વાત : ૯૩
લાધા ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ! અસદ્ પદાર્થને વિષે વાસના બંધાણી છે તે કેમ ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ભગવાનની મૂર્તિ મોઢા આગળ ધારીને ભજન કરે ત્યારે તેને વાસનાનું બળ મટે નહિ અને જ્યારે ભજનનો કરનારો જે દૃષ્ટા તેને વિષે મૂર્તિને ધારે ત્યારે વાસનાનું જોર નાશ થી જાય. જેમ પંખીનું કાચું ઈંડું હોય અને તે ફૂટે ત્યારે પાણી હોય પણ કંઈ આકાર રહે નહિ અને ઈંડું પાકું હોય અને ફૂટે ત્યારે તેમાંથી બચ્ચું નીસરે તેનો આકાર ટળે નહિ તેમ જે દૃષ્ટામાં મૂર્તિ ધારે તેનો ઘાટ તે કાચા ઈંડા સરખો તેનો આકાર રહે નહિ અને જો બાહેર મૂર્તિ ધારે ત્યારે તેનો ઘાટ તે પાકા ઈંડા સરખો તેનો આકાર મટે નહિ. માટે એમ સમજવું જે દૃષ્ટારૂપ જે અક્ષરધામ તેમાં ભગવાન સદાય રહે છે અને બાહ્ય જે દર્શન આપે છે તે તો ભક્તના ઉપદેશને અર્થે છે પણ ભગવાન રહ્યા તે દૃષ્ટાને વિષે જ છે એવી રીતે સમજે તેની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે છે. જેમ વરકન્યા હોય તેનાં માવતર તો જુદા જુદા ગામમાં રહેતાં હોય પણ એ બે જણની સુરતી પરસ્પર હેતે કરીને પ્રોવાઈ રહે છે તે સર્વે ધંધો કરે પણ પુરુષને એમ સ્મૃતિ રહે જે મારી સ્ત્રી ફલાણે ગામ રહે છે તેમ એ ભક્ત છે તે એમ જાણે જે મારા પતિ એવા જે ભગવાન તે દૃષ્ટાને વિષે રહ્યા છે તો તે ભક્તની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે છે અને સર્વે વાસના નાશ થઈ જાય છે.।।૯૩।।
ટિપ્પણી
દૃષ્ટામાંઃ જોનારા આત્મામાં (પ્રતિલોમપણે).
પ્રોવાઈઃ પરોવાઈ, જોડાઈ.