પત્ર : ૨૧

જેમ બ્રહ્મવૃત્તિમાં ચૈતન્યને દેહ ભુલાતો નથી તેમ અનાદિ મુક્તની સજમણમાં ચૈતન્યને મૂર્તિ ભુલાય નહિ. જ્યાં દેહનો દેખાવ છે ત્યાં પ્રતિલોમપણે મૂર્તિ ધારતાં એમ થઈ જાય કે હું તો મહારાજની મૂર્તિ ભેળો જ છું. દેહભાવ તો અજ્ઞાનકાળે હતો, હવે તો શ્રીજીમહારાજે મારા ચૈતન્યને પોતાની મૂર્તિનાં દર્શને મૂર્તિ જેવો દિવ્ય સાકાર કરી મૂર્તિ ભેળો જ રાખ્યો. દેહ મૂકીને જે મહારાજને પામવાનું હતું તે દેહ છતાં સમજણ કરાવી. આપણને એમ થાય કે મૂર્તિ દેખાતી નથી, તો સન્મુખ દેખાય છે તે જ મૂર્તિને પ્રતિલોમ ધારવી ને એમ જાણવું કે અનંત કોટિ બ્રહ્માંડના આધાર શ્રીજીમહારાજ મારા આધાર કેમ ન હોય ? આપણે મૂર્તિઓનાં દર્શન કરીએ છીએ ત્યારે ચિત્ર-પ્રતિમા-ધાતુ કે કાષ્ટાદિક પ્રતિમામાં આ લોકના ભાવ દેખાય છે, પણ અક્ષરધામના પતિ આ મહારાજ છે એવો ભાવ રાખવો જોઈએ. ધામમાં તે જ મૂર્તિ આ છે, ધાતુ-પાષાણ કે ચિત્ર ભાવ આવે તો અપરાધ થાય, એ રીતે સદાય આપણે દેહભાવ વિસારી દેવાનો છે. દેહભાવ તો અજ્ઞાને કરીને માની લીધો છે. મહારાજ કહે છે કે તમે તમારી પોતાની જાતને ધામરૂપ, બ્રહ્મરૂપ માનો. બ્રહ્મ એ મહારાજની મૂર્તિનું તેજ. એ ધારણા સમજણમાં થાય ને મનાય, પણ દેખાય તો જ્યારે ધામમાં પહોંચાય ત્યારે. દૃષ્ટાંતથી મોટા સમજાવે છે કે કોટિ રવિ-ચંદ્રની કાંતિ ઝાંખી થઈ જાય એવું એ તેજ :

‘‘તેજ તેજ જ્યાં તેજ અંબાર,’’

‘‘તેજોમય તન તેનો’’ - એવા ધામરૂપ, મહાતેજરૂપ આપણે પોતાના ચૈતન્યને માનવાની આજ્ઞા છે. પરમકૃપાળુ બાપાશ્રીએ ‘બ્રહ્મ’નો અર્થ ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડ્યો છે કે બ્રહ્મ ભગવાન. તે ભગવાનની મૂર્તિનો આકાર ચૈતન્યમાં ધારવો, ચૈતન્ય મૂર્તિમાં જ છે, હું તો અનાદિ મુક્ત જ છું. મહારાજ જેમ ધામમાં અખંડ છે તેમ મારો ચૈતન્ય દિવ્યભાવે મહારાજના જેવો સાકાર થઈ તે મૂર્તિમાં રસબસ થઈ અખંડ નિવાસ કરી રહ્યો છે - મહારાજે દયા કરી એટલે આ વાત સમજાણી. હવે તો અખંડ તેનું અનુસંધાન રાખવું.