• હૈડે હૈડે હરિજી સ્થાપિયા ! ( વિભાગ - ૨)
ગામડાંઓમાં હરિભક્તોને રાજી કરવા જાય ત્યારે ઉજાગરા હોય કે થાક્યા હોય છતાં એ જ કથા કીર્તન-આનંદોત્સવ. રસ લઈ હરિભક્તો ગાતા હોય ત્યારે પોતે પણ મોખરે ફરી કીર્તન ગવરાવે. ઉત્સવ પૂરો થતાં થાક જણાવી બેસી જાય. ત્યારે હરિભક્તો વિનંતી કરે કે હવે આપ આરામ કરો. આ ગામ ને તે ગામ ફરવાનું ઓછું રાખો. સોમચંદભાઈ કહે : ‘‘એક ગામમાં મંદિરમાં સંતો આવ્યા. દૂરના ગામેથી ચાલીને આવવાનું એટલે સંતો ખૂબ થાકેલા, રાત્રે કથા-વાર્તા કરીને શ્રીજીને સંભારીને સૂતા હતા, પણ હરિભક્તોને સંતોને રાજી કરવાની તાણ એટલે કીર્તન ગાવા લાગ્યા. સંતો સૌ હરિભક્તોની ભેળા બેસી આનંદમાં કીર્તનભક્તિમાં જોડાઈ ગયા. હરિભક્તો કહે : સ્વામી ! આપ થાકેલા છો તે મહારાજને પોઢાડો, અમે થોડી સેવા કરીએ. સ્વામી કહે : મોરલી વાગે ને ફણા ન માંડે તે મણિધર (નાગ) ન કહેવાય ! અમે શું પઈડિયા (સાદાં સાપોલિયાં છીએ કે મુરલી વાગે તો ય પડ્યા રહીએ ? માંડો ઝીલવા ! સંતોએ એમ કહી કીર્તન ઉપાડ્યું ને એમ કીર્તનો બોલી હરિભક્તોને થકવી દીધા ને ખૂબ રાજી કર્યા. એમ આપણે પણ એવા સદગુરુ સંતોના શિષ્યો છીએ. આપણા વડીલોના ચીંધ્યા માર્ગે ન ચાલીએ તો શ્રીજીમહારાજ રાજી કેમ થાય ? તમે બધા રાજી થાઓ છો, તે ભેળા શ્રીજીમહારાજ પણ થાય છે. આરામ કરવા ગમે ત્યાં ખૂણો શોધીને બેસું તો આ રાજીપો મળવાનો રહી જાય ને ! ‘‘બોલો કોઈને વચનામૃત કંઠસ્થ હોય તો !’’ એમ કહી અગાઉની મુલાકાત વખતે કરેલા સૂચન મુજબ હરિભક્તોએ કંઠસ્થ કરેલાં વચનામૃત, નિષ્કુળાનંદકાવ્ય, બાપાશ્રીની વાતો, વગેરે બોલાવી રાજીપો ખૂબ જણાવે. કહે : તમો વ્યવહારમાં ગૂંથાયેલા તો ય શ્રીહરિને રાજી કરવા આટલી તાણ રાખો છો, તો હું તો સાવ નવરો છું, મારે પણ રાજીપો લેવા કાંઈક કરવું જોઈએ ને ! એમ કહી પોતે પણ કંઠે વચનામૃત તથા બાપાશ્રીની વાતો બોલે, કેટલી સરળતા ને કેટલી સત્સંગને આગળ ધપાવવાની ધગશ !
કોઈ હરિભક્તને અંતરથી મળવાની તાણે જાગે ને પત્ર પણ લખી ન શકતા હોય તો અંતર્યામીપણે એ તાણ જાણી ગયા હોય તેમ તેને ત્યાં પહોંચી જાય, તેના સંકલ્પો પૂરા કરે. કોઈ વિટંબણા હોય તો તે પણ દૂર થઈ જાય; આનંદ ને શાંતિમય વાતાવરણ કરી દે.
