• દિવ્ય અમીવર્ષા (વિભાગ - ૨)

પિતાશ્રી ધામમાં ગયા પછી થોડા માસ વીત્યે સોમચંદભાઈ પોતાનાં માતુશ્રી તથા બહેન દિવાળીબાને લઈને વૃષપુર બાપાશ્રીનાં દર્શને ગયા. મનમાં વિચાર એવો કરેલો કે પંદરેક દિવસ રહીશું ને સેવા-સમાગમનો લાભ લઈશું. બપોર ઢળતામાં વૃષપુર પહોંચ્યા, ઉતારો કર્યો ને રાત્રિ માટે દીવો કરવાનું સાધન લેવા ગયા, ત્યાં સોમચંદભાઈને અબજીબાપાશ્રીનો મેળાપ થયો. દંડવત્‌ કર્યા ને દર્શન કર્યાં, ત્યાં તો બાપાશ્રીએ નવું જ ચરિત્ર કર્યું. સોમચંદભાઈને બાપાશ્રી કહે : ‘લો, દર્શન થઈ ગયાં, હવે આવતી કાલે સવાર નીકળજો ! સોમચંદભાઈ શું બોલે ? વીલા મોઢે ઉતારે આવ્યા, માતુશ્રીને વાત કરી, તો માતુશ્રી વઢ્યાં ! હજી દર્શન તો કર્યાં નથી ત્યાં જવાના સમાચાર લઈને આવ્યો ! બાપાશ્રીને પ્રાર્થના તો કરવી હતી ! તું સાથે હોય ત્યારે અમારે આવું જ થાય ! ત્યાં તો બાપાશ્રી ઉતારે પધાર્યા. સૌએ દર્શન કર્યાં. દિવાળીબા તો રડવા જ લાગ્યાં. એમનું હેત જોઈ બાપાશ્રીએ આશીર્વચન કહ્યાં કે બાપ-દીકરી અક્ષરધામ સુધી ભેગાં રહીશું. માતુશ્રી અંબાબાને પણ રાજી થઈ આશીર્વાદ આપ્યા. સવારે ગાડું તૈયાર કરાવી બાપાશ્રી વળાવવા આવ્યા. ને ખૂબ રાજીપો બતાવ્યો. ગાડું ચાલ્યું, પણ દિવાળીબાને બાપાશ્રી જોડે જ ચાલતા હોય તેવાં દર્શન થવા માંડ્યા, ને છ માસ સુધી એવાં ને એવાં દર્શન થયાં.

વાંટાવદર પાછા આવીને ખેતી ને કુટુંબકામમાં જોડાયા. ભૂરામામાનો સમાગમ ને શ્રીહરિના ઐશ્વર્ય-પ્રતાપની વાતો અખંડ ચાલ્યા કરે. તે અરસામાં મૂળીના સંતો વાંટાવદર મંદિરમાં આવેલા હતા. તેમના જોગ-સમાગમ માટે આજુબાજુના ગામમાંથી હરિભક્તો આવેલા. સવારે નાહી-પૂજા કરીને હરિભક્તો પાછા જવાના હતા. સોમચંદભાઈ સવારે નાહી પરવારી પૂજા કરતા હતા. હંમેશની જેમ માળાનો નિયમ પૂરો કરવા પૂજામાં સમય લાગે તેમ હતું. ભૂરામામા આવ્યા, ને કહે : ‘આવા ભગવદી હરિભક્ત આવ્યા છે તે અત્યારે જતા રહેવાના છે, તેમને ટીમણ કરવાની સેવા કરી તે માળાના નિયમ પૂરા કરવા કરતાં વધુ ફળદાયી છે. સમય ને મોકો ઓળખીને કામ કરવું જોઈએ.’’ સોમચંદભાઈએ તરત પૂજાની સમાપ્તિ કરી અને સેવાયજ્ઞમાં જોડાયા. પંખી જેમ ઈંડું મૂકીને તેને સેવે છે, ઈંડામાંથી બચ્ચું થાય તેને ય ખોરાક લાવી મોંમાં મૂકી ખવરાવે છે, તેમ મોટા મુક્તો પણ પોતાના સમાગમમાં આવનારને સેવે છે - પોષે છે !

