નિવેદન
પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેમણે પણ અમારી ને અમારા અવતારોની લીલા સંભારી રાખવી (ગઢડા પ્ર૦ ૩) ને વચનામૃતનો અર્થ સમજાવતા અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી કહે છે કે શ્રીજીમહારાજની લીલા સંભારવાથી તેમની મૂર્તિ સંભારે છે, તેમજ મુક્તોની લીલા શ્રીજીમહારાજના સંબંધવાળી હોય તેથી તેમની લીલા સંભારવાથી પણ શ્રીજીમહારાજની મૂર્તિ સાંભરી આવે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન સમકાલીન મુક્તો - ત્યાગી, ગૃહસ્થ, બાઈ-ભાઈ-નાં જીવનચરિત્રો આ જ કારણથી લખાયાં અને પ્રેરણાદાયી બન્યાં. તે જ રીતે ત્યાર પછીના સમયમાં થયેલા સિદ્ધમુક્તોએ અનેક જીવોને શ્રીજીમહારાજને વિષે જોડ્યા, તેમનાં જીવનચરિત્રો પણ એવાં ને એવાં પ્રેરણાદાયી છે. સિદ્ધમુક્તોનાં જીવનચરિત્ર પણ તેમનાં જીવનકાર્ય જેવાં જ માર્ગદર્શક છે, તેનાથી મુમુક્ષુઓને આધ્યાત્મિક વિકાસ માટેનું બળ ને માર્ગદર્શન મળે છે, સાચું જીવન જીવવાનો આદર્શ પૂરો પાડે છે.
અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતા પણ એવા જ એક સિદ્ધમુક્ત હતા. તેમના પ્રેરણાદાયી જીવનથી અનેક જીવોને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા તથા અનાદિ મુક્તની સ્થિતિની વાત સમજાઈ છે, અનુભવાઈ છે. હજારો હરિભક્તો આજે તેમના એ આદર્શ જીવનને સદાયને માટે સંભારી રહ્યા છે. સૌના મનમાં એવો ભાવ છે કે આવા સંતપુરુષ શ્રી સોમચંદભાઈનું સોળવલા સોના જેવું શુદ્ધ અને સુગંધી પુષ્પો જેવું મઘમઘતું જીવન જો શબ્દબદ્ધ કરવામાં આવે તો મુમુક્ષુઓની નવી પેઢીઓને પણ દીવાદાંડીરૂપ બની રહે. તેમનું સમગ્ર જીવન એવું તો ઉદાત્ત હતું કે તેમાં સર્વ બોધ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ વગેરે સાહજિક રીતે સમાઈ જતા હતા. આથી આવા સંતપુરુષનું જીવનચરિત્ર રજૂ કરતા અત્યંત આનંદ અનુભવીએ છીએ.
આ પુસ્તક તૈયાર કરતાં પહેલાં અ. મુ. પ. પૂ. શ્રી સોમચંદભાઈના પ્રસંગમાં આવેલા હરિભક્તો પાસેથી તેમના અનુભવોની માહિતી એકઠી કરવામાં આવી. સૌ હરિભક્તોએ ખૂબ ઉત્સાહથી ને પ્રેમથી પોતપોતાની પાસેની માહિતી મોકલી આપી. તેમાં સાનંદ આશ્ચર્ય એ વાતથી થયું કે પ. પૂ. સોમચંદભાઈએ લખેલા પ્રેરણાદાયી પત્રો મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયા, જે આશરે ૧૧૦૦થી વધુ છે. તે પત્રો ક્રમાનુસાર ગોઠવી તેમાં રહેલો ઉત્તમ દિવ્ય ઉપદેશ અક્ષરશઃ તેમના જ શબ્દોમાં જુદો ઉતારી લીધો, જે આ પુસ્તકમાં એક અલગ વિભાગ (ખંડ ૨) તરીકે સામેલ કર્યો છે. વળી, એ પત્રો પરથી તેમના અવિરત વિચરણ વિષે સ્પષ્ટ ખ્યાલ આવે એ હેતુથી એક વર્ષના વિચરણનો આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.