કોઈ હરિભક્તોને શ્રીજીમહારાજની પ્રસાદીના સ્થળોએ દર્શન કરવા જવું હોય ને વિનંતી કરે તો ભેળા જવા તૈયાર થઈ જાય. પોતાને શોળે-બોળેના નિયમની અતિશય દૃઢતા. પોતાના હાથે જ રસોઈ કરીને મહારાજને જમાડે. ઘણી વાર તીર્થાટનમાં સરખાઈ ન હોય તો ય અગવડો વેઠીને તીર્થ કરાવે. અને એટલા બધા ભાવથી સાથે ફરે કે શ્રીજીમહારાજ તીર્થમાં લીલા કરતા પ્રત્યક્ષ ભેળા હોય એવી અલૌકિકતાનો સૌને અનુભવ થતો. તદ્ઉપરાંત સંઘને નાવા, ધોવા, આરામ કરવાની તક આપે ત્યારે પણ શ્રીજીમહારાજની મૂર્તિનું અનુસંધાન રખાવે. પોતાને જે કાંઈ તકલીફ પડે તે પ્રત્યે તો પોતાને સદાય ગૌણતા. સંઘવાળા હરિભક્તો તેનો અફસોસ કરે તો કહે : ‘‘આગળના સંતો ગોળા જમતા અને ભિક્ષા ન મળે ને ભૂખ્યા ન રહેવાય તો તળાવની કપોટીઓ જમીને આનંદથી ધ્યાન-ભજન કરતા; લોકોનું અપમાન, તિરસ્કાર, માર સહન કરીને ય ધર્મનિયમમાં દૃઢ રહી સૌના જીવમાં ભગવાન પધરાવતા. શ્રીજીમહારાજની દયાથી અત્યારે કેટલી સાનુકૂળતા છે. જ્યાં જઈએ ત્યાં આવકાર, માન, ખાનપાન મળે છે, તો નિયમ પાળી મહારાજને રાજી કેમ ન કરીએ ? આપણે શિથિલ રહીએ તો એ બધું ય જાણે છે.
‘‘તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી;
ઈનકે આગે ક્યા છૂપાયે, જીનકે હાથમેં દોરી.’’
આપણી ભક્તિ એમની નજરમાં જ છે. જેટલી કરીશું તેટલા રાજી થશે, અને તેટલું સુખ આપશે.’’ એમ કહી સાખી કહેઃ
‘‘રામ ઝરૂખે બૈઠકે સબકા મુજરા લેત,
જૈસી જીસકી ચાકરી ઐસા ઉસકો દેત.’’
માટે આપણે ભજનમાં આળસને નોતરી આપણા સુખનો માર્ગ હાથે કરીને શા માટે બંધ કરીએ ? એમ કહી કોઈ હરિભક્તો શ્રીજીમહારાજને સ્નેહથી સંભાર્યા હોય, ભાવથી કાંઈ સેવા કરી હોય, હરખથી જમાડ્યા હોય, હાથ જોડી મીઠા વચને રીઝવ્યા હોય, અને તેમણે કઠણાઈ સહન કરી હોય તે બધું તાદૃશ્ય ભાવ થઈ જાય એ રીતે મધુર વચનો બોલે ને કહે : ‘‘આવા મુક્તોની આગળ આપણે શું વિસાતમાં ?’’ આમ સદાય દીનતા ગ્રહણ કરી સૌને આનંદ કરાવતા. માન-મોટપ મળે તો તેને દૂરથી પગે લાગે. મોટપને તો પાછળ ઢસરડાતી જ રાખે !
એકાદશી આદિ વ્રત-ઉત્સવમાં ઉત્સવિયા સાથે પોતે હાજર હોય તો એવા ઉમંગથી કીર્તન બોલે કે શ્રીજીમહારાજ પ્રત્યક્ષપણે બિરાજમાન છે ને તેમને રીઝવવા ગાઈ રહ્યા છીએ તેવો ભાવ સૌ કોઈને અનુભવાય. અ. મુ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, આદિ મહામુક્તોના પ્રેમભર્યાં પદ બોલી સૌને શ્રીહરિના દિવ્યાનંદમાં ગરકાવ કરી દેતા. શ્રીજીમહારાજ મળી ગયા છે તેનો આનંદ રુંવાડે રુંવાડે ઊભરાય તેવાં કીર્તન ગાય ને સાંભળનારા સૌ કોઈને રસ તરબોળ કરી દેતા.
કાર્તિકી - ચૈત્રી સમૈયા ઉપર અમદાવાદ ને વસંત પંચમી - જન્માષ્ટમીમાં સમૈયે મૂળી અવશ્ય પધારે. શ્રીહરિનાં દર્શને આવેલા હરિભક્તો શ્રી ઠાકોરજીનાં દર્શન કરી સોમચંદભાઈને ખોળતા આવે, પાસે બેસી શ્રીહરિના અદભુત પ્રતાપ, લીલાચરિત્ર, જ્ઞાનઉપદેશ, મહિમાની એકધારી વાત સાંભળી ખૂબ આશ્ચર્ય અનુભવતા, ને વિચારતા કે આ વાતો શાસ્ત્રોમાંથી વાંચવામાં આવે છે, બીજા ઘણાની પાસે સાંભળીએ છીએ, એની એ જ વાતો આ સોમચંદભાઈના મુખે સાંભળતાં જે આનંદ આવે છે તે ખરેખર અપૂર્વ છે. એનું કારણ એ જ કે શ્રીજીમહારાજના પ્રત્યક્ષ સંબંધ ને અનુભવજ્ઞાનમાંથી જે વાત નીકળે તે જ સમાસકર્તા નીવડે. સાધનિક વાંચી વાંચીને વાતો તો ઘણી કરે, પણ સાંભળનારના અંતરમાં શાંતિ ન થાય. શ્રીહરિજીનો દિવ્ય સંબંધ જ સુખ ને શાંતિનું કારણ છે.
આવી રીતે હરિભક્તો પાસે આવીને બેઠા હોય ને ધીરે ધીરે વિશાળ સભા થઈ જાય, ત્યારે કોઈ હરિભક્તને પ્રેરણા કરે કે કાંઈક પ્રસાદી લાવો ! કેળાં, ચીભડાં, ચીકુ, વગેરે ફળફળાદિ જે હોય તે, જેટલું મળે તેટલું લઈ આવો ! આવી સભામાં પ્રસાદી લાવવાનું ભાગ્ય પ્રાપ્ત થતાં હરિભક્તના હરખનું માપ ન રહે. બે-ત્રણ મણ જેટલાં ફળ લઈ આવે. તેને ગાળેલા શુદ્ધ પાણીથી ધોવરાવે, સુધરાવે, શ્રીજીમહારાજને જમાડી સૌ કોઈને પ્રસાદી વહેંચે. એક વખતે, બે વખત, ત્રણ વખત એમ વહેંચે, ને સૌને તૃપ્ત કરે ! પરાણે તાણ કરીને આપે. નાનાં બાળકોની માતાઓ પ્રસાદી લે તેને મનમાં સંકલ્પ રહે કે છોકરાને નડશે તો ? ત્યારે પોતે અંતર્યામીપણે બોલતા હોય એમ કહે : સૌ કોઈ આ પ્રસાદી જમજો, કોઈને નડશે નહિ !
સભામાં સૌને આનંદ પમાડી નહાવા જવાનું નિમિત્ત કરે. નદીમાં કે તળાવમાં કેડથી છાતી સમા પાણીમાં પહોંચી જાય. પ્રથમ પાણીમાં ડૂબકી દેવરાવે. ડોકમાં કંઠી ન હોય તો પૂછે, ‘‘આ સરનામા વિનાનો કાગળ ક્યાં જશે ?’’ એમ રમૂજ કરી કંઠી પહેરવાની ભલામણ કરે. પાણીમાં ઊભા ઊભા ઊંચે સાદે તાળી પાડી ધૂન્ય બોલાવે, સૌને એક સાથે સમૂહમાં મળે અને પછી દરેકને જુદા જુદા મળે. અરસ-પરસ સર્વે હરિભક્તોના આ દિવ્ય મિલનથી રસ્તે જનાર પણ દર્શન કરવા થોભી જાય. સૌને દિવ્ય મૂર્તિના સુખમાં રસબસ રાખવાના આશીર્વાદ આપે. આમ ઝાઝી વાર સુધી આનંદ કરાવે. હેતવાળા હરિભક્તો ટીમણના ડબા લાવ્યા હોય તેમાંથી સૌને પ્રસાદી આપી ડબા ખાલી કરે !
