• દિવ્ય પમરાટ (ખુશ્બો) (વિભાગ - ૨)
મહિમા જાણીને કોઈ મોટું આસન બિછાવે તો કાઢી નાખે. સૌના માટે પાથરેલ સરખા આસનમાં જ બેસે. ભગવું કપડું, ગાદલું વગેરે હોય ને કોઈ પાથરે, તો કહે : આ તો સંતો માટે યોગ્ય ગણાય. કોઈ કહે : તમે સંત કરતાં ક્યાં ઊતરતા છો ? તો કહે : આ આસનની પૂજા થાય, બેસાય કે ઓઢાય નહિ. એવો મહિમા ભગવા કપડાંનો પણ જાણતા. નાના-મોટા સાધુની પણ મર્યાદા ખૂબ જાળવે. મોટા સંતનું માહાત્મ્ય જાણી એમના સાંનિધ્યમાં રહી મરજી સાચવે. સત્સંગમર્યાદા જાળવી દીનપણે હેતભરેલાં વચનોથી સંતોને પણ ખૂબ જ રાજી કરે.
શ્રીહરિની અક્ષરધામની દિવ્ય મૂર્તિ, છપૈયામાં પ્રગટ થઈ સૌને ન્યાલ કર્યા એ મનુષ્યરૂપ મૂર્તિ અને હાલ પ્રતિમા સ્વરૂપ - એ ત્રણેયમાં એક રોમનો ય ફેર નથી, એવો મહિમા તેમના જ્ઞાન અને વર્તનમાં તરવરતો હતો. પ્રતિમા સ્વરૂપ આગળ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ બોલતા-ચાલતા બિરાજમાન હોય તેવી મર્યાદા પાળતા, અને સૌને એ વિવેક શીખવતા.
જ્ઞાન, ભક્તિ, સેવા વગેરેમાં સૌને સદાય સત્સંગમાં અગ્રસ્થાને લાગે છતાં પોતે કાંઈક મોટા છે એવા ભાવનો રંચ પણ તેમનામાં જોવા ન મળતો. નાનામાં નાના હરિભક્તની સેવા કરવાની જરૂરિયાત ઊભી થાય તો બીજાની રાહ ન જુવે, પોતે જ ઉપાડી લે. હરિભક્ત સંકોચ અનુભવે, તો કહે : હું ક્યાં તમારી સેવા કરું છું, આ તો તમારી ભેળા શ્રીજીમહારાજ રહ્યા છે એમની સેવા કરું છું, એ દિવ્ય મૂર્તિનો રાજીપો મને મળે એમાં તમે શું કામ સંકલ્પ કરો છો ? આમ માહાત્મ્ય જણાવી સંકોચ દૂર કરે.
માંદા હરિભક્ત હોય તો તેની પાસે જઈ કથા-વાર્તા, કીર્તન-ધૂન કરી એવો તો આનંદ જગાવે કે મંદવાડનું દુઃખ ઓછું થઈ જાય. અંત અવસ્થાવાળા હરિભક્તને દિવ્ય આનંદ ઉપજાવી શ્રીહરિની મૂર્તિમાં જ જોડાઈ રહેવા શ્રીજીમહારાજ તથા મોટા મુક્તોનાં અમૃત વચનોની સરવાણી વહેતી કરી દે, અને તેનો અંત સમય સુધારી દે.
હેતવાળા હરિભક્તોને ત્યાં લગ્ન, જનોઈ, વાસ્તુ કે એવા આનંદના પ્રસંગ હોય ત્યારે ખૂબ ભાવથી સોમચંદભાઈને તેડાવવા આગ્રહ કરે, પણ સૌને પત્ર લખી શ્રીજીમહારાજની સ્મૃતિએ સહિત પ્રસંગ ઉજવવા ભલામણ કરે, દિવ્યરૂપે ભેળા છીએ એવા આશીર્વાદ આપે, આપણને શ્રીજીમહારાજે સદાય મૂર્તિમાં ભેળા રાખ્યા છે, જુદા નથી. આવો અલૌકિક દિવ્ય- ભાવ જણાવી ત્યાં જવાનું ટાળે, પણ કોઈ માંદા હરિભક્ત હોય અને બીજા પાસેથી તે સમાચાર મળે તો ય વગર તેડાવે પહોંચી જાય, ને કથાવાર્તાથી રાજી કરે.
