• દિવ્ય પમરાટ (ખુશ્બો) (વિભાગ - ૩)
એક વખત દર્શન કરી ઉતાવળે ગાડીમાં જવાની જરૂરિયાતવાળા કોઈ હરિભક્ત આવ્યા ત્યારે સોમચંદભાઈ આખી રાતના ઉજાગરાને લીધે દસેક મિનિટથી મોઢે ઓઢીને સૂતા હતા. હરિભક્ત તો જરાય અવાજ કર્યા વગર મર્યાદાથી પાસે બેઠા. વિચારે કે શું થસે ? ગાડી મળશે ? છેવટે મનમાં નક્કી કર્યું કે ગાડી જવી હોય તો જાય ને થવું હોય તે થાય, પણ સોમચંદભાઈ જાગે ને ‘જય સ્વામિનારાયણ’ કહે પછી જ જવું. હરિભક્તો મનમાં એવો પાકો નિર્ણય કર્યો કે તરત જ પોતે બેઠા થયા ! ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને કહે : ‘ઘેર જવું છે ?’ ઊભા થઈ મળ્યા. હરિભક્ત હરખાતા હૈયે ઘેર ગયા !
ગામેગામ ફરતા પણ ક્યારેય કોઈ હરિભક્ત તરફથી સેવા ગ્રહણ ન કરે. એક વખતે એક હરિભક્તે સોમચંદભાઈના ઝભ્ભાના ખિસ્સામાં બે રૂપિયા તેમની જાણ બહાર મૂકી દીધા. બીજે ગામ ગયા. ખિસ્સામાં હાથ નાખતાં બે રૂપિયા મળ્યા. તરત પાછા તે જ ગામમાં આવ્યા. મીઠો ઠપકો આપી પૈસા પાછા આપ્યા, ને બોલ્યા કે અમને આંટો કરાવ્યો ! કોઈએ પૂછ્યું કે તમારું આવવા-જવાનું ગાડી ભાડું વગેરે ક્યાંથી કાઢો છો ? તો કહે : પહેલાં હું નોકરી કરતો ત્યારની બચત બેંકમાં જમા છે, તેમાંથી વાપરું છું. એ પૈસા ખુટાડવા છે તો ય ખૂટતા નથી !
કરાંચીમાં સોમચંદભાઈ જેમના મકાનમાં રહેતા તે હરિભક્તને સોમચંદભાઈની નિષ્કામ-નિઃસ્પૃહી સત્સંગ-સેવાથી એટલો ભાવ થઈ આવ્યો કે એમને થયું કે મારે ભાઈ હોય તો તે મારી મિલકતમાંથી ભાગ માંગત. આ તો મારા ભાઈથી ય વિશેષ છે. તેથી પોતાની બચતના ૨૮૦૦૦ રૂપિયામાંથી ચૌદ હજાર રૂપિયાની રકમનું સોમચંદભાઈના નામનું ખાતું ખોલાવીને તે રકમ તેમાં જમા કરાવી દઈ તે બેંકની પાસબુક સોમચંદભાઈને આપી. પણ સોમચંદભાઈએ ‘પૈસા મને મળી ગયા, મારે જ્યારે જોઈશે ત્યારે માગી લઈશ, મારા જ છે, મને રાજી કરવો હોય તો આ અત્યારે તમારી પાસે રાખો, મારું વચન માનશો તો મહારાજ તમારા ઉપર ઘણા રાજી થશે.’ એમ ખૂબ ખૂબ પ્રેમ ને કળથી સમજાવી એ રકમ પાછી આપી, પણ પોતે તે ગ્રહણ કરી નહીં.
એક હરિભક્તે તેમને કહ્યું કે, ‘તમો મારા ઉપર બરાબર રાજી નથી !’ પોતે બોલ્યા :
‘‘કબીરા ખડા બજારમેં, સબકી ચાહત ખૈર;
નહિ કિસીસે દોસ્તી, નહિ કિસીસે વૈર.’’
આ બધા ભાવનો ત્યાગ કરી શ્રીજીમહારાજ જે રીતે રાજી થાય એમ રહેવું !
કોઈ હરિભક્તને હેત જણાવી બાથમાં લઈ પ્રેમથી મળે તો મળનારું હૈયું ટાઢું થઈ જાય, સંકલ્પો સમી જાય, આનંદની ઊર્મિ ઊમટે, દિવ્યભાવ પ્રગટી આવે.
સભામાં પોતે જ્યારે વાતો કરતા હોય ત્યારે તે વાત સાંભળનારને શ્રીજીમહારાજ, સંતો તથા આખાય સત્સંગ પર હેતના જ ઊભરા આવ્યા કરે, મન ફરી જાય ને શ્રીહરિને વિષે સહેજે વૃત્તિ બંધાઈ જાય. સભામાં સૌને સમજાવે કે સર્વમાં એકાદ ગુણ તો હોય જ, માટે સર્વમાંથી એક એક ગુણ ગ્રહણ કરીએ તો સદગુણોનો ભંડાર થઈ જાય, ને અકેકો અવગુણ લઈએ તો ખોટો ભાર વધે ને સત્સંગમાંથી પાછા પડી જવાય. વળી, સભામાં સમજાવે કે વ્યવહારમાં નજર પહોંચતી હોય કે રાજકારભાર કરતા હોય તેની ઝીણી (કુશાગ્ર) બુદ્ધિ નથી, કારણ કે બુદ્ધિનો આવો ઉપયોગ કરી પોતાનું બંધન તો વધાર્યું જ છે, પણ જે સર્વ બંધન થકી પોતાના જીવાત્માને મુક્ત કરી એક શ્રીહરિની દિવ્યમૂર્તિમાં જ જોડવા પ્રયત્નશીલ બન્યો છે તે જ ઝીણી બુદ્ધિવાળો - ડાહ્યો છે. વળી કહે કે બહુ વરસાદ વરસે ત્યારે પાણીની કિંમત ઓછી હોય, પણ દુષ્કાળ પડે ત્યારે સારાં વર્ષો યાદ આવે, એમ મોટા પુરુષ મળ્યા હોય ત્યારે બરાબર જોગ કરી લેવો ને કસર ન રાખવી.
એક હરિભક્તને પોતાના ઘરે લઈ જવાની બહુ તાણ હતી, તેથી એક વખત તેમના ઘરે હરિભક્તોના મંડળે સહિત પધાર્યા. જગ્યાની સંકડાશ તેથી હરિભક્ત સંકોચ અનુભવે, તો પોતે બોલે : પહેલાં વિચારવું જોઈએ કે કુબામાં હાથી સમાશે ? એમ રમૂજ કરી કથા-વાર્તા-કીર્તન-ધૂન-આરતી-થાળની રમઝટ મચાવી દિવ્ય આનંદભર્યું વાતાવરણ સર્જી દીધું.
લોકવ્યવહારની રીતે કોઈ હરિભક્તને સૂતકને લીધે અડીને નહાવું પડે તેમ હોય તો વહેલી સવારે નહાતા પહેલાં તેમને ત્યાં પહોંચે, ફળિયામાં બેસી સહકુટુંબને શ્રીહરિના દિવ્ય પ્રતાપની વાતો કરી કારણ સત્સંગના રંગે રંગી દઈ ભાવથી ભેટે ને રાજી કરે.
અ. મુ. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી ધામમાં જતાં એક હરિભક્તને ઘણો જ શોક થયા કરતો, તેથી તેને મળે ત્યારે શ્રીજીમહારાજના દિવ્યભાવની વાતો કરી સત્સંગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્તો પ્રત્યક્ષ છે, છે ને છે જ અને એમને જવા-આવવાપણું નથી, એવું જ્ઞાન દૃઢ થાય તેવી વાતો કરી વિરહ મટાડી શાંતિ પમાડી.
