ગઢડા છેલ્લું : ૩૧
બ્રહ્મરૂપ તેજોમય એવું અમારા તેજરૂપ અક્ષરધામ છે તેમાં અમારી આકૃતિ રહી છે એટલે અમે મૂર્તિમાન રહ્યા છીએ અને એ આકૃતિમાંથી અવતાર ધારણ કરીએ છીએ એટલે ત્યાં રહ્યા થકા જ સર્વ બ્રહ્માંડમાં દેખાઈએ છીએ. ક્ષર-અક્ષરથી પર ને સર્વનું કારણ જે અમારું તેજ તેના પણ કારણ છીએ અને અમારા ધામને વિષે અનંત કોટિ મુક્તોએ સેવ્યા એવા અમે તે દયા કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે પ્રગટ પ્રમાણ તમારી સર્વની દૃષ્ટિગોચર સાક્ષાત્પણે વર્તીએ છીએ. અમારી આ મનુષ્યરૂપ મૂર્તિ ને ધામમાં મૂર્તિ છે તે એક જ છે, પણ જુદી નથી. અમારું ધ્યાન નેત્રને આગળ બહાર કરે તેેને ધામમાં જે મૂર્તિ છે તે અને આ અમારી મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ જણાય. અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને નેત્રમાં જુએ તો નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય અને કંઠેથી હેઠે સુધી માંહેલી કોરે જુએ તો બહુ જ મોટી દેખે અને બુદ્ધિમાં તથા બુદ્ધિએ યુક્ત એવો જીવ તેમાં જુએ તો અંગુષ્ટ માત્ર દેખે અને અમારા તેજરૂપ ધામ તે ધામરૂપ થઈને જુએ તો પ્રથમના જેવી દેખે. અમે અક્ષરધામમાં જેવા ગુણથી પર છીએ તેવા જ મનુષ્યરૂપે દેખાઈએ છીએ તો પણ તેવા જ ગુણથી પર છીએ અને મનુષ્યરૂપ મૂર્તિમાં ને ધામમાં મૂર્તિ છે તેમાં કિંચિત પણ ફેર નથી. (૨૬૫)