પત્ર : ૧૪૭
બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ બાપાશ્રી પાસે એક વખત રમૂજ કરી કહ્યું : ‘‘બાપા ! આપ અંતર્યામી છો તેથી બધું જાણો છો, એટલે મને ખરેખરું કહેજો. શાસ્ત્રમાં એવાં લખાણ છે કે મોટા ઋષિમુનિઓ મોટી જટાઓ વધારતા, પંચાગ્નિ ધૂણી તાપતા, તપ એવાં કરતા કે માથે રાફડા વળી જતા, તો પણ ભગવાન મળતા નહિ, એવું સાંભળ્યું છે. અને મેં તો કાંઈ તપ કર્યું નથી, વ્રત કર્યાં નથી, હજી મારી દાઢીયે પૂરી વધી નથી ત્યાં તો મને ભગવાન જેમ છે તેમ ઓળખાયા. એમના અનાદિ મુક્ત મળ્યા, આવડું મારું શું પુણ્ય ?’’ ત્યારે બાપાશ્રી કહે : ‘‘એ તો ભગવાન જાણે કાં એમના અનાદિ મક્ત જાણે !’’ એમ રમૂજ કરી. મહારાજ ને મોટા અત્યારે સુગમ થયા છે, તેથી સૌ આનંદમાં રહીએ છીએ ને ગાઈએ છીએ કે :
‘‘તપ રે તીર્થમાં હું કાંઈ નવ જાણું
સહેજે સહેજે હું તો સુખડાં રે માણું.’’
અત્યારે ભગવાન ને મોટા સોંઘા થયા છે તેથી સુખિયા છીએ.