પત્ર : ૯૭

ક્રિયાસાધ્ય એકલી કામ નથી કરતી, કૃપાસાધ્યથી જ આત્યંતિક જ્ઞાન ને આત્યંતિક મોક્ષ થાય છે. સાધન બધાંય ઉપકરણ છે, જેથી જો એ શ્રીહરિની પ્રસન્નતા અર્થે તથા મોટાની પ્રસન્નતાર્થે થાય તો એ ને એ સાધન ભક્તિરૂપ - મોક્ષરૂપ થઈ જાય છે. આ બધામાં શ્રીજીમહારાજ અને મોટાની કૃપાનજર સામું જોવું જોઈએ. શ્રીજીમહારાજ તથા નૃસિંહાનંદ સ્વામી ગિરનારમાં વિચરતા હતા, તે વખતે મહાભાગ્યવાન એક બાવો દંડવત્‌ કરતો ગિરનારને પ્રદક્ષિણા કરે. તેને મહારાજે કહેવરાવ્યું કે અમને એક દંડવત્‌ કરે તો આત્યંતિક મોક્ષ કરીએ.’ નૃસિંહાનંદ સ્વામીએ સમજાવ્યું પણ એ બાવો બોલ્યો : ‘સામા આવે તો કરું, કેમં કે મારે એવો નિશ્ચય છે,’ ત્યારે મહારાજે કહ્યું : ‘અમારા સામે આવીને એક જ દંડવત્‌ કરે તો એનો દાખડો લેખે આવી જાય. આત્યંતિક મોક્ષ કરી દઈએ.’ બીજી વખત પણ ન માન્યું. આવી રીતના સાધનવાળા રહી જાય. ભગવાન દયાળુ છે, પણ લોઢું પારસના જોગ વિના પારસ ક્યાંથી બને ! આપણે તો એ પારસના સંબંધે જ મોક્ષ માન્યો છે. બાપાશ્રી વાતોમાં કહે છે કે ઉત્તમ પારસથી પારસ બને એવા શ્રીજીમહારાજનો આપણને સંબંધ થયો છે. એ મૂર્તિના બળે આપણું જે કાંઈ છે તે છે.