પત્ર : ૧૨૪

આપણે સદાય આહીં રહેવાનું નથી એમ બધા જાણીએ છીએ, પણ ગોઠવણ વધારે અહીંની થાય છે. ‘‘ત્યાં’’ ને ‘‘અહીં’’ મોટા મુક્તને નથી, તેથી એ તો મૂર્તિની જ વાતો કરે છે. પામવાની વાતો કરતાં પામી રહ્યા છીએ એ સમજાવે છે. તેથી, અ. મુ. ચતુરબાપાનો આપેલો મંત્ર અખંડ સ્મૃતિરૂપ કરવો જોઈએ : ‘‘શ્રીજીમહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, શ્રીજીમહારાજ છે.’’ આ મંત્રનું બરાબર સમજીને મનન થાય તો આપણે મહારાજના અનાદિની પંક્તિમાં ગણાઈએ. બાપાશ્રી આ લોકમાં પધાર્યા તે આ કામ માટે. તેમણે બીજાં અનેક કામ કર્યાં પણ મૂળ સિદ્ધાંત મૂર્તિમાં રાખી અનાદિની પંક્તિમાં બેસારી દેવા. અનાદિને મતે એક મહારાજ છે, તેમ આ મંત્રમાં પણ પોતે મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં રહ્યો ને મહારાજ એક જ તેને રહ્યા. આ સ્થિતિ આપણે ચતુરબાપાની જાણીએ અને તેમના સમજાવેલ મંત્રમાં આટલું તેમને કરાવવું છે એમ સમજાય તો બધું ય સમજાણું.