સોમચંદભાઈ કોઈ વાર વાત કરે કે આપણે શ્રીજીમહારાજ, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અબજીબાપા, વગેરેનો જોગ કરવામાંથી નવરા ન રહેવું. એ બધા અંતર્ધાન થઈ ગયા એમ જણાય, પણ દિવ્ય સ્વરૂપે સદાય પ્રત્યક્ષ છે જ. વચનામૃત વાંચીએ ને શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન છે, કૃપા કરીને વાત કરે છે, ને હું એ દિવ્ય સભામાં બેઠો છું, એમ માનીએ તો શ્રીજીમહારાજનો જોગ કર્યો કહેવાય. ગોપાળાનંદ સ્વામીની, ગુણાતીતાનંદ સ્વામીની તથા અબજીબાપાશ્રીની વાતો વાંચીએ ત્યારે તેઓશ્રી વાતો કરે છે ને હું સાંભળું છું એમ જાણીએ તો તેમનો સમાગમ થયો કહેવાય. કીર્તન સાંભળવાનું મન થાય તો બ્રહ્માનંદ સ્વામી પાસે પહોંચી જવાનું ! નહાવા જવાની ઇચ્છા થાય ત્યારે ઘેલામાં, નારાયણધરામાં, ખળખળિયામાં, સહસ્રધરે શ્રીજીમહારાજ સંતોએ સહિત અલૌકિક જળક્રિયા કરી આનંદ કરે છે, એનો લાભ મને મળે છે ને ભેગો હું પણ એ આનંદ માણું છું; જમતાં ય શ્રીજીમહારાજ થાળ જમે છે, મને પાસે બેસારી પ્રસાદી આપે છે, મૂળજી બ્રહ્મચારી તાણ કરી પીરસે છે; ખેતીનું કામ હોય તો લક્ષ્મીવાડીમાં મહારાજે મને મોકલ્યો છે ને હું કામ કરું છું; માણકીએ ચડી મહારાજ મને દર્શન દેવા પધાર્યા છે; સૂતા સૂતા ય શ્રીજીમહારાજ પોઢ્યા છે, હું ચરણ ચાંપું છું, પવન નાખું છું ને મહારાજ પ્રસન્ન થઈ માથે હાથ મૂકે છે, બાથમાં ઘાલીને મળે છે, છાતીમાં ચરણારવિંદ આપે છે. આવો પ્રત્યક્ષ દિવ્ય ભાવ સર્વ ક્રિયામાં લાવીએ તો મોડું થયું કે પાછળ રહી ગયા કે નવો સત્સંગી છું એવું લાગે ખરું ? એમ જ લાગશે કે હું તો સદાય મહારાજના ભેળો જ છું !
એક વખત મધ્ય પ્રદેશમાંથી એક શેઠનો કાગળ આવ્યો કે મારે તમારાં દર્શન કરવાં છે, તમે લખો ત્યાં હું આવું. ત્યારે પોતે સામા ચાલીને એક હરિભક્તને સાથે લઈ તેમને ત્યાં ગયા. એક અઠવાડિયું રહી શ્રીહરિના પ્રતાપની ખૂબ જ વાતો કરી તેમને રાજી કર્યા. સોમચંદભાઈ આવા નમ્ર અને દયાળુ હતા. તે ગામથી થોડે દૂર એક બાઈને શ્રી રામચંદ્રજીએ દર્શન આપેલાં તેથી જમવાનો ત્યાગ કરી બે વર્ષથી તે બાઈ તપ કરતી હતી, ત્યાં ગયા અને થોડી વાર શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કર્યું, કીર્તન બોલ્યા ને ધૂન કરી, તેથી સો એક માણસનો સમૂહ ભેળો થઈ ગયો અને એક મણ ગોળ મંગાવી શ્રીહરિને ધરાવી પ્રસાદી વહેંચી, ને પ્રસાદીનું પાણી કરી માણસો તથા ઢોર વગેરે પર નાખી શ્રીજીની સ્મૃતિ સાથે આત્યંતિક કલ્યાણના આશીર્વાદ આપ્યા. જતાં-આવતાં રસ્તાની બંને બાજુ ઝાડ વગેરે જે જે દૃષ્ટિમાં આવ્યાં તેમને વિષે પણ કલ્યાણનો સંકલ્પ કરી બોલ્યા કે શ્રીજીમહારાજ તથા અનાદિ મુક્તોની મહાન કૃપાથી આ બધાંનું કલ્યાણ થશે. આ કર્તવ્ય બજાવવા જ શ્રીજીમહારાજ આપણને અહીં લાવ્યા છે. અઠવાડિયા દરમિયાન અહીં પોતે એક વખતે ખીચડી જમાડતા, રાત્રે મચ્છરોનો અસહ્ય ત્રાસ હતો, ઓઢીને સૂવે તો પણ કપડાં સોંસરા કરડે અને સવારે આખા શરીરે શિતળા નીકળ્યા હોય એવા ચાઠાં થઈ જતાં. શેઠશ્રીના આગ્રહ છતાં મચ્છરદાનીનો સહારો પણ ન લીધો. એવી અલૌકિક આત્મનિષ્ઠાનું દર્શન કરાવ્યું. ને મૂર્તિના સુખની લહાણી કરી શેઠશ્રી અને તેમનાં કુટુંબીજનોને તેમના દિવ્ય પ્રભાવથી ભક્તિરસમાં ગરકાવ કરી કૃતાર્થ કર્યા.
