૮. દિવ્ય પમરાટ (ખુશ્બો) (વિભાગ - ૧)
શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોના જીવનવ્યવહાર એવા તો અણિશુદ્ધ કર્યા કે તેમના વર્તનથી જ અહોભાવ જાગે. પોતે કહેતા : ‘‘વર્તન વાતો કરશે.’’ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામથી પધારેલા મુક્તો પણ સેવક હોવાથી શ્રીહરિજીની મરજી મુજબ એકધારું છતાં વિવિધતાભર્યું જીવન જીવી બતાવી સૌના માટે આદર્શ પૂરો પાડતા ગયા. એ ક્રમ ચાલુ જ રહ્યો. સોમચંદભાઈ પણ પોતાના અતિ ઉત્કર્ષ જીવનવ્યવહારથી સૌ કોઈના આદર્શમૂર્તિ બની રહ્યા.
સોમચંદભાઈનો પહેરવેશ એકદામ સાદો. બંડી, ઝભ્ભો, ધોતિયું, ટોપી - માદરપાટ કે ગજિયા કાપડમાંથી બનાવરાવે. સાદા પણ સ્વચ્છ કપડાંનો આગ્રહ રાખે. રજોગુણ તો પાસે આવી જ કેમ શકે ? હાથમાં કાયમ માળા તો હોય જ. મોટાં મોટાં શહેરોમાં કે શેઠ-સાહેબો મળે તોય પોતાનો પહેરવેશ, રહેણીકરણી તો એના એ જ. શ્રીહરિજીની દિવ્યમૂર્તિના કેફમાં જ મસ્ત રહેતા, તેથી રુંવાડે રુંવાડે દિવ્ય આનંદ ઊભરાતો જણાયા કરે.
પોતાની જીવન જરૂરિયાત સાવ ઓછી. પોતાનો સામાન શણના કોથળામાં રાખતા ! સાદાનો સોદો ને શુદ્ધનો શુદ્ધ !
પોતે ભગવાં વસ્ત્રધારી ત્યાગી થયા ન હતા, તે છતાં કોઈ પણ ત્યાગીથી વિશેષ ત્યાગ પોતાના જીવનમાં સતત રાખ્યો છે. વર્ષોની એકધારી સત્સંગ સેવાને અંતે જ્યારે શ્રીહરિજીનું આખરી તેડું આવ્યું ત્યાં સુધી સોમચંદભાઈની પોતાની કહેવાય તેવી કોઈ મિલકત - રકમ કે વસ્તુઓ હતી નહિ. ન ઘર હતું, ન ખેતર હતું, ન વાહન હતું, ન રોકડ મૂડી હતી, ન આભૂષણ હતાં, ન કપડાંલત્તા હતાં. કાંઈ કહેતા કાંઈ પરિગ્રહ હતો નહિ. જગતના મહાન સમાજસુધારકો કે ત્યાગીઓથી સહેજ પણ ઊણો ઊતરે નહિ તેવો અપરિગ્રહ, તે છતાં એ બધાંથી વિશેષ સત્સંગ સેવા સોમચંદભાઈએ કરી છે. સોમચંદભાઈની સેવાની વિશેષતા એ હતી કે એમણે સૌ કોઈને ઉદાત્ત જીવન જીવવા પ્રેર્યા ને ભગવદ્સ્વરૂપને વિષે જોડી દીધા. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહેતા કે એક જીવને ઉગારો તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે, કેમ કે એ જીવને ચોરાશી લાખ જાતના દેહમાં ફરવાનું મટ્યું. આ તો હજારો મુમુક્ષુ જીવોને ઉગાર્યા ને સેવાકાર્યથી વિશેષ પરોપકાર કર્યો ! શ્રીજીમહારાજને રાજી કરવાનો વધુ અધિક માર્ગ કયો ?
કેવળ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા સિવાય કોઈ પણ જાતની સ્પૃહા જેમને હતી જ નહિ એવા સોમચંદભાઈ શ્રીજી પ્રસન્નતા અર્થે સતત કાર્યરત રહ્યા છે. એમનો દૈનિક કાર્યક્રમ ભલભલાને થકવી નાખે તેવો રહેતો. વહેલી સવારે ચાર-સાડા ચારથી દિનચર્યા શરૂ થાય તે રાતના બાર સુધી અવિરતપણે ચાલુ ને ચાલુ. એક સેકંડ પણ નવરાશ ભોગવી નથી. દેહ કહ્યું ન કરે તેવો થયો તોય તેને ગણકાર્યો નથી. અંતરમાં સતત એ જ રટણ : કેમ કરીને વધુ ને વધુ મુમુક્ષુઓને શ્રીજીશરણે લાવવા.
