ગઢડા પ્રથમ : ૭૨
અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય અને અમારા સંતનું ને સત્સંગનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ, કર્મ ભૂંડું કરી શકતાં નથી. એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. ગરીબને કલ્પાવે, કોઈને માથે જૂઠું કલંક દે તથા પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મભંગ કરાવે તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. અમારા મનુષ્ય ચરિત્રને અમારા ભક્ત દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પરઠે છે અને અમે ક્ષર, અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ. અમારા એક એક રોમના છિદ્રમાં અનંતકોટિ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ પરમાણુવત્ત રહ્યાં છે એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિ ધારીને મનુષ્ય જેવા ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. જેને અમારો માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે. જેને અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનાં ભક્તનાં લક્ષણ કહ્યાં છે.