વાત : ૧૧૪
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનની પ્રાપ્તિ થયા કેડે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ રીતે કરીને કામ ક્રોધાદિક જે માયાના વિકાર તેણે કરીને ભગવાનના ભજનમાં વિક્ષેપ ન થાય અને કોઈ જાતનું દુઃખ અંતરમાં ન વ્યાપે એવી શી સમજણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ભક્ત દેહરૂપે વર્તે છે કે આત્મારૂપે વર્તે છે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે વર્તે છે ત્યારે તો એ અખંડ ભગવાન પાસે રહે અને ચરણારવિંદ છાતીમાં રાખે અથવા રાધિકા જેવી પદવી પામે તો પણ એને અંતરમાં સુખ થાય નહિ. તો એવાને આ લોકમાં તો ક્યાંથી સુખ આવે અને તે વૈકુંઠલોકમાં જય વિજયની પેઠે, અથવા ગોલોકમાં જાય અથવા બ્રહ્મલોકમાં જાય પણ દેહાભિમાનીને ક્યાંય સુખ થાય નહિ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ! મૃત્યુલોકમાં દેહ છે તે તો પંચભૂતનું છે અને વૈકુંઠાદિકમાં તો ભગવાનના પાર્ષદ છે તે અતિ સમર્થ છે તે અહીંના દેહ ને ત્યાંના દેહ બરોબર કેમ હોય ? ત્યારે મહારાજ બોલ્યા જે, અહીં અસમર્થ છે અને ત્યાં ઘણા સમર્થ છે માટે દેહાભિમાનીને ક્યાંય સુખ નથી અને જેને દેહાભિમાન નથી તે તો ગોલોક, વૈકુંઠમાં હોય તોય સુખી છે ને પૃથ્વી ઉપર હોય તો પણ સુખી છે માટે જે આત્મારૂપે કરીને ભગવાનની ભક્તિ કરે છે તેની જ ભક્તિ સાચી છે અને તે ભક્ત આત્મારૂપે વર્તે છે અને દેહને પોતાનું રૂપ નથી માનતો તેને તો અહીં છે તો પણ બ્રહ્મમોહોલ તુલ્ય છે.।।૧૧૪।।
ટિપ્પણી
પંચભૂતઃ પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ.