વાત : ૫૬૪
અને સુપર્ણાનંદ સ્વામીએ પૂછ્યું જે બદ્ધ મુક્ત (જીવન્મુક્ત) તથા શુદ્ધ મુક્ત (વિદેહ મુક્ત) તેને વિષયમાં રાગ છે તે કેમ છે ને તે બેને પ્રકૃતિ છે તે કેમ છે ? ત્યારે તેમણે કહ્યું જે જન્મુક્ત હોય તેને વિષયમાં રાગ પણ થાય. ને પ્રકૃતિ-સ્વભાવ પણ હોય ને જે વિદેહ મુક્ત તે તો શુદ્ધ મુક્તભાવને પામ્યા હોય તેને તો કોઈ સ્વભાવ તથા પ્રકૃતિ તે ન હોય ને જે કાંઈ પ્રકૃતિ-સ્વભાવ જણાય છે તે તો જીવના કલ્યાણને અર્થે જણાય છે. ત્યારે સ્વામીએ કહ્યું જે એ ઠીક કહ્યું એનો એ જ ઉત્તર છે, અને તે બેમાં જે સ્વભાવ-પ્રકૃતિ છે તે હમણાં તો ન જણાય કેમ જે મોટાનો જે કાયદો હોય તે કાયદા પ્રમાણે સર્વેને વર્ત્યું જોઈએ પણ આડુંઅવળું ન વર્તાય, જુઓને પ્રથમ આપણે એમ આજ્ઞા હતી જે અઢી હાથનો એક હજુરિયો રાખવો પણ એથી અધિક ન રખાય તથા એક કૌપીન ને ગોદડી રાખવી તથા ખટ રસનાં વર્તમાન હતાં એ આદિક જે જે આજ્ઞા હતી તે પ્રમાણે સૌ વર્તતા પણ અધિક ન્યૂન કોઈનાથી ન વર્તાતું. તેમ અક્ષરધામમાં પણ એક પુરુષોત્તમ ભગવાન પોતે એક જ તે સર્વે મુક્તના નિયંતા છે તે માટે એ મુક્તમાં એકસરખી પ્રકૃતિ જણાય છે પણ જો સ્વતંત્રપણે આંહીં આવ્યા હોય ત્યારે જેની જેવી પ્રકૃતિ હોય તે જણાય કેમ જે પોતાની સ્મૃતિને અનુસારે જીવનો મોક્ષ કરે. તે ઉપર કહ્યું જે શ્રી રામચંદ્રજીએ અને શ્રીકૃષ્ણ ભગવાને જે કલ્યાણનો રસ્તો બાંધ્યો છે તે તપાસીને જુઓ ને મહારાજે જીવના કલ્યાણને અર્થે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત જે ભક્તિ તેનું સ્થાપન કર્યું છે તે જુઓ, કેમ જે મહારાજે જે ધર્મ બાંધ્યો છે તેમાં કોઈ કાળે અધર્મ પેસવાનો માર્ગ જ નથી. તે માટે ગમે તેવો મુક્ત હોય ને જો તે સ્ત્રી, ધન તથા માન એ ત્રણનો અતિ સંગ કરે તો તેનો ઠા ન રહે તો બીજાની તો વાત શી?।।૫૬૪।।