પત્ર : ૪૮
પરોક્ષની રીતે પુરાતન સ્થાનો હોય તેમાં આપણાં મંદિરો-સંતો જેવું ક્યાંથી હોય ! આ તો સર્વોપરી ભગવાન પધાર્યા. ધામની સભા લાવ્યા. નવીન રીત ચલાવી. શાસ્ત્રો પણ એવાં લખાવ્યાં, પાળ્યું ને પળાવ્યું. તેથી બીજાં બધાં ન્યૂન દેખાયા. હવે આપણામાં પણ ગૌણતા જણાવા લાગી છે. મહારાજના અભિપ્રાય પ્રમાણે ચાલવામાં કારસો આવવાથી આવું બને છે. વચમાં પરમકૃપાળુ બાપાશ્રીએ અનાદિની સ્થિતિ સમજાવી, પમાડી અને બાપાશ્રીએ પોતાનાં દર્શનથી અનેકના આત્યંતિક મોક્ષ કર્યા. એ લાભ આપણને મળ્યો. પરમકૃપાળુ બાપાશ્રી કહે છે કે તમારે અનેક જીવોના આત્યંતિક મોક્ષ થાય એવી રીતે મૂર્તિમાં રાખ્યાની રીતમાં રહેવું. મારો ચૈતન્ય મૂર્તિમાં છે; અનેક અનાદિ મુક્ત સાકાર રહ્યા થકા મૂર્તિના સુખમાં ગુલતાન રહે છે. તેમ જે જે જોગમાં આવે છે તેને એ સ્થિતિ અને સુખભોક્તાની વાત સમજાવવી. આત્યંતિક મોક્ષના સંકલ્પ કરવા આવી કૃપા કોઈ અવતારમાં થઈ ન હતી. આ તો અવતારી મહાપ્રભુએ ‘આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી’, એવું સદાવ્રત ચલાવ્યું. તેમાં આપણે ફાવ્યા. પરોક્ષના સ્થાને દરિયાકાંઠે જઈએ કે પૃથ્વીના છેડા સુધી જઈએ, વિષ્ણુલોકમાં જઈએ કે પુરુષના ધામમાં જઈએ, વાસુદેવ-અક્ષર જેવા ઉત્તમ સ્થાને જઈને વિચારીએ તો પણ અક્ષરધામ ને અનાદિની સભા જેવું સુખ બીજે ક્યાંથી હોય ! માટે આવી પરભાવની વાતોનો વિચાર કરતાં બહુ મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. મૂર્તિ મંગળકારી, દિવ્ય વિગ્રહ, સભા દિવ્ય, ધામ દિવ્ય, મુક્તો દિવ્ય - એમની લીલા વિસ્તાર પણ દિવ્ય. આ પ્રાપ્તિ આપણને બાપાશ્રી તથા સદગુરુઓની કૃપાથી થઈ છે, તેનું અખંડ સ્મરણ, ચિંતવન, મનન કરવું.