લોયા : ૭
અમને ભગવાન જાણ્યા વિના પ્રત્યક્ષ દેખે તેનું ને શાસ્ત્રે કરીને જાણે તે બેયનું કલ્યાણ સરખું છે. અમે અનિરુદ્ધરૂપે ઉત્પત્તિ કરીએ છીએ તે અનિરુદ્ધને વિષે સ્થાવર ને જંગમ વિશ્વ સાવકાશે કરીને રહ્યું છે, સંકર્ષણરૂપે સંહાર કરીએ છીએ અને પ્રદ્યુમ્નરૂપે સ્થિતિ કરીએ છીએ. મચ્છાદિક અવતારોનું ધારણ કરીએ છીએ. ઇંદ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણ પ્રકારે કરીને જાણ્યામાં આવે એવાં ત્રણ પ્રકારનાં કાર્ય છે. તે તે કાર્યને અર્થે તેવા તેવા રૂપનું ધારણ કરીએ છીએ. એવા અમે પ્રત્યક્ષ ભગવાન તે અમને ઇંદ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે કરીને જાણે ત્યારે તે પૂરો જ્ઞાની કહેવાય. એમાંથી એકેય ઓછું હોય તો તે જ્ઞાની ન કહેવાય ને તે જન્મ મૃત્યુને ન તરે. કૈવલ્યાર્થીનું આત્યંતિક કલ્યાણ ન થાય પણ તે અમારી ભક્તિનો અધિકારી થયો કહેવાય. પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે વ્યાપ્ય અને વ્યાપક બેય પ્રકૃતિની સંકોચ ને વિકાસ અવસ્થા ભેળી અમારી એટલે અમારી અન્વય સ્વરૂપની સંકોચ વિકાસ અવસ્થા છે. એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે અમારું અન્વય સ્વરૂપ જે તેજ તેને વિષે છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમે સર્વના આત્મા ને કારણ ને આધાર ને શરીરી છીએ. જડ ચૈતન્ય પ્રકૃતિ તે પોતાના કાર્ય સોતી અમારે વિષે એટલે અમારા તેજને વિષે રહી છે. એ સર્વને વિષે અમે અંતર્યામી રૂપે કારણપણે રહ્યા છીએ એમ જાણે ને દેખે તે પરિપૂર્ણ જ્ઞાની છે ને તેનું કલ્યાણ દેહ છતાં જ છે. એવી રીતે જાણે પણ દેખે નહિ તે પરિપૂર્ણ જ્ઞાની નથી. જો નિઃસંદેહ આંટી રાખીને કૃતાર્થ માને તો તે પણ પરિપૂર્ણ જ્ઞાની છે ને તેનો દેહાંતે મોક્ષ થાય છે. બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે અતિ દુષ્ટ ને મહાપાપી છે, તેનો નરકમાંથી છૂટકો થતો નથી. (૧૧૫)