સોમચંદભાઈ એટલે એક અજોડ શિક્ષક. એવા શિક્ષકો ઓછા જ હોય કે જે એકડિયાથી માંડીને સર્વોચ્ચ પદવી સુધીના તમામ વર્ગો ભણાવે ! આધ્યાત્મમાર્ગે પા પા પગલી માંડતો હોય તેવાથી માંડીને ભગવત્સ્વરૂપમાં અતિ સ્નેહે જોડાતો હોય તેવા સુધી સૌને પોતે માર્ગદર્શક હતા. સાચો શિક્ષક પોતાને થયેલું દર્શન દેખાડી - વાતો કરી બીજાને આંજી દેવા માગતો નથી, પણ પોતાની પાસે ભણનારાને પોતાને એવું દર્શન થાય તેવા રસ્તા સૂચવે છે, અને સતત એ રસ્તે આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. એ રીતે સૌ કોઈને શ્રીહરિ સ્વરૂપમાં વધુ ને વધુ લગની લાગે તે માટે સોમચંદભાઈનું સતત વિચરણ હતું.
સોમચંદભાઈનું જીવન કેવું અણિશુદ્ધ હતું તેની સહેજ ઝલક જોઈએ :
સત્સંગમાં ગામેગામ ને ઘેર ઘેર જાય ત્યાં શ્રીહરિને જમાડવા થાળ પોતાના હાથે તૈયાર કરતા. રસોઈમાં તો ફક્ત ખીચડી જ બનાવે, પણ જરૂરી સાધન - તપેલી, થાળી, વાડકા, વાડકી, ઢાંકણા, પ્યાલો, લોટો, સાણસી, ચિપિયો, સગડી - આ બધું - સાફ કરાવી તૈયાર કરાવે. હરિભક્તોને ત્યાં બહેનોને સમજાવે : ‘‘શ્રીજીમહારાજને થાળ કરવા માટે સાધનો ચોખ્ખાં રાખવાં; એંઠા-જૂઠાં ક્યારેય ન રાખવાં; રસોઈ કરતાં શુદ્ધ હાથે જે તે ચીજને અડવું; રસોઈના ઉપયોગમાં લીધેલાં વાસણો વગેરેને તેનો ઉપયોગ પૂરો થાય એટલે શુદ્ધ માટી ને પાણીથી ઊટકી નાખવાં; સગડી-ચૂલો સુધ્ધાં લીંપીને ચોખ્ખું બનાવી દેવું વગેરે શુદ્ધ ક્રિયાઓની સમજણ બહેનોને આપતા.’’ ક્યારેક કોઈ હરિભક્ત શાક બનાવરાવવા આગ્રહ કરે તો એક-બે બટાકા સુધારીને ખીચડીમાં જ નાખી દે. કોઈ પૂછે કે કેમ આવું કર્યું ? તો કહે : ‘‘મોઢામાં તો બધું ભેગું જ થવાનું છે ને ?’’ શાકના મસાલા શુદ્ધ જોઈએ. પોતે આખું મીઠું ગાળેલાં પાણીથી શુદ્ધ કરીને વાપરતા. દળેલું મીઠું વાપરતા નહિ. લાલ મરચું પણ આખા મરચાં લાવી ઘેર શુદ્ધ રીતે ખાંડી, કપડાંથી ગાળેલા દિવેલથી મોયેલું હોય તો જ કામમાં લે. એ જ રીતે હળદર-ધાણાજીરું ઘરે લાવી ચોખ્ખું કરી ઘરે શુદ્ધ રીતે ખાંડેલું હોય તે જ વાપરે. દૂધ કોરા વાસણમાં દોહેલું હોય, અશુદ્ધ પાણીનો જરાય પટ અડ્યો ન હોય તેવું હોય તો જ વાપરે. પાણી પણ વાસણ ઊટકી કૂવાના શુદ્ધ પાણીથી ધોઈને ગાળીને ભરેલું હોય, તેલ પણ કપડાંથી શુદ્ધ વાસણમાં ગાળેલું હોય અને ગાય-ભેંસના દૂધના વલોણાનું સત્સંગીના ઘરનું જ ઘી હોય તે પસંદ કરતા. અનાજ પણ દાણો-દાણો કરી વીણેલું શુદ્ધ અને તેનો લોટ પણ ઘરમાં હાથની ઘંટીથી દળેલો હોય તે જ ચોખ્ખો ગણે. રસોઈ કર્યા પછી સગડી પણ માટીથી લીંપેલી, ધોયેલી જોઈએ. આ રીતે શ્રીજીમહારાજ માટે તૈયાર કરેલ થાળ શુદ્ધ ગણાય. શ્રીજીમહારાજને થાળ ધરાવી, જમતી વખતે પણ ડાબો હાથ જમવાના વાસણને ન અડાડવો. પાણી લેવા બીજી જરૂરિયાત માટે ડાબો હાથ ચોખ્ખો રાખવો. ભાતું પણ ઉપર લખ્યા મુજબનું જ બનાવેલું હોય તો સાથે લઈ જવાય. આવી ઝીણવટ રાખી જે રસોઈ કરતા હોય તેના જ હાથની રસોઈ જમાડે. તેમ ન હોય તો હાથે ખીચડી બનાવી લે. મોટા ભંડારના રસોડે, સાધુ-બ્રાહ્મણ રસોયા હોય તો ય આવી ઝીણવટ ન જળવાતી હોય તો ન જમે. પોતાનાં બહેનોને આવી રીતે તાલીમ આપેલી, જેથી તેમના હાથની રસોઈ જમાડતા.
રસોઈ કરતાં ક્યારેક મીઠું વગેરે ભૂલી ગયા હોય ને શ્રીહરિને થાળ કર્યા પછી ખબર પડે તો પણ ઉપરથી કાંઈ ન લે. એક વખત શાકમાં દૂધી કડવી આવી ગઈ. પહેલેથી ચાખી જોયા વગર જ શાક સુધાર્યું. થાળ થઈ ગયો ને શ્રીજીમહારાજને ધરાવ્યો. પછી તો કડવું શાક પણ જમાડી ગયા, ને નહાવાનું (ઝાડા) થઈ ગયું. હરિભક્તો કહે, ‘જાણીને આપ હેરાન શું કામ થાઓ છો ?’ તો કહે, ‘વિચાર તો કરો, થાળની પ્રસાદી લેતાં દેહ પડી જાય તો ય જવું છે તો ધણીની પાસે ને ? મહારાજને ભૂલથી ય જેવું તેવું જમાડીએ ને આપણે ભૂલ સુધારીને સારું જમાડીએ તો મહારાજની અવગણના કરી કહેવાય, એમને નારાજ કર્યા કહેવાય ! ભક્તિ એળે જાય, ખોટનો વેપાર ગણાય. ભક્તિ કરતાં દેહ મરો કે જીવો, સુખ આવો કે દુઃખ આવો.
વળી જમતાં બીજી વાતો ક્યારેય ન કરવી, આપણા ભેગા શ્રીહરિ જમે છે એવા ભાવે સહિત ‘જમો મહારાજ !’ કહી મહારાજને જમાડવા - એમ પોતે પોતાના વર્તનથી શીખવે. આ વાતની દૃઢતા કરાવવા સમાધિવાળા ગોરધનભાઈની વાત વિગતથી કહે :
