વાત : ૪૬૪
विद्याविद्ये मम तनू विद्वयुद्धव शरीरिणां ।
बन्धमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते।।
(અર્થ :- હે ઉદ્ધવ ! વિદ્યા અને અવિદ્યા મારી શરીરભૂત છે. અને મારી માયા (સંકલ્પ)થી નિર્માણ થયેલી ને આદિભૂત છે તે વિદ્યા અને અવિદ્યા શરીરીઓને બંધન અને મોક્ષ કરનારી છે. વિદ્યાશક્તિ મોક્ષ કરનારી છે અને અવિદ્યા શક્તિ બંધન કરનારી છે. (ભા. અ. ૧૧-૩))
એ શ્લોકને વિષે વિદ્યા અવિદ્યા એ બેય શબ્દે કરીને બંધ ને મોક્ષ કહ્યા છે. તેમાં વિદ્યા તે શું ? ને અવિદ્યા તે શું ? ઉત્તરઃ જે વિદ્યા જે તે ધર્મ સર્ગને વિષે વર્તવું, જ્ઞાન શીખવું, વૈરાગ્ય શીખવો ને શ્રીજીમહારાજનો ને મોટા સંતનો મહિમા શીખવો ને નવ પ્રકારની ભક્તિ કરવા શીખવી ને શમદમાદિક સાધન શીખવાં ઇત્યાદિક સર્વે વિદ્યાશક્તિ કહેવાય છે. ને પંચ વિષયને વિષે રાગ રાખવો ને દેહાભિમાને સોતા વર્તવું ઇત્યાદિક સર્વેને અવિદ્યાશક્તિ કહેવાય છે. ને અજ્ઞાનીમાં જે અવિદ્યાશક્તિ રહી છે ને તેને વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે ને તે અવિદ્યા પણ અજ્ઞાની જીવ માત્રને વિષે ને ઐશ્વર્યાર્થીને વિષે રહી છે ને તે અજ્ઞાનીમાં જે વિદ્યા જણાય છે તે શું છે ? તો જે યજ્ઞ દાન, પુણ્ય, વેદાધ્યયન ને તીર્થ, વ્રતાદિક જે જે શુભ ક્રિયા કરે છે તે સર્વે ફળને પામવાની ઇચ્છાએ સહિત કરે છે. માટે એ વિદ્યા છે તે પણ અવિદ્યા જ છે ને જે ઐશ્વર્યાર્થી હરિભક્તિ છે તેને વિષે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. માટે એ સકામ ભક્ત છે ને તે ઐશ્વર્યાર્થી તો સનકાદિકથી લઈને પ્રધાનપુરુષ પર્યંત કહેવાય છે. માટે જે ભક્તની ઇન્દ્રિયોની વૃત્તિયું આત્મા કે પરમાત્મા સન્મુખ વર્તે છે ને વિષયને વિષે દોષના ધ્યાને યુક્ત વર્તે છે તે ભક્ત જે તે વિદ્યાશક્તિઓ યુક્ત કહેવાય છે ને જે ભક્તની ઇન્દ્રિયુંની વૃત્તિયુંબહાર વર્તે છે ને વિષયને વિષે ગુણના ધ્યાને યુક્ત વર્તે છે તે ભક્ત જે તે અવિદ્યા શક્તિઓ યુક્ત કહેવાય છે. ને જે હરિભક્ત એમ નથી સમજતા ને નિશ્ચયનું કે મહિમાનું બળ લઈને સ્વભાવને ટાળતા નથી ને જે હરિભક્ત શ્રીજીમહારાજની ને સત્પુરુષની બીક રાખીને ને ભગવાનને અંતર્યામી જાણીને પ્રકૃતિને ટાળે છે ને જે નથી ટાળતા એ બેને સરવાળે બહુ ફેર પડે છે ને હમણાં તો સરખા જણાય છે. જેમ બે નાવ સમુદ્રમાં ચાલ્યાં જાતાં હોય તેમાં એકના સુકાનને ધ્રુમાંકડી સામી દૃષ્ટિ નાખીને લગાર લગાર મરડ્યા કરે ને એકના સુકાનને ન મરડે તો એ બંને નાવને આગળ જતાં સો બસો ગાઉનો ફેર પડી જાય છે. તેમ જે સ્વભાવને ટાળતો હોય ને જે ન ટાળતો હોય તેમાં પણ એમ ફરે પડે છે ને કેવળ વિદ્યા શક્તિએ યુક્ત તો શ્વેતદ્વીપના તથા બદ્રિકાશ્રમના મુક્ત વર્તે છે ને તે કર્તા, કર્મ ને ફળના સંગને વિષે આસક્તિઓ કરીને એ મુક્તોને પણ પંચ વિષયને સન્મુખપણું ને એમને વિષે ગુણનું ધ્યાનપણું થઈ જાય તો તે વિદ્યાને વિષે પણ અવિદ્યા કહેવાય ને જે અક્ષરધામના મુક્ત છે તે તો ગુણાતીત વર્તે છે માટે એ નિર્ગુણ કહેવાય છે ને જે આ વાર્તાને શ્રવણ, મનન ને નિદિધ્યાસ તેણે કરીને યથાર્થ સમજ્યો હોય ને તે જો થોડાક દિવસનો નવો હરિભક્ત હોય તો પણ તે સત્સંગ તથા કુસંગને ઓળખે છે ને તેમાં લેવાતો નથી.।।૪૬૪।।
ટિપ્પણી
ધ્રુમાંકડીઃ ઉત્તર ધ્રુવના તારા પાસે આવેલું સપ્તર્ષિના આકારનું નાનું તારામંડળ, જેને જોઈને દિશા નક્કી કરી શકાય છે.