વાત : ૭૦
હવે મુક્તના સુખનું તારતમ્યપણું કહીએ છીએ. તે ચાર પ્રકારના મુક્ત છે તેમાં એક તો ભગવાનનાં દર્શન કરે, અને બીજા મુક્ત છે તેનાં પણ દર્શન કરે, અને બીજા જે મુક્ત છે તે ભગવાનને મેષોન્મેષ જોઈ રહે. અને સન્મુખ બેઠા જે મુક્ત તેને પણ દેખે. તેમાં પ્રથમ કહ્યા તેથી બીજાને અનંત ગણું સુખ આવે છે. અને ત્રીજા જે મુક્ત છે તેતો કેવળ ભગવાનને જ દેખે પણ બીજા કોઈને મુક્તને ન દેખે પણ પોતાના દેહની સ્મૃતિ રહે અને તેને ભગવાનનું સુખ બીજા મુક્તના કરતાં કોટીગણું અધિક આવે. અને ચોથા જે અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મુક્ત છે તેને તો કેવળ ભગવાનની મૂર્તિ વિના કોઈ મુક્તની તથા પોતાની દેહની વિસ્મૃતિ ન રહે, અને તેને ભગવાનનું સુખ કેવું આવે તો જેમ ભગવાનને પોતાની મૂર્તિનું પોતાને સુખ આવે છે તેવું ભગવાનનું સુખ મુક્તને આવે છે. તે માટે તેના સુખનું વર્ણન કરવું જે આવું સુખ એને આવે છે તે તો શેષજી પર્યંત કોઈ કહેવા સમર્થ થાય એવો નથી.।।૭૦।।
ટિપ્પણી
મષોન્મેષઃ એક નજરે.