વાત : ૪૦૦
જગતમાં મોટા મોટા માણસને તથા રાજાને સત્સંગ થાય તથા ઘણા માણસને સત્સંગ થાય અને મંદિરમાં અને આચાર્યના ઘરમાં ઘણી ઊપજ વધે તથા મોટા આબરૂ થાય પણ જો પોતાનો કોઈક સ્વભાવ વધી જાય અને સત્સંગમાંથી પાછું પડી જવાય તો તે સર્વે આપણા જીવના કલ્યાણને અર્થે શા પ્રયોજનમાં આવ્યાં ? એણે કરીને પોતાનું કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ ન થયું. જેમ કોઈક માંદો પડ્યો હોય, તેને સારાં સારાં ભોજન, દૂધ, સાકર, ઘણી હોય તે શા કામમાં આવે ? તેમાંથી લગાર પણ ખવાય નહિ. તેમ તે સર્વે તેના કામમાં આવે નહિ તે માટે પ્રથમ તો પોતાનો સત્સંગમાં અચળ પાયો થાય અને દેશકાળાદિક વિષમ થાય તો પણ કોઈ રીતે પાછું પડાય નહિ એવો પોતાનો જીવ સાધને કરીને સિદ્ધ કરવો અને પોતાનો કોઈ અયોગ્ય સ્વભાવ હોય તેની ઉપર દોષદૃષ્ટિ રાખીને તેને ટાળવાનો નિરંતર આગ્રહ રાખવો અને ઘણો ખટકો તો એનો રાખવો અને એ કરતાં કરતાં સત્સંગ કરાવવો અને સત્સંગનો મમત્વ રાખવો અને ઉત્કર્ષ પણ યથાશક્તિ કરવો; પણ સ્વભાવની ઉપર દોષદૃષ્ટિ રાખવી નહિ અને કેવળ સત્સંગ કરાવવા ઉપર તથા વધારવા ઉપર નજર રાખવી એ ઠીક નહિ. આટલી વાત એમ સમજે ત્યારે જાણીને જે એને સત્સંગના નૉરની સમજણ આવી છે.।।૪૦૦।।