‘‘અ. મુ. ગોરધનભાઈ દાતણ કરતા હતા ને શ્રીજીમહારાજે સૂતરફેણીની માટલી આપી કહ્યું : લે ગોરધન ! મહારાજને સૂતરફેણી જમાડ ! દાતણ બાજુમાં મૂકી ગોરધાનભાઈ માટલીમાંથી સૂતરફેણી લઈ ‘જમો મહારાજ !’ કહેતા જાય ને પોતાના મુખમાં કોળિયા મૂકતા જાય, ને વળી પૂછે : હવે જમશો મહારાજ ? જ્યારે શ્રીજીમહારાજે કહ્યું કે હવે પ્રસાદી જેટલી રાખજે, બધી ન જમાડી દેતો, ત્યારે માટલી પાછી આપી. વધેલી પ્રસાદી શ્રીજીમહારાજે સંઘના હરિભક્તોને આપી. સૌને થયું કે આપણે સૂતરફેણી લાવ્યા શ્રીજીમહારાજ માટે ને મહારાજે બધી વાણિયાને જમાડી દીધી ! પણ ભગવાન આગળ કોણ બોલી શકે ? જ્યારે વધેલી સૂતરફેણીની પ્રસાદી શ્રીહરિ ગોરધનભાઈને આપવા લાગ્યા ત્યારે કહે : મહારાજ ! હજી મેં દાતણ કર્યું નથી, નાહ્યો કે પૂજા કરી નથી ! સંઘને વળી સંશય વધ્યો. વાણિયા પાકો બહુ છે. આખી માટલી જમતાં દાતણ બાજુમાં મૂકી દીધું ને થોડી પ્રસાદી લેતાં બધું યાદ આવ્યું ! પછી સભા થઈ, સમય થતાં બ્રહ્મચારી શ્રીહરિને થાળ જમવા તેડવા આવ્યા. મહારાજ કહે : આજે તો ગોરધનભાઈએ સૂતરફેણી ખૂબ જમાડી છે માટે ભૂખ નથી, તો આજે ગોરધનભાઈને જમાડો. એમ કહી ગોરધનભાઈને સાથે લઈ જમવા પધાર્યા. પોતે જરાય ન જમ્યા ને ગોરધનભાઈને પાસે બેસાડી થાળ જમાડ્યો ! આ લીલા સંઘે જોઈ તો ય સંશય ન શમ્યો. ફરી સભા થઈ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા : ‘‘આ ગોરધનભાઈ સર્વ ક્રિયા અમારી મૂર્તિમાં રહીને કરે છે. બીજાને દેખાય કે બધું ગોરધનભાઈ કરે છે, પણ એ તો કાંઈ કરતા નથી. એ તો અમારી દિવ્યમૂર્તિનું સુખ જ અખંડ ભોગવે છે. એની બધી ક્રિયા અમે કરીએ છીએ.’’ શ્રીહરિના મુખનાં વચનથી ય સંઘના હરિભક્તોને સંશય ન ટળ્યો, જેથી શ્રીહરિ કહે : એમને તો સાકર ને મીઠું સરખાં છે. સંઘવાળા કહે : મહારાજ ! વાતોથી સાચું કેમ મનાય ? નજરે દેખાડો. પછી એક થાળીમાં સાકર ને મીઠું લાવ્યા તે પણ ગોરધનભાઈ સરળ રીતે જમી ગયા. ત્યારે સૌને પ્રતીતિ થઈ કે સૂતરફેણી ખરેખર ગોરધાનભાઈ નહિ, પણ ગોરધનભાઈમાં રહીને શ્રીજીમહારાજ જમ્યા છે. આ રીતે આપણે પણ હંમેશાં શ્રીજીમહારાજને થાળ જમાડવા, એવું સોમચંદભાઈ સૌને દૃઢ કરાવતા. વળી, જમતી વખતે નિઃસ્વાદપણું રાખવા કહેતા : દાળનો સબડકો એ સ્વાદ છે, તેથી સબડકા લીધા વિના જમવાનું કહેતા. ક્રિયા અને ભાવનાની શુદ્ધિ કરાવી, શુદ્ધ પ્રેમે શ્રીહરિમાં જોડવાનો અનુભવ કરાવતા. બાઈઓમાં રહેલી શિથિલતાઓ દૂર કરાવવા આ રીતે રમૂજ સાથે સત્ય દૃષ્ટાંતો સરળ ને સાદી શૈલીમાં એવી રીતે રજૂ કરે કે સત્સંગનો પાકો રંગ લાગી જાય.