ભૂરાભાઈના ભાઈ ત્રિભુવનભાઈ કામધંધા અંગે કરાંચી જઈ રહેલા. તે પછી સોમચંદભાઈના મોટા ભાઈ જગજીવનભાઈ કરાંચી ગયા. વીસ વર્ષની ઉંમરે સોમચંદભાઈ નોકરી-ધંધા અંગે કરાંચી ગયા, કાંતિ પ્રિન્ટિંગ પ્રેસ નામના છાપખાનામાં કામ શીખવાનું શરૂ કર્યું. એક ઓરડી રાખી નોકરીના સમય વિનાનો સમય કથા-વાર્તા-દર્શન-સેવામાં વ્યતિત કરતા. નિયમસર મંદિર જાય, કીર્તનો ગાય, રાસ-ઉત્સવમાં ભાગ લે, તેથી સૌ હરિભક્તોમાં ભળી ગયા.

તે વખતે કરાંચી મંદિરમાં એક મોટા બ્રહ્મચારી માંદા થયા. સોમચંદભાઈએ તક જોઈને તેમની સેવા ઉપાડી લીધી. રાત્રે પણ તેમની પાસે જ સૂઈ જાય. ખડે પગે સેવા કરી બ્રહ્મચારીને ખૂબ રાજી કર્યા. સેવા કરતાં થાકી જાય ને ઊંઘ આવી જાય ને બ્રહ્મચારીએ કાંઈ કામ અંગે બૂમ પાડીને તેમને જગાડવા પડે તો બીજા સૂતેલા સંતહરિભક્તોને ઊંઘમાં વિક્ષેપ થાય. આથી સોમચંદભાઈ પોતાને હાથે દોરી બાંધી તેનો એક છેડો બ્રહ્મચારીને આપે અને જરૂર પડે દોરી ખેંચીને જગાડવાની વિનંતી કરીને પોતે સૂવે ! સેવાની કેવી તત્પરતા ને સૂઝ !

કરાંચીથી થોડા વખત માટે વાંટાવદર આવ્યા, ભૂરામામાના સમાગમમાં રહ્યા. ભૂરામામાએ જાણ્યું સેવા-ભક્તિનાં પુરુષાર્થરૂપી સાધનોનું ફળ દેવાનો વખત આવી ગયો છે. બાધિતાનુવૃત્તિ ખેંચી લેવાનો સમય આવી ચૂક્યો છે. તેથી ભૂરામામા સોમચંદભાઈને કહે : ‘શ્રીજીમહારાજ અને તેમના મોટા મુક્તોનો મહિમા જાણીએ તેટલો ઓછો છે. આજે શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રી અનેકને સુખિયા કરે છે. તમે કરાંચી જતાં પહેલાં બાપાશ્રીનાં દર્શન કરીને જાવ તો સારું !’ મામાની આજ્ઞાને શિરસાવંદ્ય ગણી સોમચંદભાઈ વૃષપુર બાપાશ્રીનાં દર્શને ગયા.

વૃષપુર જતા રસ્તામાં સોમચંદભાઈ વિચાર કરે કે બાપાશ્રીનો મહિમા બરાબર સમજ્યો છું, તે છતાંય ભૂરામામાએ બાપાશ્રીનો મહિમા સમજવાની વાત કેમ કરી હશે ? બાપાશ્રી કૃપા કરીને આ વખતે તેમનો પૂરેપૂરો મહિમા સમજાવે તો સારું. વૃષપુર પહોંચી બાપાશ્રીનાં દર્શન કરી સેવામાં રહ્યા. કણભાવાળા આશાભાઈ પણ સેવામાં વૃષપુર હતા. બાપાશ્રીની વાડીમાં ખળાનું કામ ચાલતું હતું. બાપાશ્રીના પુત્રો તથા આશાભાઈ, વગેરે દાણા ઉપણતા હતા. સોમચંદભાઈએ પણ ત્યાં જઈ દાણા ઉપણવા માંડ્યા. થોડી વારે બાપાશ્રી ખળામાં પધાર્યા. સોમચંદભાઈને એમ કે દાણા ઉપણવાની સેવાથી બાપાશ્રી રાજી થઈને મોજ આપશે. એથી ઉપણવાનું ચાલુ રાખ્યું. બાપાશ્રી તો આવ્યા એવા રમૂજમાં આવીને કહે : ‘બાઈ, આ સોમચંદભાઈએ કામ કર્યું એટલું દહાડિયા પાસે કરાવીએ તો તેને શું દેવું પડે ?’ બાપાશ્રીનાં દીકરા વાલબા કહે, ‘બાપા ! બે પૈસા તો દેવા પડે !’ સોમચંદભાઈના સૂક્ષ્મ સાત્વિક અહંના ફુગ્ગાને બાપાશ્રીએ ક્ષણમાત્રમાં ફોડી નાખ્યો ! બાપાશ્રી કહે : ‘હવે રાખો ! મારા પગમાં કાંટો વાગ્યો છે તે કાઢતા આવડશે ? આવડતું હોય તો કાઢો !’ સોમચંદભાઈ અબજીબાપાશ્રીના પગમાંથી કાંટો કાઢવા બેઠા, પણ પગમાં કાંટો દેખાય નહિ. પાણીથી પગ સાફ કરીને જોયું તો ય કાંટો દેખાય જ નહિ. બાપાશ્રીને કહે કે બાપા, કાંટો તો નથી જણાતો. બાપાશ્રી કહે : જરા ઝીણવટથી જુવો, દુઃખે છે ને ! આ પગમાં ન દેખાય તો બીજા પગમાં જુવો. ત્યાં તો બાપાશ્રીના ચરણના તળામાંથી તેજનાં વર્તુળો નીકળતાં દેખાયાં, બીજા ચરણમાં જોયું તો ત્યાં પણ એ જ રીતે તેજનાં વર્તુળો દેખાયાં. શ્રીજીમહારાજ અને મુક્તોની એકતા સોમચંદભાઈના અંતરમાં ઊતરી ગઈ. તે કહે : બાપા ! કાંટો આપના ચરણમાં નથી, પણ મારા ચૈતન્યમાં (દેહભાવરૂપી) કાંટો હતો તે નીકળી ગયો. બાપાશ્રી રાજી થઈને બોલ્યા : તો તો હય્યો !

