ગઢડા મધ્ય : ૬૨

ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એકાગ્ર થઈને અમારા ભજનમાં જોડાય તો સંસારની વિટમણામાં થયેલાં યોગ્ય-અયોગ્ય સર્વ પાપ ભસ્મ થઈ જાય ને એકાગ્ર ન થાય તો પાપ ન બળે ને મોક્ષ તો અમારા પ્રતાપે કરીએ. દેહાદિક સર્વેને અમારી સેવામાં જોડી દે ને જે અમારા ઉપયોગમાં ન આવે તેનો ત્યાગ કરે તો ગૃહસ્થાશ્રમી અમારા અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. શુકજી આદિકને દૃષ્ટાંતે કહ્યું છે કે દેહાદિક માયાના ટોળાથી પોતાને જુદો માને ને જ્ઞાનરૂપી વિચારે કરીને વૃત્તિ પાછી વાળે તે વૃત્તિ આત્માને વિષે લીન થાય ત્યારે વાસના લિંગ દેહ નાશ પામે, તેના હૃદયમાં પ્રકાશ ને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય ને તેમાં અમારું દર્શન થાય, એવી આત્મનિષ્ઠા દૃઢ કરવી. ગોપીઓને દૃષ્ટાંતે અમને દેખીને જ રાજી થવું પણ અમારા વિના બીજા કોઈને દેખીને રાજી ન થવું ને તેમાંથી વૃત્તિ પાછી ખેંચી લેવી એવું પતિવ્રતાપણું અમારે વિષે દૃઢ કરવું. હનુમાન, ઉદ્ધવને દૃષ્ટાંતે અમારું જ દર્શન ને અમારી જ વાત ને અમારો જ સ્વભાવ ને અમારી પાસે જ રહેવું ગમે અને અમારો જ રાજીપો ને સેવા ઇચ્છવી ને અમારી આજ્ઞામાં પરમ આનંદ પામવો એવું દાસપણું દૃઢ કરવું તો જ સુખી થવાય. એમ કહીને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિના અંગની પ્રશંસા કરી છે. આ ત્રણ અંગવાળા ભક્તમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ હોય. આમાંનું એકેય અંગ ન હોય તે પામર છે. આ અંગ દૃઢ કરીને જ મરવું ને અવળા સ્વભાવનો ત્યાગ કરીને અમને ભજવા. આત્મનિષ્ઠા ને પ્રીતિ ન હોય તેણે સત્સંગના નિયમમાં રહેવું અને ન રહે તો સત્સંગથી બહાર પડી જવાય અને દુઃખ આવે તો અમારી ઇચ્છા જાણવી પણ કાળ આદિકને દુઃખ આપનારા ન જાણવા. આ ત્રણ અંગવાળાનો દાસ થઈને તેમની આજ્ઞામાં રહે તે છતી દેહે જ અમારો પાર્ષદ થઈ રહ્યો છે. પામર કે પતિત જીવ અમારે કે અમારા સંતને આશરે આવે તો કૃતાર્થ થઈ જાય એવો અમારો ને અમારા ભક્તનો મહિમા છે. (૧૯૫)