વાત : ૪૬૬

ધર્માદિકની પક્વતાએ કરીને ભગવાનના દૃઢ ભક્તને માયિક વિષયની ઇચ્છા ટળી જાય છે તેણે કરીને એમને કચરો ને કંચ એ બે સરખાં જણાય છે કેમ જે એ બેનું પ્રયોજન એ જ્ઞાની ભક્તને રહેતું નથી માટે સરખાં જણાય છે ને સુખ દુઃખ છે તે તો જીવની સમજણમાં જ રહ્યાં છે કેમ જે આ વસ્તુ તો સુખદાયક છે ને આ વસ્તુ તો દુઃખદાયક છે એવી અંતરમાં જે દૃઢ સમજણની ગાંઠ પડી છે તેમાં સુખદુઃખ રહ્યાં છે ને જુઓને આ લોકમાં પુરુષ જે તે પોતાના પુત્રને પરણાવવા જાય છે ત્યાં પોતાને ‘‘મોચી ઘાંચીના રે સઈ સુતારના રે’’ એવી રીતે અનેક જાતની ગાળો દે છે પણ તે સાકર જેવી ગળી લાગે છે. ત્યારે સુખ દુઃખ તેો સમજણમાં જ રહ્યાં છે તે માટે અંતરમાં સત્‌ અસત્‌નો વિવેક કરીને આ લોકનાં સુખ દુઃખને ખોટાં સમજે તો બાહેરથી તે ખોટાં થઈ જાય છે.।।૪૬૬।।



ટિપ્પણી

મોચી ઘાંચીના રે સઈ સુતારના રેઃ લગ્ન વખતે સ્ત્રીઓ ગાણાં ગાય તેમાં સામેનો પક્ષ પોતાના પક્ષથી હલકો છે તેવી મશ્કરીરૂપે ગાણાં જોડે છે, તે સાંભળીને તેને ગાળ ગણવાને બદલે મીઠી મશ્કરી ગણે છે. આ રીતે જો સત્‌-અસત્‌ની સાચી સમજણ હોય તો આ લોકનાં સુખદુઃખ ખોટાં થઈ જાય.