ઉતારે આવીને સોમચંદભાઈ બનેલા પ્રસંગનું મનન કરતા હતા, ત્યાં તો બાપાશ્રીએ દિવ્ય સ્વરૂપે તેજોમયરૂપે દર્શન દીધું. બાપાશ્રી કહે કે સોમચંદ ! આ નોટ સાચી છે, સહી સિક્કા જોવાનું કામ નથી ! બાપાશ્રીની આટલી વાતમાં તો તેમના ચૈતન્યમાં કૃપાના ધોધ વરસી ગયા અને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અપાર સ્વરૂપમાં રસબસ જોડાઈ રોમેરોમ દિવ્ય સુખનો અનુભવ કરવા લાગ્યા. ‘ઊલટી પલટ્યું આપ.’ હીરે કરીને હીરો વીંધાયો, ઈયળની ભમરી થઈ, ઉત્તમ પારસના યોગે પારસ બન્યા !

શ્રીહરિમિલન પહેલાંની સરયૂગંગા ને શ્રીહરિમિલન પછીની સરયૂગંગા એક નથી. દૂરથી જોનારાને એની એ જ છે તેમ લાગે, પણ વસ્તુતઃ ભેદ છે. શ્રીહરિમિલન પહેલાંની સરયૂગંગા વિરહિણી હતી, તેનું બુંદેબુંદ શ્રીહરિજીને ઝંખી રહ્યું હતું. શ્રીહરિમિલન પછીની સરયૂગંગા ‘અઢારે કોઠે ટાઢી’ થઈ તેમાં સ્નાન કરનારાને પણ અંતરમાં ટાઢક થઈ જાય એવી બની. તેમ શ્રીહરિમિલનની આ ઘડી પછી સોમચંદભાઈ પહેલાંના સોમચંદભાઈ રહ્યા નહિ ! તે તો રસબસભાવે શ્રીહરિની મૂર્તિના સુખમાં જોડાઈ ગયા - તેમનું સર્વે કાર્ય હવે શ્રીહરિજીએ સ્વયં ઉપાડી લીધું હોય તેમ જણાવા લાગ્યું.

વૃષપુરથી વાંટાવદર પાછા આવ્યા. ભૂરામામા વાંટાવદર ગામની બજારમાં મળી ગયા. ત્યાં ને ત્યાં, બજાર વચ્ચે સોમચંદભાઈએ ભૂરામામાને સાષ્ટાંગ દંડવત્‌ કર્યા. ચૈતન્ય આડેનાં સર્વ આવરણો હઠાવી મૂર્તિના સુખમાં મૂકી દે એવા અનાદિ મહામુક્તની ઓળખાણ કરાવી મને ન્યાલ કર્યો એમ બોલતા બોલતા ગળગળા થઈ ગયા. શ્રીહરિરૂપી અમૂલ્ય ખજાનો દેખાડનારા એ માર્ગદર્શક પણ બાપાશ્રીના જોગથી મહારાજના દિવ્ય સુખને પામેલા અનાદિ મુક્ત જ હતા. માર્ગદર્શકમાં પણ મહારાજ પોતે જ કર્તા છે, માર્ગદર્શક પોતે તો મૂર્તિના સુખમાં થીજેલા છે !