સભામાં બેઠા હોય કે રસ્તે ચાલતા હોય ને હેતવાળા હરિભક્ત આવી મહિમા જાણી દંડવત્ કરે તો તેમને ખૂબ વઢે. દંડવત્ તો શ્રીજીમહારાજને કરવા એમ શીખવે. પોતાને કોઈ મોટા કહે તો વાત કરે : ‘‘આપણે કેવા મોટા છીએ ! તો દિલ્હીનો એક બાદશાહ શેરખાં નામે હતો. તેનો એક પટાવાળો હતો તેનું નામ પણ શેરખાં હતું. બાદશાહે એક દિવસ પટાવાળાને કહે : સા’બ ! લબરખાં, ચબરખાં, પગરખાં ઐસા મૈં શેરખાં ! આપતો ખાવંદ હૈ ! આવું સુણી બાદશાહ રાજી થયા ને તેને જવા દીધો. આપણે તો શ્રીજીમહારાજના દીનદાસ સેવક છીએ.’’
હેતવાળા હરિભક્તોના આગ્રહથી ગામેગામ સૌની તાણ પૂરી કરવા અવારનવાર પહોંચી જાય. સ્ટેશનેથી ગામ દૂર હોય તો પણ ચાલીને જ જાય. વાહન કાંઈ ન મંગાવે. ઢીંચણમાં વાની તકલીફ થયા પછી હરિભક્તોના આગ્રહથી ગાડું આવે તો તેનો ઉપયોગ કરતા. શહેરમાં સાઇકલ પર બેસે અને સાથેના હરિભક્ત સાઇકલ દોરે ! ઢાળ ચડવાનો હોય તો પોતે પેડલ પણ લગાવે. સાઇડ આપનાર ટ્રાફિક પોલીસ જોઈને હસે. કોઈ બોલે કે માલગાડી આવી ! પોતે હસે ને કહે : આ ગાડી (શ્રીહરિરૂપી) માલ ભરેલી છે ! છોકરાંઓ જુવે ને આનંદમાં કહે : જુઓ ! આ કાકા સાઇકલ શીખે છે. પોતે સાંભળીને રાજી થાય ને શ્રીહરિને પ્રાર્થના કરે હે મહારાજ ! આ બધાનો મોક્ષ કરજો !
બેસતું વર્ષ કે આનંદનો દિવસ હોય તો હરિભક્તોને ત્યાં વણતેડ્યે પહોંચી જાય. આનંદમાં વધારો કરે ! શ્રીજીમહારાજની આરતી કરે, મંગળ શ્લોક બોલે, ચાંદલા કરે, મળે, નાનાં છોકરાંને માથે હાથ મૂકે, રાજી કરી પ્રસાદી વહેંચે. આનંદની લહાણી કરે ! પાડોશી-સત્સંગી ન હોય પણ આવી અલૌકિક રીત જોઈ હાથ જોડી પોતાને ઘરે લઈ જાય, તે સૌને ત્યાં જઈ રાજી કરે. ભૂખ-તરસ-થાક ભૂલી જાય. એક જ તાન - સૌને શ્રીહરિમાં કેમ કરીને જોડવા ?
નવા વર્ષમાં સૌને શ્રીજીમહારાજનો દિવ્યભાવ વધે અને સૌ આનંદથી શ્રીહરિજીને સંભારે તે માટે નવીન આનંદમય કાવ્યપંક્તિ રચીને હેતવાળા સર્વે હરિભક્તોને જાતે લખી મોકલાવે. દર વર્ષે આ રીતે તેમના તરફથી નૂતન વર્ષાભિનંદ કાર્ડ મળે ત્યારે સૌ કોઈ આનંદની એવી ઊર્મિ અનુભવતા કે આપણને શુકનમાં સર્વસિદ્ધયોગ પ્રાપ્ત થયો ! નવા વર્ષના નિમિત્તના આવા અગિયાર પત્રો મળી શક્યા છે, જે આ પુસ્તકમાં અલગ ખંડ ૩માં દિવ્ય સ્મૃતિરૂપે આપ્યા છે.