એક વખત આંખે ગરમી થતી હોવાથી માટીના પાટા બાંધી સૂતેલા હતા, ત્યારે એક હરિભક્ત દર્શને આવ્યા. સોમચંદભાઈ તો સૂતા સૂતા વાતો કરે, પણ હરિભક્તને સંતોષ ન થાય ! તે કહે : ‘વૈદ-દાક્તરો તો બધું ય કહે, પણ આમ પાટા બાંધેલા રાખશો તો અમારું શું થશે ?’ સોમચંદભાઈ કહે : ‘કેમ ?’ તે કહે : ‘અમારા પર અમૃત દૃષ્ટિ કરશે કોણ ?’ પોતે તરત પાટો છોડી બેઠા થયા ને રાજી થઈને મળ્યા અને વિદાય આપી.
એક ભાઈ પૂર્વના અતિ બળિયા સંસ્કારવાળા પણ માતાજીના પરમ ઉપાસક હતા. આ જન્મમાં તેમને હજુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ યોગ કરાવનાર કોઈ મુક્ત પુરુષ મળેલ નહિ. અંબાજી માતાની ઉપાસનાથી સર્વ સિદ્ધિ મળે છે તેવી ભાવનાથી માતાજીની આરાધના કરતા. તેમનાં પત્ની સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સત્સંગી, છતાં તેમને માતાજીને દીવો-આરતી વગેરે કરવું પડે. તે બાઈએ સોમચંદભાઈ પાસે દીનભાવે પ્રાર્થના કરી કે એક મ્યાનમાં બે તરવાર કેમ રહેશે ? સોમચંદભાઈ તો દયાની મૂર્તિ. તેમણે એ ભાઈને સમજાવ્યા કે તેમણે નિર્દંભ અને સરળ ભાવે કહ્યું : ‘માતાજી સર્વ કાંઈ આપવા શક્તિમાન છે, સ્વામિનારાયણ એથી વધુ સમર્થ છે ? લોલેલોલ વાત ન કરો, પ્રત્યક્ષ પ્રમાણ અનુભવ થશે ત્યારે વાત !’ સોમચંદભાઈની પ્રાર્થનાથી શ્રીજી પ્રેરણા થઈ. માતાજીએ તે ભાઈને દર્શન આપી કહ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, તેમનો આશ્રય કરો. હું જીવનો મોક્ષ કરવા સમર્થ નથી. તે પ્રભુ તમારાં બધાં મનોરથ પૂરાં કરશે ને મોક્ષ પણ કરશે. આવો પ્રત્યક્ષ અનુભવ થતાં માતાજીની મૂર્તિ તેમના બીજા ભક્તને આપી શ્રી સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યા ! પૂર્વના સંસ્કારો ઉદય થયા; જે કાંઈ ચૈતન્ય આડે આવરણ હતું તે સોમચંદભાઈની કૃપા દૃષ્ટિથી પળમાં હટી ગયું ને શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક બની ગયા. પછી તો પૈસાના ય ઢગલા થયા, મોટરગાડી, રાચરચીલું વગેરે બધી સગવડો આવીને ખડી થઈ ગઈ ! સંપત્તિ વધી પણ સોમચંદભાઈના જોગથી એવું તો પરિવર્તન થઈ ગયું કે સંપત્તિ પોતાની માની જ નહીં. સર્વસ્વ શ્રીજીમહારાજને અર્થે અર્પણ કરવા માંડ્યું. ઉત્તમ પારસનો યોગ જ એવો અદભુત છે ને ? ઉત્તમ પારસના યોગમાં આવતા ઉત્તમ બની ગયા ! સૌને માટે ઉદાહરણીય બની રહ્યા.
