વાત : ૧૦૪
માવા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે રામચંદ્રજી ભગવાન જે તે રાવણને મારીને સીતાજીને લાવવા સારુ લંકામાં જ્યારે ગયા હતા ત્યારે ત્યાં રાક્ષસે નાગપાશે કરીને રામચંદ્રજી ભગવાનને બાંધ્યા ત્યારે ત્યાં ગરુડજી આવ્યા ત્યારે સર્વે નાગ જે તે રામચંદ્રજીનો ત્યાગ કરીને ભાગી ગયા ત્યારે ગરુડજીને સંશય થયો જે આ રામચંદ્રજી તો ભગવાન છે ને આમ કેમ હશે ? એવી રીતે ગરુડજીને સંશય કેમ થયો ? ઉત્તર : જે ગરુડજી તો ભગવાનના પાર્ષદ છે તો પણ એમણે ભગવાનના દિવ્યભાવને તથા મનુષ્યભાવને નક્કી સમજીને દૃઢ ઠરાવ કર્યો નહોતો માટે એમને સંશય થયો. ત્યારે તે ભક્તે કહ્યું જે એ બે ભાવનો દૃઢ ઠરાવ કેમ કરવો ? ઉત્તર : જે મનુષ્યભાવ છે તેને તો આપણે સર્વ દેખીએ છીએ તેને વિષે દિવ્યભાવ સમજવો જે એ મનુષ્યરૂપ મૂર્તિને વિષે કેટલાકને તો પ્રકાશ જણાય છે ને કેટલાકને તો મહારાજ કાઠીના અસ્વાર સોતા હરિભક્તને તેડવા આવે છે એમ જણાય છે. માટે કાઠીને દિવ્યરૂપ કરી દીધા ને કોઈક ભક્તને વિષે તો ચોવીસ અવતારને લીન કરાવી દે છે ને કોઈક ભક્ત એવી ઇચ્છા કરે જે એ ચોવીસ અવતાર કેવા હશે તો તેને તત્કાળ એમનાં દર્શન કરાવી દે છે ને જે અવતાર છે તે તો જે પોતાના દૃઢ ભક્ત હોય તેને પણ અક્ષરધામનાં દર્શન ક્યારેક કરાવે છે ને જે અવતારી શ્રીહરિજી મહારાજ છે તે તો જેવા તેવા હજારો પ્રાકૃત મનુષ્યોને અક્ષરધામનાં દર્શન વારંવાર કરાવે છે ને અંતકાળે પોતાના ભક્તને તેડવા આવે છે ને વળી યવન તથા જૈનાદિકને પણ એમના ઇષ્ટદેવનાં દર્શન કરાવી દે છે ને તેમના ઇષ્ટદેવ જે તે પોતપોતાના સેવકને એમ વાર્તા કરે છે જે પરમેશ્વર તો આ સ્વામિનારાયણ છે ને અમે સર્વે તો એમના સેવક છીએ એવી અનેક પ્રકારની અલૌકિક ને દિવ્ય સામર્થી સત્સંગને વિષે જોઈને મનુષ્યભાવ ને દિવ્યભાવ તે એક જ છે એવો ઠરાવ અતિશય નિશ્ચય કરવો.।।૧૦૪।।