પ. પૂ. સોમચંદભાઈના પ્રસંગમાં આવેલા અનેક હરિભક્તો તેમજ ઊંચી સ્થિતિને પામેલા હરિભક્તોની સંખ્યા પણ એટલી બધી વિશાળ છે કે વ્યક્તિગત હરિભક્તોનાં નામોનો ઉલ્લેખ કરવાનું શક્ય બન્યું નથી. વળી એમના પ્રસંગમાં આવેલા હરિભક્તોએ જે પ્રસંગો લખી જણાવ્યા છે તેનો ઝીણવટથી અભ્યાસ કરતાં જણાયું કે ઘણા હરિભક્તોના અનુભવો સમાનાર્થી ને સમાન ભાવવાહી છે, તેથી એવા બધા જ પ્રસંગો વર્ણવીએ તો બિનજરૂરી રીતે પુસ્તકનું કદ વધી જાય. આથી પ. પૂ. સોમચંદભાઈના જીવન પ્રસંગો વર્ણવતા કોઈ પણ હરિભક્તોના નામનો ઉલ્લેખ કર્યા સિવાય તેમનું અદભુત વ્યક્તિત્વ જેવું હતું તેવું રજૂ કરવાનો ઉત્તમ પ્રયત્ન કરેલ છે, તો સૌ કોઈ હરિભક્તો આ ઉદ્દેશ બરાબર સમજી રાજી રહેશોજી. પ. પૂ. સોમચંદભાઈના જીવનમાંથી મુમુક્ષુઓને ઉપયોગી એવા બને તેટલા પ્રસંગો આ જીવનચરિત્રમાં ગૂંથી લેવાનો પ્રયાસ કર્યો છે, તે છતાં કદાચ શરતચૂકથી કોઈ મહત્ત્વનો પ્રસંગ આવરી ન શકાયો હોય તો જાણ થયેથી હવે પછીની આવૃત્તિ વખતે તે સમાવી લેવામાં આવશે.
આ જીવનચરિત્ર તૈયાર કરવાનો મૂળભૂત હેતુ પ. પૂ. સોમચંદભાઈનું જીવન શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્યતાથી કેવું ભર્યું ભર્યું, પ્રેરણાદાયી ને સમાસકર્તા હતું તે બતાવી અનેક જીવોને આદર્શ જીવન જીવવામાં મદદરૂપ થવાનો છે.
એમનું જીવન જેવું અદભુત હતું તેવું જ તેમનું આ જીવનચરિત્રનું પુસ્તક પણ સંક્ષિપ્તમાં પ્રેરણાદાયી ને નિત્ય મનનીય બન્યું છે. તેનો આપણે સૌ લાભ લાભ લઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ અદભુત સ્વરૂપમાં પ. પૂ. સોમચંદભાઈ સદાય રહ્યા છે તે સ્વરૂપમાં જોડાઈશું તો આ પ્રકાશનની સાર્થકતા થયેલ ગણાશે.
આ પ્રથમ આવૃત્તિમાં પ. ભ. શ્રી હીરાભાઈ જોઈતારામ પટેલ (ઉમા ટ્રાન્સપોર્ટ), ગં. સ્વ. સ્વ. પ. ભ. નર્મદાબહેન હરિરામ પરધાનાની તથા પ. ભ. શ્રી બાબુલાલ ત્રંબકલાલ વડોદરીઆ પરિવારના સૌજન્યથી પ્રસિદ્ધ કરેલ છે. વળી આવું જીવનસ્પર્શી પુસ્તક તૈયાર કરવામાં અનેક હેતવાળા હરિભક્તોએ ઉમંગપૂર્વક સચોટ માહિતી તેમજ પત્રો પૂરા પાડી સેવા કરી છે. આ રીતે પુસ્તક પ્રકાશનના કાર્યમાં મદદરૂપ થયેલા સૌ ઉપર પરમ કૃપાળુ શ્રીજીમહારાજની પ્રસન્નતા સદાય રહો એ જ અભ્યર્થના.
સં. ૨૦૪૩, માગશર સુદ ૪
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ.