લોયા : ૧૩

અમારે વિષે નિમગ્ન રહે તેને દેશકાળાદિક પરાભવ પમાડી શકે નહિ ને દેહમાં વર્તે એવા મુમુક્ષુને દેશકાળાદિક પરાભવ પમાડે. જેમ આકાશમાં તારા ને ચંદ્ર રહ્યા છે તેમ અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમે ચંદ્રને ઠેકાણે છીએ અને તારાને ઠેકાણે અમારા મુક્ત છે એવી રીતે અમારે વિષે ને અમારા મુક્તને વિષે ભેદ છે. જેમ રાજા ને રાજાના ચાકરોમાં ભેદ છે તેમ અમારે વિષે ને અક્ષરાદિક અવતારોને વિષે ભેદ છે. અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમારા સમીપમાં મુક્ત રહ્યા છે તેમને એ અક્ષરધામરૂપ જે અમારું તેજ તેને વિષે લીન કરીએ, અર્થાત્‌ એ મુક્ત એકબીજાને દેખે નહિ એવી વિસ્મૃતિ કરાવીએ તે અમારું કર્તાપણું છે. એ અમારા તેજરૂપ ધામને વિષે મુક્તની સેવાને અંગીકાર કરીએ અર્થાત્‌ સેવકને આધીનપણાનો ભાવ જણાવીએ તે અમારું અકર્તાપણું છે. એ અમારા તેજને પણ અમારે વિષે લીન કરીને સ્વરાટ્‌ થકા રહીએ અને એ અમારા તેજમાં રહેલા મુક્તોને અમારા ઐશ્વર્ય વડે ધારણ કરીએ અર્થાત્‌ અમારી મૂર્તિમાં રાખીએ તે અમારું અન્યથાકર્તાપણું છે. અમને ને અમારા અક્ષરાદિક અવતારોને તથા અમારા સાધર્મ્યપણાને પામેલા અમારા મુક્તોને પણ સરખા કહે તે દુષ્ટ મતવાળા ને અતિ પાપી છે ને તેનાં દર્શન પણ કરવાં નહિ. અમારી સત્તાના પ્રભાવ વડે કરીને મૂળઅક્ષરાદિકથી લઈને વિષ્ણુ પર્યંત સર્વેને ભગવાન કહેવાય છે. અમને લઈને આ મુક્તાનંદ સ્વામીને તો ભગવાન જેવા એટલે જેવા અમે છીએ તેવા જ કહેતાં અમારા તુલ્ય કહેવાય. અક્ષર પર્યંત કોઈ અમારા જેવો થવા સમર્થ નથી. અમે એક જ ભગવાન છીએ. (૧૨૧)