ગઢડા મધ્ય : ૩૧
અમે સર્વે કારણના કારણ, અક્ષરાતીત ને પુરુષોત્તમ વાસુદેવ છીએ અને પુરુષદ્વારાએ માયાને વિષે વીર્ય ધારણ કરીએ છીએ તે પુરુષ થકી વૈરાજપુરુષ થાય છે. વૈરાજપુરુષ તથા વ્યષ્ટિ જીવોના પ્રકાશક પુરુષરૂપે કરીને અમે છીએ. એ વૈરાજપુરુષ આવ્યષ્ટિ જીવની પેઠે બધ્ધ છે. વૈરાજપુરુષ તથા જીવ તે જ્યારે અમારી ઉપાસના કરે ત્યારે માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય ને મોક્ષને પામે. અમારું ઐશ્વર્ય પુરુષ દ્વારે વૈરાજમાં આવ્યું હોય ત્યારે એ વૈરાજ પુરુષ થકી અવતાર કહ્યા છે. જીવમાં ને વૈરાજમાં ભેદ છે અને વૈરાજમાં ને પુરુષમાં ભેદ છે તેમ પુરુષને વિષે ને અમારે વિષે તો એવો ઘણો ભેદ છે. પુરુષ ઘણા છે અને એ ચાર ભેદ અનાદિ છે. (૧૬૪)