પત્ર : ૧૦૫
મોટા મુક્તને દેહ નથી, એમને તો મૂર્તિ જ છે. આપણે સિંહાસનમાં મહારાજનાં દર્શન કરીએ છીએ તેમ એ ચૈતન્યને મૂર્તિ આધારે જુવે છે. તે,
‘‘એક હરિજન પર્વતભાઈ, અચરજકારી છે;
સદા રહે મૂર્તિમાંઈ, અચરજકારી છે.’’
એ મહામુક્તની સ્થિતિ ને સમજણ છે. આપણે એ મુક્તની પંક્તિમાં બેસવું છે. શ્રીજીમહારાજ કહે છે કે બ્રહ્મરૂપ માનવું, મૂર્તિરૂપ માનવું, અક્ષરનું સાધર્મ્યપણું પામવું, પુરુષોત્તમનું સાધર્મ્યપણું પામવું. એમ કહે છે, સમજાવે છે તો પણ દેહભાવ ન રહે તે રીતે ભજન-સ્મરણ થાતું નથી, એવો દેહભાવ દૃઢ થઈ ગયો છે. તેથી હવે ચાલોચાલ સત્સંગનું અંગ ફેરવી મોટા મુક્ત જે સ્થિતિમાં વર્તે છે, જે સ્થિતિમાં રહેવાનું કહે છે, સમજાવે છે તે સ્થિતિનો અનુભવ કરવા મૂર્તિના સંબંધે સહિત સદાય વર્તવું. પોતાનું સ્વરૂપ દેહને ન મનાય તે માટે શ્રીમુખવાણી વચનામૃત તથા સદગુરુઓની વાતો વાંચવી. બાપાશ્રીની વાતોમાંથી પોતાનું અંગ વૃદ્ધિ પમાડવું, અને એમ દૃઢ કરવું કે હું તો અત્યારથી જ અનાદિ મુક્ત છું. મહારાજ તથા અનાદિ મહામુક્તે મારા પર કૃપા કરી પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે, એ જ મારા આત્માના આધાર છે. આ સમજણની દૃઢતા થતા વચનામૃત તથા મોટા મુક્તોની વાતોમાંથી સમજાય છે કે આ વચનામૃત તથા આ વાત સાધનિકની શિક્ષા માટે છે. આ એકાંતિકની ભક્તિ છે, આ પરમ એકાંતિકની અને પરભાવની છે, અને આ અનાદિ મુક્તની સ્થિતિની વાત છે. સત્સંગમાં તો સાત ધામના મુક્તો આવ્યા હોય, નવા આદરવાળા હોય. તે બધા માટે મહારાજે જુદી જુદી રીતે વાત કરી હોય, મોટા વેપારીને ત્યાં બધી જાતનો માલ હોય. જેવા ગ્રાહક તેવો તેને આપે. મુક્તાનંદ સ્વામી કહે : મહારાજ ! તમે કહો છો કે આત્મનિષ્ઠા, વૈરાગ્ય, અહિંસાધર્મ, શ્રદ્ધા, બ્રહ્મચર્ય આ પાંચ વાના વિના અક્ષરધામમાં ન જવાય, અને તેડવા તો અનેકને આવો છો. ત્યારે મહારાજ કહે : સ્વામી ! તેડવા તો આવું છું, પણ ક્યાં મૂકું છું, તે જાણો છો ? આ રીતે જોઈએ તો મહારાજને જેવા છે તેવા જાણવા-સમજવા જોઈએ જ, નહિ તો સમજણ કરવા ફરી આવવું પડશે.