પત્ર : ૧૬૬

જીવમાંથી મુક્ત સ્થિતિ દૃષ્ટિમાત્રે પમાડી તેનું કારણ ભગવાન દયાના સમુદ્ર છે, તેમની જીવો પર કેવળ કૃપા છે, પણ જીવને એવો ખટકો રહેતો નથી, તેથી દેહ-ઈંદ્રિયોને વશ થઈ સમર્થ ધણીની આજ્ઞા લોપે છે, તેથી મોક્ષ સુગમમાંથી અગમ થઈ જાય છે. કથા-વાર્તામાં આવા ઘણા દાખલાઓ આપણે વાંચીએ છીએ. ખટકો રાખવાની બીજાની વાતો કરીએ છીએ, પણ જીવે ઘણા કાળ વિષયનાં વલખાં કર્યાં છે, તેથી એના એ માર્ગે વળીને જન્મ ખુવાર કરી નાખે છે. મહારાજની દયાનો વિચાર કરીએ તો તેમને રાજી કરવા ઊભા સુકાઈએ, દરિયામાં દોટ દેવાનું કહે તો કરીએ, અગ્નિમાં પડવાનું કહે તો પડીએ, તો ય થોડું છે.