લોયા : ૧૪

અમને ત્યાગ ગમે છે, પણ વૈભવ ભોગવવા ગમતા નથી. અમારા ઘણા અવતાર થયા છે તેમાં દત્ત, કપિલથી ઋષભદેવ અધિક છે અને તેથી શ્રીકૃષ્ણ કોટિગણા અધિક છે અને આ અવતાર એટલે અમે બહુ સમર્થ છીએ ને અમારે વિષે અવતાર અવતારી ભેદ નથી, સર્વેના ઉપરી છીએ અને સર્વેથી પર પરિમાણે રહિત ને અનંત એવો તેજનો સમૂહ છે તેના મધ્ય ભાગને વિષે દિવ્ય સિંહાસન ઉપર અમે દિવ્ય મૂર્તિ વિરાજમાન છીએ અને ચારેકોરે અનંત કોટિ મુક્ત અમારાં દર્શન કરે છે. તે મુક્તે સહિત અમારાં દર્શન થાય ત્યારે જ સુખ માનવું. અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું, એવી રીતે અમારી ઉપાસના ને ભક્તિ કરવી. કામાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્ર જે સત્સંગીજીવન તેમાં કહ્યા તે પ્રમાણે ધર્મ પાળતો હોય ને અમારી ભક્તિએ યુક્ત હોય તેનો સંગ રાખવો ને એવો ન હોય તેની ઉપેક્ષા રાખવી. કામી કરતાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય તેના ઉપર અમારે બહુ અભાવ રહે છે. શંકરસ્વામી અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે મૂળપુરુષનું તેજ છે ને તેથી પર વાસુદેવ બ્રહ્મનું તેજ છે ને તેથી પર મૂળઅક્ષરનું તેજ છે, ને તેથી પર ને સર્વેનું આધાર, સર્વેનું કારણ ને અદ્વૈત એવું જે અમારા તેજરૂપ બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ માનવું. ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમારી સાકારપણે ઉપાસના ને ભક્તિ કરવી ને અમારા વિના બીજેથી વૈરાગ્ય ને આત્મનિષ્ઠા રાખવી. (૧૨૨)