કોઈ હરિભક્તને હેત ઘણું હોય પણ સત્સંગમાં ફરી સેવા-સમાગમ, કથા-વાર્તાના જોગનો લાભ લેવાની અનુકૂળતા ન હોય તો પોતે સામે ચાલીને ત્યાં વારંવાર જાય, કથા-વાર્તાનો લાભ આપે, અને શ્રીહરિના મહિમાનાં ઉત્કૃષ્ટ વચનોથી તેનું પોષણ કરે.
સત્સંગીની દીકરીઓ સાસરે જાય ત્યાં સત્સંગ ન હોય તો તેની તાણ પૂરી કરવા, હરિભક્તોને લઈને તેમના ઘરે જાય. ઘરમાં કાલાં પડ્યાં હોય તો તે લઈ પોતે ફોલવા માંડે તથા સાથેના હરિભક્તોને ફોલવા નિર્દેશ કરે. આમ કામ થતું જાય ને પોતે મહારાજના સંબંધની દિવ્ય ચમત્કારિક વાતો કરે. જેમને સત્સંગમાં હેત ન હોય છતાં ય પોતાનું કાલાં ફોલવાનું કામ થાય છે તે લોભે પણ કાલાં ફોલતાં ફોલતાં ફરજિયાત આવી દિવ્ય વાતોનું શ્રવણ કરતા. અમૃત અજાણે કે પરાણે પીવામાં આવે તો ય અમર કરે જ ને ? ભાલ દેશમાં બળદ ખળામાં ઘઉં ખાય ને તે ઘઉં આખા ને આખા છાણમાં નીકળી જાય, પણ એનો કસ એ બળદના પેટમાં રહી જાય, એમ આવી વાતોથી સાંભળનારના જીવનમાં કસ આવી જાય, બીજ બળ હોય તો ઊગી નીકળે.
કોઈ હરિભક્તને કાંઈ આપત્કાળ આવે કે શારીરિક, વ્યવહારિક કે અન્ય ઉપાધિ આવી પડે ને ભાવથી પ્રાર્થના કરે તો ઝાઝું ન બોલે, પણ પોતે અંતરથી લાગણીવશ થઈ કહે કે મહારાજ સારું કરશે ! દુઃખ જડમૂળથી જાય. દયા તો સતત વહેતી જ હોય, પણ પોતામાં રહેલી શ્રીહરિજીની દિવ્ય પ્રતિભાને ઢાંકીને જ વર્તે.
ગામડાંઓમાં ફરતા હોય ત્યારે રસ્તામાં જે કોઈ મળે - સત્સંગી હોય કે બિનસંપ્રદાયના હોય, સૌ કોઈ - હાથ જોડી ભાવથી ‘જય સ્વામિનારાયણ’ કહે, એવો એમનો દિવ્ય પ્રભાવ હતો.
જ્યારે ગામમાં આવે ત્યારે મંદિરમાં સભા ઠસોઠસ ભરાઈ જાય. મંદિરમાં દરરોજ ન આવતા હોય, તે પણ સોમચંદભાઈની વાતો સાંભળવા આકર્ષાઈને આવતા. સંપ્રદાયના સૌ કોઈ હરિભક્તો કે સંતો પણ આ મુક્તના મુખે શ્રીહરિજીના દિવ્ય પ્રતાપની વાતો સાંભળી પ્રતિભાવ આપતા કે સોમચંદભાઈ ખરેખરા મુક્ત છે.
ઘણી વખત ગામડાંમાં પધાર્યા હોય ત્યારે હરિભક્તોને પોતાના ઘેર સોમચંદભાઈ પધારે એવો ભાવ રહે. તેમના ભાવથી ભીંજાઈને ઘરેઘર જાય. ઠાકોરજીની આરતી ઉતારે, ચાંદલા કરે, બાળકોને માથે હાથ મૂકે, રાજી કરે. એમ કોઈ કોઈ વખત તો આખો દિવસ ઘેરઘેર ફરે. પોતાની અવસ્થા તે દેહનો પરિશ્રમ જણાવવા જ ન દે. સૌને રાજી કરવાનું તાન.
સોમચંદભાઈમાં વાત્સલ્યભાવ એવો તો છલકાતો કે સૌ કોઈને એમ જ લાગે કે મારા પર તેઓશ્રી બહુ રાજી છે. કેટલાક હેતવાળા ભક્તો કહેતા : ‘‘એ વખતે અમારાં માબાપ હયાત ન હતાં, પણ તેઓશ્રીએ અમારાં માબાપની ગરજ સારી હતી અને અમારાં સુખદુઃખમાં સદાય સાથે રહેતા અને ખૂબ આત્મીયતા અને લાગણી બતાવતા, અને અમારા સાચા માબાપ બની સદાય સુખદુઃખમાં દીવાદાંડીરૂપ બની રહેતા.’’ શ્રીજીમહારાજને પ્રસન્ન કરવા દીનપણે કોઈ હરિભક્ત માળા-કથા-કીર્તનાદિક સેવા કરે તો તેના પર ખૂબ જ પ્રસન્નતા જણાવે. ભક્તિ, જ્ઞાન કે સેવાનો આડંબર જણાવે તેના પર ઉપર ઉપરથી રાજીપો દેખાડે, પણ અંતરના હેતની વાત જ જુદી !
ક્યારેક મંદિરમાં ધૂન-ઉત્સવ કરી વહેંચવા માટે પ્રસાદીમાં મોતૈયા લાડુ બનાવરાવે. લાડુની પ્રસાદી લેવા સૌ કોઈ ઊમટે. મંદિરનો હૉલ ને ફળિયું ને બહાર માણસોની ભીડ થઈ જાય. પ્રસાદ વહેંચનારને લાગે કે ખૂટી પડશે કે શું ? પણ સર્વેને પ્રસાદી એકેએક આખો લાડુ વહેંચી દે, તો ય વધી પડે. મંડપ બાંધવાની, ઝાંઝ-મૃદંગ વગાડવાની, આરતી પછી બંદૂકોના ભડાકા કરવાની, ઢોલ વગાડવાની સેવા કરનારાઓને વળી વિશેષ પ્રસાદી આપી રાજી કરે.
હેતવાળા હરિભક્તોના કોઈ કુટુંબમાં ક્યારેક કુસંપ થયાનું જાણે તો તે ઘરે પહોંચી જાય. શ્રીજીમહારાજ અને મુક્તોના જીવ પ્રસંગોનાં કેટલાંય દૃષ્ટાંતો આપે, અને ભાઈ-ભાઈમાં પિતા-પુત્રમાં કે સાસુ-વહુમાં કલહ હોય તો સંપ કરાવે. આમ સૌ હેતવાળાને પોતે ઠરવાનું કામ કરતા.
હરિભક્તોની ખબર બહુ રાખે. આત્મીયતાની ભાવના જણાઈ આવે. કોઈ બીજે ગામ સમૈયે, પારાયણ ઉપર કે અન્ય ઉત્સવમાં હેતવાળા હરિભક્તો ગામેગામથી આવ્યા હોય તો તેમના ઉતારા, પાગરણ, ઠાકોરજી જમાડવાની સગવડ - બધું ધ્યાન રાખે. પોતાના હેતવાળા કુટુંબમાં રસોઈ બનાવરાવે અને હરિભક્તોને તેડી જઈ ખૂબ ભાવથી પીરસીને જમાડે.
અબજીબાપાશ્રીના પુત્ર અ. મુ. કાનજીબાપા જ્યારે કચ્છમાંથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પધારે ત્યારે કે સ. ગુ. મુનિસ્વામીશ્રી, અ. મુ. મનસુખબાપા, અ. મુ. ચતુરબાપા કે એવા મોટા મુક્તો ગામડે પધારે ત્યારે સાથે રહે. હરિભક્તોને કહે : આપણા મોટા ભાગ્ય કે ભગવાનના આવા મોટા મુક્તનાં દર્શન - સેવા - સમાગમનો લાભ મળ્યો. લાભ બરાબર લઈ લેજો. આવું ટાણું મળવું બહુ ભારે છે, એમ કહીને સર્વેને લાભ અપાવે. જેટલો હરખ કરી શકાય તેટલા હરખથી રાજી કરવા પ્રેરે. મોટા મુક્તને રાજી કરે, ને હરિભક્તોને સુખિયા કરે.
હેતવાળા હરિભક્તોને આળસ તજીને સત્સંગનો લાભ લઈ લેવા વારંવાર ટકોર કરતા જ રહે. દૃષ્ટાંત દઈ સમજાવે : એક બાવાજી જાત્રાએ જતા પહેલાં એક દરજીને ત્યાં પારસમણિ સાચવવા મૂકી ગયા. દરજી કહે : મૂકો ગોખલામાં. બાવાજી કહે : તારે જેટલા લોઢાનું સોનું કરવું હોય તેટલું કરી લેજે. છ-બાર માસે બાવાજી પાછા આવ્યા. ગોખલામાંથી મણિ લઈ ચાલતા થયા, ત્યારે દરજીને યાદ આવ્યું કે મણિનો લાભ તો લીધો નહિ ! લોખંડની કોશ લઈ પાછળ દોડ્યો : આને મણિ અડાડી લેવા દો ! બાવાજી કહે : હવે તો સોયને ય ન અડાડું ! આટલા દિવસ મણિ તારી પાસે રહ્યો તો ય કાંઈ ન કર્યું ? તેમ ચિંતામણિ જેવો મનુષ્યદેહ અને સત્સંગનો આ અવસર, તો ય જો કસર ન ટાળીએ તો અધૂરું રહી જાય.
વળી કોઈ વાત કરે : કરાંચી તેમના બાળસખા અ. મુ. ગોરધનભાઈ ભોજાણી હતા. તેઓએ એક વખત કહ્યું : ‘‘ચાલો ! આજે તમને એક મોટા યોગીરાજનાં દર્શન કરાવું.’’ પછી ગામ બહાર પાંચ-છ કિલોમીટર દૂર એક બાવો બાવળના કાંટાવાળું ડાળું કાપીને તે કાંટામાં સૂતો હતો તેની પાસે લઈ ગયા અને નીચે બેસીને તેમને બે હાથ જોડીને દર્શન કરતા લોકોને બતાવ્યા. પછી વળતાં ગોરધનભાઈને કહ્યું : ‘‘જો આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો યોગ ન થયો હોત તો આપણે આવા બાવાને મોટા સિદ્ધ માનીને તેને ગુરુ કરત અને તેની ચલમો આપણે ભરી આપત. બાપાશ્રીએ કૃપા કરી સાચી વસ્તુ ઓળખાવી છે તેથી બીજે ક્યાંય ભરમાતા નથી. આવું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવીને વાત સમજાવી તે એક સંભારણું કર્યું, જેથી કાયમ વાત યાદ રહે !’’
વળી, હરિજનનું દૃષ્ટાંત આપે. એક સત્સંગી હરિજનને સત્સંગી જાણી ત્યાંના રાજા વગર વાંકે રોજ સાત ખાસડા મારતો. તે રાજાને દેહના અંતકાળે યમના દૂતો તેડવા આવ્યા, ને અતિ કષ્ટ થયું. તે વખતે તે સત્સંગી હરિજને મહારાજને પ્રાર્થના કરી કે આ બિચારાને જમના મારથી છોડાવો. મહારાજ કહે : અમે અમારા અપરાધીને છોડીએ, પણ અમારા ભક્તના અપરાધીને ન છોડીએ. ત્યારે તે હરિજને કહ્યું : ‘‘તમારા ભક્તને ચંદનની પૂજા ને ખાસડાની પૂજા સરખી છે. આ રાજાએ તો મારી પૂજા કરી છે ને નિત્ય મારાં દર્શન કર્યાં છે ! માટે એ દર્શનના ફળરૂપે તેને બચાવી ધામમાં લઈ જાવ.’’ ભક્તનો આવો સાધુ સ્વભાવ જોઈ શ્રીજીમહારાજ બહુ રાજી થઈ એ રાજાનેે ધામમાં લઈ ગયા. આ દૃષ્ટાંત દઈ સોમચંદભાઈ પૂછે કે આપણી સ્થિતિ એવી થઈ છે કે નહિ ?
વળી કોઈ વાર કહેતા : એક ગામથી સંતો જતા હતા ત્યાં શિકારીએ મોર માર્યો, તે સંતોએ જોયું ને દુઃખ થયું ને સંતોથી બોલી જવાયું : ‘બળ્યું આ ગામ !’ તેટલા સંકલ્પથી ગામ બળવા માંડ્યું. તેથી સંકલ્પ બંધ કરી દીધો. શિકારીએ તો એક જીવની હિંસા કરી, પણ ‘બળ્યું’ કહીને ગામ બળે તો કેટલા જીવની હિંસા થાય ? આપણે તો કરુણા જ રાખવી.
સંતોના સાંનિધ્યમાં હરિરસ પિરસાતો હોય ને ગામ-પરગામના હરિભક્તો પણ મહારસ માણવા આવે. થોડા દિવસે ઘરે જવાની તૈયારી કરે તો સોમચંદભાઈને એમ લાગે કે આવો રૂડો અમૃતરસ માણવાનો અવસર પ્રાપ્ત થયો ને ઘેર જવાનું મન કેમ થતું હશે ? પણ કોઈને રોકાવાનું કહે નહિ. અંતરમાં એવો આગ્રહ કે ન જાય તો સારું. શ્રીજીમહારાજના જીવન પ્રસંગની વાત કરે કે એક વાર હરિભક્તો મહારાજ પાસે થોડા દિવસ રહી ઘરે પાછા જવા તૈયાર થયા. મહારાજ કહે : આવો દુર્લભ લાભ મૂકીને શું જવાનું ? બધી સુવિધા ને આટલો લાભ અહીં છે, તો રોકાઈ જાવ. હરિભક્તો કહે કે ઘણા દિવસ થયા તેથી જવું પડશે. ગામ બહાર જતા સામે ગધેડો ધૂળમાં આળોટતો ને ભૂંકતો જોયો. અપશુકન જાણી પાછા આવ્યા ! કોઈએ પૂછ્યું : ‘કેમ પાછા આવ્યા ?’ ‘મહારાજે કહ્યું એટલે થોડા દિવસ રહેવા.’ મહારાજ કહે : ‘આ અમારે કહ્યે નથી રોકાયા, આ તો ગધેડાના કહેવાથી પાછા વળ્યા છે !’ આમ મર્મ કરી મહારસમાં ગરકાવ થઈ જવા જણાવે.
કોઈ વખત હેતવાળા હરિભક્ત સ્ટેશન ઉપર મળી જાય. તે બહારગામ જતા હોય ને પોતે તેના ગામ આવતા હોય. પછી સ્ટેશનના પ્લૅટફોર્મ ઉપર જ ત્રણ-ચાર કલાક તેમની જોડે બેસી શ્રીહરિના દિવ્ય પ્રતાપ - આનંદની વાતો કરી સંતોષ પમાડે !
એક વખત કચ્છમાંથી અન્ય હરિભક્તો સાથે ગાડીએ બેઠા. કંડલાથી નવલખી સ્ટીમલોંચમાં, ત્યાંથી ટ્રેનમાં છેક અમદાવાદ સુધી ભગવાનની વાતોનું પુસ્તક એક ધારી રીતે વંચાવતાં વંચાવતાં અમદાવાદ સ્ટેશને પહોંચ્યા. ત્યાં પુસ્તક થોડુંક અધૂરું રહ્યું. તે ગાડીમાંથી ઊતરી પ્લૅટફોર્મ પર બેસી પૂરું કરાવીને પછી સ્ટેશનની બહાર આવી છૂટા પડ્યા ! એ જ રીતે કોઈ વખત પાણીમાં ય બબ્બે, ચચ્ચાર કલાક બેસારીને સત્સંગનો રંગ રેલાવે ! આમ, શ્રીહરિને વિષે હેતવાળા હરિભક્તો સાથે હોય તો ટાઢ હોય, તાપ હોય, પાણીમાં બેઠા હોય કે રસ્તા વચ્ચે, શ્રીહરિરસ રેલાવવામાં એવા તલ્લીન થઈ જાય કે સમય-સ્થાનની મર્યાદા ભૂલી જાય !