પત્ર : ૭૬
અહીં ને ત્યાં મૂર્તિ એક જ છે. મુક્તો બધા સાથે છે. આપણે એ દૃષ્ટિ રાખીએ તો મહારાજનો અભિપ્રાય સમજવામાં સુગમતા થાય. મહારાજ કહે છે કે તમે અમારી મૂર્તિ તેજમાં ધારો, તે જ અક્ષરધામ છે, તે રૂપ તમારા આત્માને માનો એટલે કોઈ વાતની તાણ ન રહે, પછી ભલે મુંબઈ હો કે ધનબાદ હો. શ્રીહરિ ગઢપુરમાં રહ્યા થકા સમજાવે છે કે, ‘‘મારી મૂર્તિનાં દર્શન કરો છો એટલે તમે ધામમાં જ છો, આ ગઢડું શહેર કે ઓશરી કાંઈ દેખાતું નથી, તમો પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ દેખું છું.’’ એ રીતે આપણે મૂર્તિનો સંબંધ રાખવાના છે. અ. મુ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, ‘‘શ્રીજીમહારાજ જેને મળ્યા તેને એક પગલું અહીં છે ને એક પગલું અક્ષરધામમાં છે.’’ અ. મુ. બાપાશ્રી કહે છે કે, ‘‘આંખ્યું વીંચીને બેઠા ને મૂર્તિમાં પેઠા.’’ અ. મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે, ‘‘મને તો મહારાજ વિના કાંઈ દેખાતું નથી, પણ તમે સમજી શકતા નથી એટલે શંકા કરો છો કે તમે અમારા સાથે વાતો કરો છો તો દેખતા તો હશો જ ને ! આ રીતે બહાર દૃષ્ટિથી મહારાજ તથા મોટાનો રહસ્ય સમજાતો નથી, પણ સો વર્ષ, હજાર વર્ષ કે લાખ વર્ષે સમજે છૂટકો છે. આવાં મહારાજનાં વચન છે. આપણે મહારાજ ભેળા છીએ એ સમજણ કરવી તો સદાય આનંદ વર્તે.