પત્ર : ૨૫

અનાદિની સભામાં મહારાજ વિના બીજી વસ્તુ જ નથી. મૂર્તિ જ છે એવું મનન કરવા બાપાશ્રી તથા મોટા મોટા મુક્તોની આપણને સૌને આજ્ઞા છે. આપણે દેહરૂપ માનીએ તેમાં કાંઈ ન મળે, પણ ધામરૂપ કે મૂર્તિરૂપ માનીએ તો ભગવાનથી જરાયે અંતરાય રહે નહિ. બાપાશ્રી તો મૂર્તિરૂપ રહેવાની સમજણ કરાવે છે અને એવી કૃપા પણ કરી છે. એવા મોટા જોગમાં આપણે આવ્યા તેનો કેફ જરૂર રાખવો. પૂર્ણ પુરુષોત્તમ એવા સર્વોપરી ભગવાન શ્રીજીમહારાજ તથા તેમના અનાદિ મહામુક્તોની પ્રાપ્તિ આપણને થઈ તેનો આનંદ ને કેફ રાખવો. આપણા જોગમાં જે જે આવે તેમને પણ એ કારણ મૂર્તિના મહિમાની ને પ્રાપ્તિની વાતો કરવી. તેમનાં વચનમાં સાવધાની રાખવી. આટલું કરતાં કરતાં દેહ છતાં કૃપાની ચૈતન્યમાં હા પડી જાય. શ્રીજીમહારાજે મારા ચૈતન્યને દિવ્ય સાકાર, પોતાની મૂર્તિના આકારે અનાદિ મુક્ત કરી, મૂર્તિમાં રસબસભાવે રાખેલ છે. એ વાતની દૃઢતા થાય તેવાં જે જે વચનો હોય તેને વધુ મનન કરવાં. સત્સંગમાં મુમુક્ષુ, ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિક, અનાદિ એ બધી સ્થિતિની વાતો સમજાવાય છે. શાસ્ત્રોમાં લખાણ પણ એવા પ્રકારનાં છે. તેથી જેના જેવા અંગ હોય તેને તેવી તેવી વાતે પોષણ થાય. વર્ષાઋતુમાં જળ વરસે છે ત્યારે જેવા જેવા બીજ હોય તેને તેવું તેવું પોષણ થાય છે. તેમ આપણને શાસ્ત્રો તથા સત્પુરુષ પોષણ કરે છે. તે માટે પાત્ર થવાની મોટા ભલામણ કરે છે. મહારાજ કહે છે કે અમારાથી લાખ ગાઉં છેટે હોય પણ અમારા પાસે છે અને અમારા ખોળામાં બેઠો હોય તોય લાખ ગાઉં છેટે છે. આ વચનથી સમજાય છે કે મહારાજને ઉત્તમ સ્થિતિ કરાવવી છે અને તે માટે દિવ્ય સભા સાથે લાવ્યા. આપણને એમની પ્રાપ્તિ થઈ. વળી, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ સ્થિતિની વાતો બધી સમજાવી. આપણી ભૂલો હોય તે પણ જણાય છે. આપણે શું કરવાનું છે તેનો પણ ખ્યાલ બરાબર આવે છે. છતાં પાત્રતાની ખામીને લીધે એ સ્થિતિનું કાયમ અનુસંધાન રહેતું નથી. તો પણ એવી હિંમત રાખવી કે મહારાજ તથા તેમના લાડીલા મુક્તોના પ્રતાપે આ બધું થઈ જશે, અને જે દિવ્ય સુખમાં ઉત્તમ મુક્તો જોડાઈ ગયા છે એ સુખ આપણને મળશે જ. અત્યારે અંતરપડદો રાખ્યો છે, પણ દયા કરી તે પડદો તાણી લેશે ત્યારે અનાદિ મહામુક્તના જોગ-સમાગમ-સેવાના લાભનું ફળ મળ્યું સમજાશે. જેને જેને મોટા મુક્ત મળ્યા છે તેને મહારાજનો સંપૂર્ણ મહિમા સમજાય છે, ધામરૂપ કે મૂર્તિરૂપે વર્તાય છે, ભગવાનનો પરોક્ષભાવ મટી પ્રત્યક્ષભાવ વર્તે છે, અવરભાવ-પરભાવની વાત એમનાથી અજાણી રહેતી નથી. આ બધો લાભ આપણને મળ્યો છે, તેથી સદા આનંદમાં રહેવું.