એક વખત અષાઢ માસમાં લુણસર જવા દલડી રેલવે સ્ટેશને ઊતર્યા. લુણસરથી બે ભાઈઓ ગાડું લઈને સામા આવેલા, ટ્રેનમાંથી ઊતરી સોમચંદભાઈ કહે : ‘પૂજા લાવ્યા છો ?’ હરિભક્તો કહે : ‘આપણે હમણાં જ લુણસર પહોંચી જઈશું.’ ગાડામાં જતાં રસ્તામાં ગાંગિયાવદર ગામે પહોંચતાં ઓચિંતો મૂશળધાર વરસાદ થયો. લુણસર જતાં રસ્તામાં આવતી નદીમાં ઘોડા પૂર આવ્યું ! બે દિવસ લુણસર જવાય તેમ ન રહ્યું. સામે આવેલા બેય હરિભક્તો પૂજા કર્યા વિના કેવી રીતે જમે ? તો સોમચંદભાઈએ પણ - પૂજા હોવા છતાં - તેમની સાથે બે દિવસ નકોરડા ઉપવાસ કર્યા. ગાંગિયાવદરના હરિભક્તો અકળાયા. પચાસ જેટલા હરિભક્તોએ મળી ગાડા સહિત નદી ઉતરાવી, ને લુણસર પહોંચાડ્યા. સામા આવેલા બેય હરિભક્તોએ નાહીને પૂજા કરી ત્યારે તેમની જોડે ઠાકોરજી જમાડ્યા ! આમ પોતાનું અંતર્યામીપણું, વાત્સલ્યપણું ને સૌને સંભારણું બની રહે તેવી લીલારૂપ ક્રિયા બતાવવાપણું - એકીસાથે જણાવ્યું. (જુલાઈ, ૧૯૫૬ - સંવત ૨૦૧૨)
પોતાના જોગમાં આવેલા હેતવાળા હરિભક્તોનું આ લોકનાં હિતનું ધ્યાન રાખતા જ, પણ તેથી વિશેષ પરલોકનાં હિતનું ધ્યાન રાખતા. કોઈનામાં ઉન્મતપણું ન આવી જાય, છકી ન જાય તેનું સદૈવ ધ્યાન રાખતા. સમુદ્રમાંથી ચકલી ચાંચ ભરી પાણી લે ને ફુલાય કે અહોહો ! કેટલું લઈ લીધું ! મોટા મગરમચ્છ તો સમુદ્રના ઊંડાણમાંથી બહાર દેખાતા જ નથી, તે ચકલી ન જાણે ! તે રીતે સૌ દાસભાવે વર્તી અલૌકિક ભાવમાં રહે એવો ખૂબ જ ખટકો રાખતા.
એક વખત સોમચંદભાઈ હળવદ હતા. અમદાવાદના હેતવાળા હરિભક્તોને સોમચંદભાઈને તેડાવવાનો સંકલ્પ થયો, તેથી મોટર લઈ સાંજે હળવદ આવ્યા. ત્યારે સોમચંદભાઈને પગે ચાલવાની અસાધારણ તકલીફ હતી ને તબિયત ઘણી ખરાબ રહેતી, તે છતાં પ્રથમ હળવદમાં એક હેતવાળા હરિભક્તને ત્યાં, તે માંદા હતા તે જાણ્યા છતાં તેમને ત્યાં જવાયું ન હતું, તેથી તેમને ત્યાં મોટરમાં ગયા. તેમને રાજી કર્યા. ત્યાંથી ધ્રાંગધ્રા પહોંચતાં રાતના ૧૨ વાગ્યા. બીજે દિવસે સવારે તો અમદાવાદ પહોંચવું જ પડે તેમ હતું તેથી ધ્રાંગધ્રામાં બધાં હેતવાળાને ત્યાં ન જવાયું. ત્યારે હેતવાળા હરિભક્તનો ધ્રાંગધ્રાથી અમદાવાદ પત્ર આવ્યો કે અમે દર્શન વિના રહી ગયા. પોતે જવાબ લખ્યો કે, ‘‘મારું શરીર સારું હોત તો વળતી ગાડીમાં પાછો આવી હું મારી ભૂલ માફ કરાવી જાત, પણ મારા શરીરે ઠીક રહેતું નથી તો તમે મારી આટલી ભૂલ ઉદાર દિલ રાખીને માફ કરશો, એવી વિનંતીરૂપ પ્રાર્થના કરું છું.’’ કેટલો વિનમ્રતાભર્યો દયાળુ સ્વભાવ !