અમદાવાદ : ૪
અમે અજન્મા, અજર, અમર ને માયાને આવરણે રહિત ને મૂર્તિમાન છીએ ને સર્વના આધાર ને સ્વામી છીએ. નટની પેઠે મનુષ્યરૂપે દેખાઈએ છીએ. શ્રી નરનારાયણ જે અમે તે અમે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે પ્રગટ થઈને બદ્રિકાશ્રમમાં તપ કરીએ છીએ. મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક રૂપને ગ્રહણ કરીને જીવોના દેહાભિમાનનો ત્યાગ કરાવીને ને બ્રહ્મ અભિમાન ગ્રહણ કરાવીને અન્ય જીવોની પેઠે દેહનો ત્યાગ કરીએ છીએ, જેમ નૃસિંહજી, ઋષભદેવ તથા શ્રીકૃષ્ણ ભગવાને દેહનો ત્યાગ કર્યો હોય તેમ. એવાં અમારાં ચરિત્રને વિષે નાસ્તિક અને અભક્તની મતિ ભ્રમિ જાય છે. અમારા ભક્ત મોહ નથી પામતા. શ્રી પુરુષોત્તમ નરનારાયણ જે અમે તે અમે સર્વના કારણ છીએ અને અનેકરૂપે દર્શન આપીને અદૃશ્ય થઈએ છીએ. અમારે વિષે મરણભાવ કલ્પે તેને ચોરાશી ને યમપુરીના દુઃખનો અંત નથી આવતો. અમને અજર, અમર જાણે તે ચોરાશી ને કર્મથી મુકાય છે. માટે આગળ થયા જે અવતાર અને હમણાં આ પ્રગટ પ્રમાણ જે અમે ને આગળ થશે જે અવતાર તે સર્વેમાં મરણભાવ પરઠશો નહિ. (૨૨૪)