પત્ર : ૫૭
આ દેહનો અવધિ પૂરો થતાં શ્રીહરિના આશ્રિત આ દિવ્યધામમાં અને દિવ્યમૂર્તિના સુખમાં પહોંચે છે. આપણા અહોભાગ્ય કે આ લોકમાંથી આપણને મહારાજે કાઢી દિવ્ય સત્સંગ જે પોતાની દિવ્યસભા ને દિવ્યમૂર્તિમાં રાખ્યા. બાપાશ્રીએ આ બધો અનુભવ પ્રત્યક્ષ કરાવ્યો. અક્ષરધામમાં શ્રીજીમહારાજ દિવ્યસભામાં બિરાજી મહામુક્તોને દિવ્યસુખ પમાડે છે તે જ મનુષ્યરૂપે પ્રગટ થઈ આ લોકમાં દૃષ્ટિગોચર થયા હતા. એવી રીતે શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રીએ કચ્છમાં પ્રગટ થઈ અનેકને ન્યાલ કર્યા. કરુણાનો સમુદ્ર રેલાવ્યો, ઘેર ઘેર ફર્યા, અનેકને તાર્યા - ઉદ્ધાર્યા, મૂર્તિના સુખમાં રાખવાના આશીર્વાદ આપ્યા, જાત-કુજાત જોઈ નહિ, કેવણ કરુણા રસ રેલાવ્યો ! એવા બાપાશ્રીના પ્રગટપણામાં આપણો જન્મ થયો એ પણ ધન્ય ભાગ્ય ! ડાહ્યા - ચતુર - શાણા ગણતરી કરતા રહ્યા અને આપણા જેવા સાધારણ પર અઢળક ઢળ્યા, હાથ ઝાલ્યો, પ્રત્યક્ષ ભેટ્યા, માથે હાથ મૂક્યા, કોઈને તેજોમય દર્શન આપી પૂર્ણકામ કર્યા.