વાત : ૩૨૧

માવે ભક્તે કહ્યું જે ત્યાગીને સ્ત્રી ને ધન એ બે નથી જણાતાં પણ દેહ ને સ્વભાવ એ બે તો જણાય. ત્યારે સ્વામીએ કહ્યું જે દેહમાં ધન રહ્યું છે અને સ્વભાવમાં સ્ત્રી રહી છે. તે કેમ છે તો ઉપરથી ત્યાગ કરીને બેઠો છે પણ જો દેશકાળે કરીને સ્ત્રીનો જોગ થાય ત્યારે તેને ભોગવવાની આસક્તિ થાય અને ભોગવે. તે માટે સ્ત્રી તે સ્વભાવમાં રહી છે. ને દેહમાં ધન તો એમ છે જે દેહમાં મંદવાડ થાય તથા કોઈક જાતનો સ્વભાવ પડે તથા વસ્ત્રાદિક પદાર્થ જોઈએ ત્યારે ધનમાં આસક્તિ થાય તે માટે ધન તે દેહમાં છે ને સ્વભાવમાં સ્ત્રી તો એમ રહી છે જે ચ્યવનઋષિ બીજાના દેહની નાડીયુંને બંધ કરે એવા સમર્થ હતા તો પણ સ્ત્રી પરણ્યા અને સૌભરી ઋષિએ પણ સાઠ હજાર વર્ષ તપ કર્યું હતું તો પણ સ્ત્રી પરણ્યા. માટે સ્ત્રી તો સ્વભાવમાં રહી છે. અને આપણે આંહીં સ્ત્રીનો સંકલ્પ થાય તો ઉપવાસ કરે ત્યારે દોષ ટળે અને જો દેહે કરીને સ્ત્રીનો સંગ થાય તો સત્સંગમાં રખાય નહિ, પણ સંકલ્પે કરીને સત્સંગમાંથી કઢાય નહિ અને બદ્રિકાશ્રમમાં સંકલ્પ થાય તો ત્યાંથી પાછો દેવલોકમાં મૂકે અને ત્યાં સ્ત્રીને ભોગવીને પછી તે સ્ત્રીનો ત્યાગ કરીને સ્ત્રીનો પોતાના જીવમાંથી રાગ ટાળીને ત્યાં જાય ત્યારે રાખે અને શ્વેતદ્વીપમાં તો સ્ત્રીનો અવ્યક્ત રાગ લગારેક થાય ત્યારે ત્યાંથી બદ્રિકાશ્રમમાં કાઢી મૂકે. તે માટે બદ્રિકાશ્રમવાળાને શ્વેતદ્વીપવાળા જેવું થાવું છે અને શ્વેતદ્વીપવાળાને અક્ષરના મુક્ત જેવું થાવું છે અને શ્વેતદ્વીપમાં ભગવાન પાંચ વખત દર્શન દે છે ને ત્યાંથી અક્ષરધામમાં જાવું હોય તો જાય અને ત્યાં દર્શન કરીને પાછા શ્વેતદ્વીપમાં આવે પણ ત્યાં રહેવાય નહિ. અને શ્વેતદ્વીપવાળાને વૈરાટની મોટપ જોઈને તથા મહાવિષ્ણુની મોટપ જોઈને તેમાં મોહ ન થાય અને મહાપુરુષની મોટપને તથા તેના વિષયને જોઈને તથા પોતાને તે વિષય પ્રાપ્ત થાય ત્યારે દેશકાળે કરીને કોઈક સમે રાગ જેવું જણાય અને પછી તે સંકલ્પને ખોટો કરી નાખે અને અક્ષરના મુક્તને તો સૂઝે તેટલો સ્ત્રીનો પ્રસંગ થાય તથા કોઈક મહાપુરુષના જેવો અધિકાર આવે તથા દેશકાળ વિષમ થાય તો પણ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે અને તેમાં બંધાય નહિ અને તે વિષય એને કાંઈ બાધ ન કરે અને આજ્ઞા પ્રમાણે કરીને રહેવા દે. માટે જે અક્ષરભાવને પામ્યો હોય તેને સૂઝે તેટલો વિષયનો જોગ થાય તથા માન થાય ને પોતે સૂઝે તેટલી પ્રવૃત્તિમાં જોડાણો હોય તો પણ તેમાં બંધાય નહિ તથા તેમાં હર્ષ, શોક ન પામે. તે માટે જે સાધુ અક્ષરભાવને પામ્યો હોય તે પુરુષોત્તમની સેવાનો અધિકારી થયો ને ભગવાન જેમ પોતે કાળ, કર્મ ને માયાને આવરણે રહિત છે તેવો તેને પણ કરે છે અને અખંડ પોતાની સેવામાં રાખે છે. તે માટે એવા સાધુ થાવું તે સૌથી અતિ કઠણ છે અને જે એવો સાધુ થયો તેને અને ભગવાનને અંતરાય નથી રહેતો. તે જ્યારે સાધુની સભા થઈ ત્યારે સનકાદિકનું પ્રમાણ ન થયું કેમ જે તેને ક્રોધ થયો ત્યાં તો નરનારાયણ ઋષિનું પ્રમાણ થયું કેમ જે તેને ક્રોધ થયો ત્યાં તો નરનારાયણ ઋષિનું પ્રમાણ થયું કેમ જે તેને ક્રોધ ન ઊપજ્યો તો કામ તો ક્યાંથી જ ઊપજે ? તે ઉપર ઇન્દ્રનું દૃષ્ટાંત કહી દેખાડ્યું. તે માટે એવા સાધુ થાવું ને સ્વભાવ માત્રને ટાળીને જ્યારે શુદ્ધ અક્ષરભાવને પામે ત્યારે ભગવાનની સેવામાં રહેવાય ને જો આંહીં લગારેક વચન લોપ્યું હોય તો ત્યાં બહુ અપમાન થાય. તે ઉપર શાહુકારની શાહુકારીનું દૃષ્ટાંત દીધું.।।૩૨૧।।



