વાત : ૩૩૦

ગુણની પ્રવૃત્તિ તો રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણે કરીને છે તે જ્યારે સત્ત્વગુણ વર્તે ત્યારે તો શમદમાદિક ધર્મ સર્ગ વર્તે ને રજોગુણ વર્તે ત્યારે અનેક પ્રકારના સંકલ્પ થાય ને તમોગુણ વર્તે ત્યારે તેમાં ચાર દોષ વર્તે, એક તો પ્રમાદ, બીજો મોહ, ત્રીજું આળસ, ચોથી નિદ્રા. હવે તેને જીતવાના ઉપાય : (૧) પ્રમાદ તો શુદ્ધ જ્ઞાન થાય તો ટળે. (૨) મોહ તો જ્યારે શુદ્ધ જ્ઞાન ને જાણપણું નિરંતર રહે તો ટળે. (૩) જ્યારે આળસ આવે ત્યારે ભગવાનનું માહાત્મ્ય જાણીને ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરે તો ટળે. (૪) જ્યારે નિદ્રા આવે ત્યારે ઊભા થાવું અને કીર્તન ગાવવાં, કથા વાંચવી, તથા સાંભળવી એ આદિક ક્રિયા કરે ત્યારે નિદ્રા જિતાય એમ એ ચારે ઉપાયને સિદ્ધ કરે ત્યારે તમોગુણ જિતાય. અને મલિન સત્ત્વગુણે કરીને રજોગુણ જિતાય, અને શુદ્ધ સત્ત્વગુણે કરીને મલિન સત્ત્વગુણને જિતાય અને શુદ્ધ સત્ત્વગુણનેતો ભગવાનની મૂર્તિનું ધ્યાન ને ઉપશમ તેણે કરીને જીતે ત્યારે સિદ્ધ થયો કહેવાય.।।૩૩૦।।