તમનું ધામ જ્યાં તેજ તેજનાં અંબાર છે, તે મધ્યે દિવ્ય સાકાર, દિવ્ય તેજોમય એ મહાપ્રભુએ આપણા ચૈતન્યને દિવ્ય સાકાર કરી મૂર્તિમાં રાખેલ છે એ દૃઢતા કાયમ રાખવી. ચાલોચાલ અને કાર્યસત્સંગથી આવું મનાતું નથી. આ પ્રાપ્તિ તો કેવળ કૃપાની છે. બાપાશ્રી કહે છે કે, ‘‘આપણને કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. આપણે એક મૂર્તિને બાઝવું, મૂર્તિ ભૂલીને હલરવલર ન કરવું, મૂર્તિમાં બધું ય છે, મૂર્તિ ન્યાલકરણ છે. આ વાતનો આલોચ રાખવો. મહારાજ સાથે હોય એટલે બધેય સુખ. દિન-પ્રતિદિન સત્સંગનું બળ વૃદ્ધિ પમાડવું.’’ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની પ્રાથના કરી છે કે :

‘‘ક્યાં અમે ને ક્યાં આપ, જીવન જાણું છું;

કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું.

તમે મેર્ય મુજ પર કીધી, જીવન જાણું છું;

મારી બૂડતા બાંય ગ્રહી લીધી, જીવન જાણું છું.

તમે બિરદ પાળ્યું પોતાનું, જીવન જાણું છું;

શીદ શંકા મનમાં આણું, જીવન જાણું છું.

મારે અચળ તમારો આશરો, જીવન જાણું છું;

દોયલા દિનમાં ખરખરો, જીવન જાણું છું.

મારી મરણ ટાણાની મૂડી, જીવન જાણું છું;

વળી ભવસાગરની હૂંડી, જીવન જાણું છું.

આવાં અનેક વચનો ‘હરિ સ્મૃતિ’ રૂપ ચિંતામણિમાં છે. મોટા મુક્તોએ જે જે વચનો આવાં કહ્યાં છે તે આપણને મહિમા સમજાવવા કહ્યાં છે. શ્રીજીમહારાજની દિવ્ય સભામાં બેસારી અખંડ સુખ પમાડવા એમનાં બધાં કાર્ય છે. નાના બાળકમાંથી મોટા કરવા જેમ જીવને જનેતા જેવું કોઈ નથી, તેમ આત્યંતિક મોક્ષ કરવાના અનેક પ્રકાર સમજાવવામાં અનાદિ મહામુક્ત જેવું કોઈ નથી. એમની કૃપાથી મહારાજની પ્રસન્નતા તુરત થાય છે, કેમ કે એમણે શ્રીહરિને વશ કરી લીધા છે. વચનામૃતરૂપી દિવ્ય ગ્રંથમાં મહારાજ અને મહારાજના મુક્ત બંને કલ્યાણકારી છે, એવું દરેક પ્રશ્ન-ઉત્તરના વિવેચનમાં સમજાવેલું છે. આવા મોક્ષના દાતા મહાપ્રભુ અને તેમની દિવ્ય સભા ભેળા સદાય રહેવું. એમનો અખંડ દિવ્ય ભાવ રાખવો. શ્રીજીમહારાજ અખંડ, સનાતન ને દિવ્ય છે, તેમ જ ધામની સભા પણ દિવ્ય છે. શ્રીહરિએ દિવ્યભાવની જેતલપુરમાં વાત કરી કે,

‘‘આ સભામાં આપણા સૌનાં તેજોમય તન છે,

છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા કોટિક ઇંદુ છે.

એટલું જો સમજશો તો કરવું તમારે કાંઈ નથી,

મળ્યા છે જે તમને તે પાર છે અક્ષરથી.’’

વળી પોતે જ સમજાવે છે કે, ‘‘આ ગઢડું શહેર કે ઓશરી કાંઈ નથી, તમે સર્વે ત્યાં જ બેઠા છો, એમ હું દેખું છું.’’ આવા વચનનું મનન, નિદિધ્યાસ કરતાં એ શ્રીહરિનાં વચન યથાર્થ જણાય. મહારાજની દયા અપાર છે, એમની કૃપાથી જ આત્યંતિક મોક્ષ થાય છે, એ અનુસંધાન રાખવાથી સદાય આનંદ આનંદ વર્તે.