ગઢડા પ્રથમ : ૫૬

ત્રણ પ્રકારના ભક્તથી જ્ઞાનીને અધિક કહ્યો છે. જ્ઞાન, ભક્તિ આદિક ગુણનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા અને એ ગુણનું માન રાખે નહિ તેના હૃદયમાં અમે નિવાસ કરીને રહીએ છીએ. ભક્તિનું માહાત્મ્ય જાણીને સેવા કરે ને વિચારનું બળ રાખે તો એ રૂડાગુણનું માન ટળી જાય છે. અમે સર્વે ધામોના પતિ છીએ. ભક્તના સુખને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અમે ધામને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત છીએ ને આંહી તો દીવો કરે ત્યારે અમારું દર્શન થાય છે પણ એ સર્વેને પ્રકાશના દાતા છીએ. મહાપ્રલય થાય છે ત્યારે પણ અમે એક જ ભગવાન રહીએ છીએ. પ્રકૃતિ પુરુષ દ્વારાએ અનંત કોટિ બ્રહ્માંડને અમે જ ઉપજાવીએ છીએ. ગમે તેવો પાપી હોય તે અંત સમે અમારું સ્વામિનારાયણ એવું નામ ઉચ્ચારણ કરે તો અમારા ધામને વિષે નિવાસ કરે એવો અમારો પ્રતાપ છે, એવો અમારો મહિમા જાણે તો શુદ્ધ આત્મારૂપ એટલે અમારા તેજરૂપ થઈને પરમપદ એટલે અમારા સાધર્મ્યપણાને પામે છે.