કારિયાણી : ૧

જીવ, બુદ્ધિએ સહિત હોય ત્યારે અંતઃકરણ, ઇંદ્રિયો, વિષય ને દેવતા તેમને એકકાળાવછિન્ન જાણે છે અને બુદ્ધિએ રહિત હોય ત્યારે ઇંદ્રિયાદિકનો પ્રકાશક ને વ્યાપક છે અને અમારો નિશ્ચય પ્રથમ ઇંદ્રિયોમાં પછી અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને પછી જીવમાં થાય છે. ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચયનાં રૂપ કર્યાં છે. મન, વાણીને અગોચર એવા અમે કૃપા કરીને મનુષ્યરૂપે દર્શન આપીએ છીએ ત્યારે જે અમારા મુક્તનો સમાગમ કરે તેના જાણ્યામાં આવીએ છીએ. અભક્તનાં મન, વાણી અમને પામતાં નથી. અમારા ભક્તનાં દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ તે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે. અને કૈવલ્યાર્થી કેવળ બ્રહ્મસત્તાને પામે છે. (૯૭)