ગઢડા મધ્ય : ૨૦
સાક્ષી જે બ્રહ્મ કહેતાં અમે, લોઢાને વિષે અગ્નિની પેઠે, બ્રહ્માંડને વિષે પ્રવેશ કરીને સર્વેને સર્વ ક્રિયા કરવાનું સામર્થ્ય આપીએ છીએ અને સમાધિએ કરીને અમારી સાથે તુલ્ય ભાવને પામે ત્યારે તે જીવ બ્રહ્મરૂપ કહેવાય છે ને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા આવે છે ને સર્વત્ર ગતિ થાય છે. દેહાભિમાની જીવ હોય તે એમ જાણે છે જે સમાધિવાનને જ્ઞાન ઓછું થઈ જાય છે પણ સમાધિવાન ઇંદ્રિયો, અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે છે અને પાછો તેમાં મળીને વર્તે તો પણ સમાધિમાં થયેલું જ્ઞાન નાશ થતું નથી અને એ સમાધિવાન પ્રવૃત્તિમાર્ગનો ત્યાગ કરીને તપાદિકે યુક્ત થાય તો અમારા મુક્તના જેવી સિદ્ધ દશા પામે, જેમ પૂર્વે નારદ, સનકાદિક, શુકજી પામ્યા છે તેમ. (૧૫૩)