ટિપ્પણી

લેવાણોઃ લેવાયો-ઝલાયો, ભળેલો.

ઇન્દ્રનું દૃષ્ટાંતઃ એક વખત કામદેવ, વસંત, અપ્સરાઓ વગેરેને લઈને ઇન્દ્ર બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનની તપશ્ચર્યામાં ભંગ કરાવવા ગયો. ત્યારે શ્રી નરનારાયણના કહેવાથી નરે પોતાની ઉરુ (જાંઘ)માંથી ઉર્વશી નામની અપ્સરા ઉત્પન્ન કરી, જેને જોઈને પેલી અપ્સરાઓ નિસ્તેજ થઈ ગઈ ને ઇન્દ્રનો ગર્વ ઊતરી ગયો. આ રીતે શ્રી નારાયણમાં કામ કે ક્રોધ હતા જ નહિ.

શાહુકારની શાહુકારીનું દૃષ્ટાંતઃ પૈસાવાળા દુકાનદારનું દિવાળું નીકળે તો તેનું બધી જગ્યાએથી અપમાન થાય છે, તેમ ભગવાનની આજ્ઞા લોપે તેનું સર્વત્ર અપમાન થાય છે. મેમકાના એક હરિભક્તે શ્રીજીમહારાજની ના છતાં સાંખ્યયોગ સાથે બ્રહ્મચર્ય વ્રત લીધું, તે પછી દુકાનમાં છાનોમાનો પરસ્ત્રી રાખતો. તેમાંથી પકડાઈ ગયો ને વાત જાહેર થઈ ગઈ ને ખૂબ અપમાનિત થયો. પછી તે ડભાણમાં શ્રીજીનાં દર્શને આવ્યો ત્યારે મહારાજ કહેઃ સુતાર હરિભક્ત સાંખ્યયોગી બ્રહ્મચારી થઈને પધાર્યા છે ને મીઠો દંડપ્રસાદ ખાઈને આવ્યા છે તેમને આવવા દો. આ રીતે ભરી સભામાં તેનું અપમાન થયું.