સોમચંદભાઈનું સત્સંગમાં વિચરણ સાવ નિઃસ્વાર્થ ને નિઃસ્પૃહીપણે હતું. પોતે કાંઈ મોટર રાખતા ન હતા કે ન કોઈ ખાનગી વાહનમાં ફરતા હતા. ટ્રેન, બસ, ગાડાં કે ટ્રેક્ટરની મુસાફરી કરી શ્રીજીમહારાજને સર્વોપરી મહિમા પ્રસારવા પોતે કેટકેટલું ફરતા તે જાણવા માટે સં. ૨૦૧૬-૧૭ (ઈ. સ. ૧૯૬૦)નું એક વર્ષનું વિચરણ સાવ સંક્ષિપ્તમાં ક્રમ વાર નીચે લખ્યું છે.
રામપુરા- ટીંબા- ધ્રાંગધ્રા- જોરાવરનગર- વઢવાણ- માલણિયાદ- રામપુરા- મૂળી (ઘનશ્યામ મહારાજનો અર્થ શતવાર્ષિક પાટોત્સવ)- રામપરા- ધ્રાંગધ્રા- રાજકોટ- ગઢપુર (શ્રીહરિકૃષ્ણ મહારાજનો શતવાર્ષિક પાટોત્સવ)- અમદાવાદ- જમીયતપુરા- જૂનાગઢ- અગતરાઈ- પંચાળા- લોજ- માંગરોળ- કાલવાણી- મેઘપુર- આખા- પીપલાણા- માણાવદર- જાળિયા- ધોરાજી- ઉપલેટા- ફણેણી- જેતપુર- રાજકોટ- મૂળી (‘શ્રીજી સર્વોપરી સ્વરૂપસંગ્રહ’ છપાઈ)- ધ્રાંગધ્રા- હળવદ- મોરબી- ભૂજ- વૃષપુર- ભૂજ- જમીયતપુરા- કમળાપુર- ઝુંડાલ- અમદાવાદ- આણંદ- વીરસદ- વડોદરા- આણંદ- મુંબઈ- પંડોળી- વડોદરા- પાટડી- ધ્રાંગધ્રા- હળવદ- વઢવાણ- જોરાવરનગર- રામપરા- બોટાદ- અમદાવાદ- સરસપુર- ધ્રાંગધ્રા- ભૂજ- વૃષપુર- રામપુરા- દહીંસરા- કેરા- નારણપુર- ભારાસર- માનકૂવા- સુખપુર- ધ્રાંગધ્રા- રાજકોટ- અમદાવાદ- સરસપરુ (મુનિસ્વામીની આજ્ઞાથી ‘અનાદિમુક્ત ચરિત્રામૃત’ છપાયું તેની દેખરેખ - પ્રૂફ જોવા નિમિત્તે ચાર માસ સરસપુરમાં) વડોદરા- પંડોળી- વડતાલ- આણંદ- અમદાવાદ- ભૂજ- વૃષપુર- ધ્રાંગધ્રા- માલણિયાદ- ઘાંટીલા- વાંટાવદર- હળવદ- ધ્રાંગધ્રા- હરિપર- રામપુરા- ખોલડિયાદ- ચાણપર- માળોદ- ટીંબા- વાઘેલા- જોરાવરનગર- ધ્રાંગધ્રા- વાગડ- ગઢડા- રાજકોટ- મોરબી- હળવદ- ધ્રાંગધ્રા- માલણિયાદ- ધ્રાંગધ્રા- રામપરા- મૂળી.
આ રીતે સં. ૨૦૦૦ની સાલથી સં. ૨૦૧૯ની સાલ સુધી સતત ગામેગામ વિચરી સોમચંદભાઈએ સત્સંગને શ્રીહરિના દિવ્ય રસના પીયૂષ પાયા છે ને અનેકને મૂર્તિના સુખભોકતા કર્યા છે.