વાત : ૨૬૮
ટિટોડીના દૃષ્ટાંતે કરીને પુરુષ પ્રયત્નની વાર્તા કરી જે જો ટિટોડી મંડી તો ગરુડે સહાય કરી. તેમ જીવ જો સાચો થઈને એકાંતિક માયાને અર્થે સાધન શીખે તો શ્રીજી તથા તેમના સંત જરૂર સહાય કરે.।।૨૬૮।।
ટિપ્પણી
ટિટોડીનું દૃષ્ટાંતઃ એક ટિટોડીએ સમુદ્રને કાંઠે ઈંડાં મૂક્યાં. પાણીના મોજામાં સમુદ્ર તે ઈંડાંને તાણી ગયો. ટિટોડીએ સમગ્ર પક્ષીમંડળને બોલાવ્યું ને તેમની બધાંની ચાંચ ને પાંખથી માટી ને કાંકરા સમુદ્રમાં નાંખવા લાગ્યાં. આ વાત નારદજીએ જાણી. વૈકુંઠમાં જઈ ભગવાનને વાત કરી કે મૃત્યુલોકમાં બધાં કુશળ-સુખી છે, પણ ટિટોડી દુઃખી છે, તેનાં ઈંડાં સમુદ્ર લઈ ગયો છે, અને બધાં પક્ષીઓ મળીને સમુદ્ર પૂરવા માંડ્યા છે, પણ ગરુડની સહાય ન મળે ત્યાં સુધી તે બિચારા શું કરે ? આથી ભગવાને ગરુડને મોકલ્યો. ગરુડે પોતાની ચાંચ ને પગ દ્વારા મોટા મોટા પર્વતો લઈને સમુદ્ર પૂરવા માંડ્યો. તેથી સમુદ્ર ગભરાયો ને તેણે ટિટોડીનાં ઈંડાં પાછાં આપ્યાં. આમ ટિટોડીની જેમ જો કોઈ ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટેનો પુરુષ પ્રયત્ન કરવા માંડે તો ભગવાન ને સંત જરૂર સહાય કરે.