ગઢડા પ્રથમ : ૨૪

જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય ભાસે છે ને એ ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ભાસે છે. એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવાથી થાય છે. અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે ને પ્રણવ ને નાદ સંભળાય છે, ને ભૂંડા ઘાટ ટળી જાય છે. અમારે વિષે જે જે દોષ કલ્પે તે એને દુઃખ દે છે. અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દૃઢ હોય તો પણ તેના હૈયામાં આનંદ આવતો નથી તે મોટી ખોટ છે. કોઈ હરિભક્તનો દોષ દેખવામાં આવે ત્યારે એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો ભારે સંસ્કાર છે તો એને સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો.