ગઢડા છેલ્લું : ૩૩
પોતાના આત્માને પ્રકાશરૂપ ને સત્તારૂપ માને ને તેને વિષે અમારી આ પ્રત્યક્ષ મૂર્તિ વિરાજમાન છે એમ સમજે ને આ અમારી મૂર્તિ વિના બીજા પ્રાકૃત આકારને અસત્ય ને દોષેયુક્ત સમજે તેની બુદ્ધિમાં કોઈ જાતનો ભ્રમ થાય નહિ. એવાને પણ માન, દ્રવ્ય તથા રૂપવાન સ્ત્રીઓનો યોગ થાય તો ઠેકાણું રહે નહિ માટે એનો યોગ થાવા દેવો નહિ. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી અમારી અનન્ય ભક્તિ હોય તે અમારો એકાંતિક ભક્ત છે ને એનો અમારે વિષે પ્રવેશ થાય છે અને અમારી સેવાને વિષે બહારથી પણ રહે છે. દેહ છતાં પણ જે ભક્તને અમારી દસ પ્રકારની ભક્તિ તથા અમારું માહાત્મ્ય તથા સ્વધર્મ, વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તથા અમારા સંતનો સમાગમ તે વિના ચાલે જ નહિ એવું બંધાણ હોય તેનો પણ અમારે વિષે પ્રવેશ જાણવો ને તે એકાંતિક છે. જે કુસંગને યોગે અમારી ભક્તિને ભૂલી જઈને ચાળે ચડી જાય તે પ્રાકૃત દેહાભિમાની છે. સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાં કાચપ હોય તેની ભક્તિ રહે નહિ, એ કાચપનો ત્યાગ કરે તો અમારી નિશ્ચળ ભક્તિ થાય. (૨૬૭)