વાત : ૨૧૮

ધીરજ વખત પર રહેતી નથી તે કેમ સમજે તો રહે ? ઉત્તર : જે શ્રીજીમહારાજની ભક્તિ માહાત્મ્યે સહિત હોય ને આત્મનિષ્ઠાનો વિચાર અતિ પક્વ હોય તો ધીરજ રહે, ને તો આત્મનિષ્ઠાનો વિચાર કરનારા પણ ત્રણ પ્રકારના છે તેમાં એકને તો ક્રિયા કર્યા પહેલાં વિચાર રહે તે પ્રથમથી જ વિચારીને પછી ક્રિયા કરે ને બીજાને ક્રિયા કરતાં મધ્યે સાંભરે ને ત્રીજાને ક્રિયા કરી રહે ત્યારે સાંભરે. એ ત્રણે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ કહેવાય ને જેને સાંભરે જ નહિ તે તો અધમ કહેવાય, ને ઉત્તમ ધીરજવાળા તો મુક્તાનંદ સ્વામી હતા ને મુક્તાનંદ સ્વામીને કોઈક ભક્તજન કાંઈક વાત કહેવા આવે ત્યારે પ્રથમ તો તે સામું જોઈ રહેતા ને તપાસ કરતા પછી કહેવું ઘટે તો કહેતા, નહિ તો અંતરદૃષ્ટિ કરીને શ્રીહરિના ભજનમાં મંડ્યા રહેતા. ને વળી પિંડ બ્રહ્માંડને સ્વપ્નતુલ્ય, અતિ આસાર ને કાખના મુવાળા જેવા સમજીને ને ત્રણ શરીર થકી પૃથક્‌ જાણપણારૂપે નિરંતર વર્ત્યા કરે તો વખત ઉપર ધીરજ રહે. તે ઉપર જડભરત અને અખંડાનંદ સ્વામી આદિકના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી.।।૨૧૮ ।



ટિપ્પણી

કાખના મુવાળા જેવાઃ બગલમાં થતાં વાળના જેવા ક્ષુલ્લક.દ્બજડભરત અને અખંડાનંદ સ્વામીનાં દૃષ્ટાંતઃ ભરતજીને મૃગલામાં આસક્તિ રહી તેથી મૃગનો દેહ આવ્યો, ત્યાર બાદ ફરી મનુષ્ય જન્મ થયો ત્યારે કોઈ જગ્યાએ આસક્તિ ન થઈ જાય તે માટે જાણીને ગાંડાની જેમ વર્ત્યા, ને જડભરત કહેવાયા. તે વખતે તેમનું પુષ્ટ શરીર જોઈને દેવીભક્તો તેમનું બલિદાન-ભોગ આપવા લઈ ગયા તો યે તેમની ધીરજ ડગી નહિ.

સ. ગુ. શ્રી અખંડાનંદ સ્વામી શ્રીજીમહારાજના આશ્રિત મોટા સંત હતા. તેમને જંગલમાં વાઘ મળ્યો ને તેમને મારવા આવ્યો, તો ય સ્વામીની ધીરજ ડગી નહિ. આ રીતે, આત્મનિષ્ઠા દૃઢ કરવી જોઈએ.