સવારમાં દાતણ કરવા માટે શ્રીહરિએ ‘શિક્ષાપત્રી’માં સૂચવ્યા પ્રમાણે એક બાજુ બેસવા ભલામણ કરે. દિશાએ (સંડાસ) જઈ આવ્યા પછી હાથ ધોવા માટે માટી મૂકવાનું પહેલેથી ભૂલી ગયા હોય તો ચોખ્ખી માટી આપી ડાબો હાથ દસ વખત ને બંને હાથ ભેગા કરીને સાત વખત એમ સત્તર વખત હાથ જાતે ધોવરાવે. પછી કોઈ નાહેલા હરિભક્તોને અડી ન જવાય અને નાહ્યા પછી બદલવાના રૂમાલ કે ધોતિયાં મૂકેલાં હોય તેને પણ અડી ન જવાય એ રીતે ખટકો રખાવી, નળ નીચે કે ચોકડીમાં પાણીની ડોલ ભરી નહાવા જવા સૂચન કરે. પહેલાં બધાં કપડાં પલાળવા ભલામણ કરે. પલાળેલું કપડું નહાવા માટે લીધેલ ડોલ કે વાસણમાં બોળ્યા સિવાય ઉપરથી પાણી નખાવી મચમચાવી નિચોવી સૂકવી નખાવે. સુકાયેલાં કપડાં ઉપર પક્ષીએ બેસીને બગાડ્યું ન હોય તો તે પણ તપાસી લઈને વાળી લેવા સૂચન કરે, નાહ્યા પછી પૂજા કરવા કે ઉત્તર મુખે બેસવાની રીત સમજાવે. શ્રીહરિની દિવ્ય મૂર્તિમાં જીવાત્મા જોડી રાખીએ તો પૂર્વ ને ઉત્તર, નહિતર દક્ષિણ દિશા જ છે, એવો પૂર્વ-ઉત્તરનો આધ્યાત્મિક અર્થ સમજાવે. પૂજા કરતાં આડી-અવળી વાતો કે બીજે ધ્યાન ન રખાય એવી પણ સૂચના કરે. પૂજાનું માહાત્મ્ય સમજાવવા બોટાદના શેઠ શિવલાલભાઈની પૂજા કરવાની રીતની વાત કરે. શિવલાલભાઈ પૂજા કરવા બેસે ને એકવૃત્તિએ શ્રીહરિસ્વરૂપમાં જોડાય. તે વખતે હજારો રૂપિયાનું નુકસાન થાય તેવા વેપારી સોદાની વાત હોય કે બીજી ગમે તેવી અગત્યની વાત હોય, તો પણ પૂજામાં વિક્ષેપ ન થાય તે માટે પૂજા દરમિયાન તેમના કાને કોઈ વાત ન પહોંચાડવાની તેવી સ્પષ્ટ સૂચના તેમણે આપેલી હતી.
આટલું ઝીણવટભર્યું કામ પણ ઓછામાં ઓછા સમયમાં પતાવે. નહાવું, ધોવું, જમવું વગેરે દૈહિક ક્રિયા કરવામાં એવી ઉતાવળ રાખે કે જાણે કોઈ અગત્યના કામે જલદી બહાર જવાનું ન હોય ! કથા-વાર્તા, માળા-માનસીપૂજા વગેરેમાં એવી ધીરજ દેખાડે અને શાંતિનો અનુભવ કરાવે કે જાણે બીજું કાંઈ કામ જ નથી. હરિભક્તોને કથાવાર્તાનો લાભ લેતાં થકવી દેતા. સાંભળનારા થાકે પણ સળંગ રાત્રિની રાત્રિ પોતે ન થાકે. ઉજાગરા કે થાકને કથાવાર્તા થતી હોય ત્યાં સુધી ન ગણકારે. સભામાં કોઈ ઊંઘતા હોય તો ખટકો રખાવે, જાગ્રત કરે. કોઈના અંતરમાંથી શ્રીહરિવાતરૂપ અમૃત ઢોળાઈ જવા ન દે. જાગ્રત છતાં બીજા વિચારે ચડેલાને પૂછે : મહારાજ શું કહે છે ? એમ કહી સંપૂર્ણ ધ્યાન રખાવે. સભામાં વાત કરતાં, કોઈને અંતરમાં ઘાટ-સંકલ્પ થતા હોય તે મટાડવાની વાતો કરે, જેથી અંતર્યામી છે એવું પણ લાગે. સભામાં પલાંઠી વાળીને એક સરખા જ કલાકોના કલાકો સુધી સ્થિરપણે જ બેસતા. આ બેસવાની રીત પરથી જ જોનારને લાગે કે જરૂર આ સિદ્ધ પુરુષ છે.
સત્સંગમાં મોટા સંતો જીવનવ્યવહારમાં આવી રીત બતાવતા, પરંતુ પોતે ત્યાગાશ્રમમાં વર્તતા હોવાથી ગૃહસ્થાશ્રમી સૌને એ જીવનરીતિનું સંપૂર્ણ દર્શન ન થાય, પણ સોમચંદભાઈ તો ત્યાગાશ્રમમાં ન હતા, વળી ઘરેઘર ને ગામેગામ ફરતા અને ઝીણી અણિશુદ્ધ જીવનરીતિ-સેવારીતિ બતાવતા. તેથી અનેક કુટુંબોના જીવનવ્યવહાર શુદ્ધ બન્યા. ઉપરાંત આવી અણિશુદ્ધ જીવનરીતિને શ્રીહરિની મૂર્તિમાં જોડાવાના જ્ઞાનમાર્ગની પૂર્વશરત ગણી મૂર્તિના અખંડ અનુસંધાનને ચૂકવા ન દેતા.