ગઢડા છેલ્લું : ૩૮

માયામાંથી થયા તે આકાર મિથ્યા ને નાશવંત છે. અમારા અક્ષરધામને વિષે અમારો ને અમારા મુક્તનો આકાર સત્ય, દિવ્ય ને અતિશય પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદરૂપ અને દ્વિભુજ છે. મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવીએ છીએ અને સર્વોપરી છીએ. દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ. તમારા સર્વના ઇષ્ટદેવ છીએ ને તમારી સેવાને અંગીકાર કરીએ છીએ. અમારા આ મનુષ્ય સ્વરૂપમાં ને ધામમાં રહ્યું જે સ્વરૂપ તેમાં કાંઈ પણ ભેદ નથી, એક જ છે. અમે અક્ષરાદિકે સર્વના નિયંતા, ઈશ્વરના ઈશ્વર, સર્વ કારણના પણ કારણ, સર્વ અવતારના અવતારી છીએ ને તમારે એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છીએ. લોભાદિક છ વાનાં હોય તેને સુખ ક્યારે પણ થાય નહિ માટે અમારા મોટા સાધુ સંગાથે જીવ જડી દેવો ને એમના વચનમાં વર્તવું, વિષયનો સંબંધ કરે તેનો ઠા રહે નહિ. (૨૭૨)