લોયા : ૧૫
દેવતાને ઇંદ્રિયો દ્વારે કરીને જીવનું ભોક્તાપણું કહ્યું છે. ઇંદ્રિયો કરતાં અંતઃકરણ સ્વચ્છ છે તેથી તેમાં અધિક પ્રકાશ જણાય છે. જેને ઇંદ્રિયો દ્વારે લક્ષ થાય તેને સમગ્ર આત્મા નથી દેખાતો, જ્યારે નિરાવરણ દૃષ્ટિ થાય ત્યારે યથાર્થ આત્માને દેખે છે. શ્રીકૃષ્ણ ને ગોપીઓના દૃષ્ટાંતે કહ્યું છે કે એવા ભક્તને વિષે અમે મૂર્તિમાન રહ્યા છીએ પણ એની ચિત્તવૃત્તિના નિરોધ માટે દેખાતા નથી. જીવ, પુરુષ, અક્ષર ને અમારું તેજ સજાતિ છે ને જે જીવને અમે કૃપા કરીને મૂર્તિમાન કરીએ ત્યારે તે મુક્ત પોતાને તથા પુરુષને તથા અક્ષરને તથા અમને મૂર્તિમાન દેખે છે અને એ સર્વના પ્રકાશને પણ પૃથક્ પૃથક્ દેખે છે, જીવને વિષે સૂઝે એ રૂપે કરીને એટલે મૂળપુરુષદ્વારે રહ્યા છીએ. પણ મૂળઅક્ષરાદિકથી લઈને સર્વેને વિષે અમારી શક્તિ રહી છે. માટે અમે રહ્યા છીએ એમ જાણવું. ઉપનિષદ, યોગ ને સાંખ્ય તેના મતને કહેવાપૂર્વક પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. (૧૨૩)