૩. દિવ્ય અમીવર્ષા (વિભાગ - ૧)
જેમને જોયા પછી બીજું કાંઈ જોવાનું બાકી રહેતું નથી, જેમને મેળવ્યા પછી બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી એવા પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે કેવળ કૃપા કરીને સં. ૧૮૩૭માં આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારથી આત્યંતિક કલ્યાણની શરદઋતુ બેઠી. શ્રીહરિજી કહેતા : અમે તો અનંત મનવારો ભરીને જીવોને ભવસાગર તરાવીને અમારા પરમસુખ દિવ્યસ્વરૂપમાં જોડવા આવ્યા છીએ. વળી, પોતે પોતાની સાથે સિદ્ધ અનાદિ મુક્તોને લાવી તેમના દ્વારા પણ અનેક જીવોને પોતાની પાસે ખેંચી લીધા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, મુકુંદ બ્રહ્મચારી જેવા સાધુ-બ્રહ્મચારીના આશ્રમમાં વર્તતા મુક્તો તથા પર્વતભાઈ, દાદાખાચર, ગોરધનભાઈ જેવા ગૃહસ્થાશ્રમી મુક્તો તથા મોટીબા, લાડુબા, લાધીબા જેવાં સ્ત્રી મુક્તોએ અનેક મોક્ષભાગી જીવાત્માઓને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના સુખે સુખિયા કરી દીધા. તે જ રીતે, અમદાવાદ દેશમાં સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી પછીની પેઢીમાં અમદાવાદ મંદિરના સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામી તથા મૂળી મંદિરના સ. ગુ. હરિનારાયણદાસજી સ્વામી વગેરે મુક્તોએ અનંત જીવોને શ્રીહરિને વિષે જોડ્યા હતા.
વાંટાવદર ગામ હળવદની નજીક ને મૂળીમંદિર સાથે સંકળાયેલું અમદાવાદ દેશ વિભાગનું ગામ. જીવરાજભાઈ, ભૂરાભાઈ વગેરે મૂળીના સ. ગુ. શ્રી હરિનારાયણદાસજી સ્વામી તથા અમદાવાદના સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ કરવા જતા. તેમના થકી તેમણે જાણ્યું કે કચ્છમાં ભૂજથી વીસેક કિલોમીટર દૂર આવેલા બળદિયા (વૃષપુર) ગામમાં, કણબીકુળમાં અબજીભાઈ પાંચાભાઈ વેકરિયા નામના અનાદિ મહામુક્તરાજ શ્રીજીમહારાજના સંકલ્પથી પ્રગટ થયા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમનાં માતુશ્રી ઉપર અતિશય પ્રસન્નતા જણાવી દિવ્ય દર્શન દઈ વરદાન આપેલું કે અમારા અનાદિ મુક્ત તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટશે. આમ શ્રીહરિજીના વરદાન-સંકલ્પથી પ્રગટેલા સિદ્ધ અનાદિ મહામુક્તરાજ દ્વારા શ્રીહરિજી અનેક જીવોને દિવ્ય અલૌકિક સુખે સુખિયા કરતા. આ વાત જીવરાજભાઈ, ભૂરાભાઈ વગેરેના જાણવામાં આવેલી, પણ તેમનાં દર્શનનો યોગ થયો ન હતો, પરંતુ મેઘ કાંઈ કોઈના બાંધ્યા બંધાઈ રહે ? તે તો અનરાધાર વરસવા માંડે જ.
અનેક જીવોને શ્રીહરિજીને વિષે જોડવા સં. ૧૯૪૨માં અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી ૬૦૦ માણસનો સંઘ લઈ પગપાળા તીર્થાટન કરવા ફાગણ વદ બીજ ને સોમવારે ભૂજથી નીકળ્યા હતા. અંજાર, સરકારપુર થઈ કાજરડા આવ્યા. કાજરડા ગામ રાજકોટ જિલ્લામાં માળિયા તાલુકામાં માળિયા ગામથી છ-સાત કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં અબજીબાપાશ્રી સ્વતંત્રપણે સમાધિ કરીને શ્રીહરિની મૂર્તિમાં જોડાઈ ગયા. સમાધિમાંથી જાગ્રત થવાનું ગમે ત્યારે બને ને ત્યાં સુધી સંઘ રોકાઈ રહે તે ઠીક નહિ, તેથી સંઘના કેસરાભાઈ, જાદવજીભાઈ વગેરેએ ગાડું ભાડે કરી તેમાં મુક્તશ્રીને સુવરાવી સંઘની વચ્ચે તે રખાવી સંઘને ચાલતો કર્યો. તે સંઘ ત્યાંથી વાંટાવદર આવ્યો. સમાધિસ્થ મુક્તરાજશ્રીનાં દર્શનમાત્રથી જ વાંટાવદરના હરિભક્તોના જાણે પૂર્વ જન્મના સુકૃત ઉદય ઉદય થઈ ગયા, ને ઘાટ સંકલ્પમાત્ર સમાઈ ગયા ને શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિઓ જોડાઈ સ્થિર થઈ ગઈ ! આમ ફાગણ વદ પાંચમ ને ગુરુવારથી વાંટાવદરના હરિભક્તોની વસંત બેઠી !
સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ સં. ૧૯૪૮માં પોતાની દેહલાલી સંકેલી, તે અગાઉ પોતાને વિષે હેત-રુચિવાળા સર્વે સંતહરિભક્તોને બોલાવીને ભલામણ કરી કે કચ્છ-વૃષપુર ગામમાં અનાદિમુક્તશ્રી અબજીભાઈ છે તેમની સત્સંગમાં કોઈ જોડ નથી, ને શ્રીજીમહારાજનો તે અનાદિમુક્ત દ્વારે અનંત જીવોને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ છે, માટે તમે તેમના થઈ રહેજો ને એ કહે તેમ કરજો, અને શ્રીજીમહારાજની આજ્ઞામાં રહેજો.
સ્વામીશ્રીની આ ભલામણ ભૂરાભાઈને અંતરમાં ઊતરી ગઈ. મુક્તરાજ અબજીબાપાશ્રીનું માહાત્મ્ય જાણીને તેમનો અવારનવાર જોગ-સમાગમ કરવા જતા, અને તેમની અનુવૃત્તિમાં રહીને શ્રીજીમહારાજનું ભજન કરતા. અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીની કૃપાદૃષ્ટિથી ભૂરાભાઈ શ્રીહરિજીના સ્વરૂપમાં અતિશય સ્નેહે કરીને જોડાઈ ગયા, અને વ્યવહારમાંથી નિવૃત્તિ લઈને મુક્તરાજશ્રીનો સમાગમ કરીને છતે દેહે મૂર્તિનો સાક્ષાત્કાર કર્યો અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં રસબસ થઈ પરમ સુખિયા થઈ ગયા. તે સુખની છોળો વાંટાવદર અને આજુબાજુના ગામના હરિભક્તો ને સગાં-સંબંધીઓને પણ લાગી ને સૌ પરમ યોગમાં આવી ગયા.
અનંત દીવા પ્રગટાવવાનો શ્રીહરિજીનો સંકલ્પ અબજીબાપા દ્વારા વિલસી રહ્યો હતો, ભૂરાભાઈ રૂપી દીવો પ્રગટી ઝળહળવા લાગ્યો હતો, ને સોમચંદભાઈરૂપી દીવો એ પ્રકાશે પોષણ પામી પ્રગટવા માટે તૈયાર થતો હતો!
પોતાના ભૂરામામા સાથે સોમચંદભાઈ પણ અવારનવાર વૃષપુર અબજીબાપાશ્રીનાં દર્શન-સમાગમે જતા.
સોમચંદભાઈનો શાળામાં અભ્યાસ ચાલતો હતો, ત્યારે તેમનાં બહેન દિવાળીબાનાં લગ્ન માથકના ભગવાનજીભાઈ લવજીભાઈ મહેતા સાથે સં. ૧૯૫૯માં થયાં. પરણીને દિવાળીબા સાસરે ગયાં. થોડા સમયમાં (દિવાળીબાનું) તેમનું કુટુંબ કરાંચી ગયું. પિતાશ્રી જીવરાજભાઈને પગમાં ‘વા’ની અતિશય તકલીફ હતી. તેમાં એક દિવસ પડી ગયા ને બહુ વાગ્યું, ને માંદા થયા. દિવાળીબાનું અંતર વાંટાવદર ને કરાંચી વચ્ચે ઝોલાં ખાય. મનોમન પ્રાર્થના-વિનંતી તો ચાલુ જ હોય. એક વખત દિવાળીબા એની ચિંતામાં હતાં, ને અબજીબાપાશ્રીનાં દર્શન થવા માંડ્યાં, એમના અંતરમાં આનંદના ઓઘ વળ્યા. બાપાશ્રી બોલ્યા : ‘‘હવે અમે તમારા બાપુજીને થોડા દિવસમાં શ્રીહરિજીના સુખમાં લઈ જઈશું; અંત વખતે સોમચંદભાઈ ઓશીકે ને તમારાં માતુશ્રી ખાટલાની પાંગથ બાજુ નીચે બેઠાં હશે.’’ આ બાજુ સોમચંદભાઈ કામ પ્રસંગે સરા ગયા. ત્યાં અ. મુ. મનસુખભાઈએ તેમને જોયા કે તરત જ તે બોલ્યા : ‘સોમચંદભાઈ ! તમે અહીંયાં આવ્યા છો ? ઘરે તમારા બાપાને મહારાજ તેડવા પધારવાના છે, માટે ઝટ ઘરે પહોંચી જાઓ ! સોમચંદભાઈ ઉતાવળે ઘરે ગયા, જીવરાજભાઈના ખાટલા પર ઓશીકે બેઠા. તેમનાં માતુશ્રી નીચે બેઠા હતા, ને મહારાજે જીવરાજભાઈને ધામમાં મૂકી દીધા ! તે વખતે સોમચંદભાઈની ઉંમર પંદર વર્ષની હતી. (સં. ૧૯૬૫, ઇ. સ. ૧૯૦૯)